ખુરશી પર બેસીને ફ્લેક્સિબિલિટી પણ વધે ને વજન પણ ઘટે

22 September, 2021 04:22 PM IST  |  Mumbai | Ruchita Shah

જેઓ જમીન પર નથી બેસી શકતા અથવા જેમણે લાંબા કલાકો સુધી પોતાના કામને કારણે ચૅર પર જ બેસવું પડે છે એવા તમામ લોકો માટે ચૅર પર બેસીને થતાં મૉડિફાઇડ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ વરદાન બની શકે છે

ભુજંગાસન

નિષ્ણાતો કહેતા આવ્યા છે કે યોગ જીવનશૈલી છે અને પ્રત્યેક ક્ષણ તમે જે કાર્ય કરી રહ્યા છો એ કરતાં-કરતાં પણ યોગમય જીવી શકો છો. ચૅર યોગને તમે એ રીતે જોઈ શકો. તમારા ચાલુ કાર્યમાં થોડાક સમયનો બ્રેક લઈને શરીરને સ્ટ્રેચ કરતાં-કરતાં જાત સાથે જોડાવાની યાત્રા ખુરશી પર બેઠાં-બેઠાં પણ સંભવ છે. ‌વેલનેસ કોચ મિકી મહેતા કહે છે, ‘બદલાતા સમય સાથે ટ્રેડિશનલ યોગ ન કરી શકનારા લોકો માટે ચૅર યોગ એક પગથિયા સમાન છે. આખો દિવસ ખુરશી પર બેસીને જેમણે કામ કરવાનું છે તેમની પીઠને અને ગરદનને લાંબા ગાળે તકલીફો થઈ શકે છે જેને ચૅર યોગના વિવિધ સ્ટ્રેચિંગથી સુધારી શકાય છે. તમે ઑફિસમાં હો કે ખુરશી પર બેસેલા હો તો લોઅર બૅક જકડાઈ જાય. ધીમે-ધીમે કરોડરજ્જુનું લચીલાપણું ઘટે જેને તમે ખુરશી પરથી ઊભા થયા વિના પણ વચ્ચે-વચ્ચે ટ્રીટ કરી શકો છો. કૉન્ટ્રૅક્ટેડ હોય, ધીમે-ધીમે સ્પાઇનની ઇલેસ્ટિસિટી ડૅમેજ થાય. દરેક જણે જેમણે લાંબા કલાક સુધી બેસવાનું કામ કરવાનું છે એ લોકોએ ચૅરયોગની થોડીક-થોડીક પ્રૅક્ટિસ કમ્પલ્સરી કરવી જ જોઈએ.’
 
 
બેસીને થતા હાથ અને પગના દરેક પ્રકારના સૂક્ષ્મ વ્યાયામ તો ચૅર યોગમાં સંભવ છે જ પરંતુ આજે વેલનેસ કોચ મિકી મહેતા અને તેમની સાથે જોડાયેલાં અનુભવી યોગ ટીચર દીપલ મોદીએ શૅર કરે છે ચૅર પર થઈ શકનારાં કેટલાંક આસનો વિશે, જે તમે દિવસમાં બેથી ત્રણ વાર બે-ત્રણ કલાકમાં ગૅપમાં કરી શકો છો.

આટલા ફાયદા તો છે જ છે!

 ખુરશીના સપોર્ટથી જ્યારે તમે કોઈ પણ પ્રકારનું સ્ટ્રેચિંગ કરો છો ત્યારે એ વધુ સરળતાથી અને તીવ્રતાથી થઈ શકતું હોય છે જે ફ્લેક્સિબિલિટી વધારે છે. કેટલીક ઝડપી કસરતો ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.
 ચૅર યોગમાં તમે શરીરને વેઇટ તરીકે યુઝ કરીને અમુક સ્ટ્રેંગ્થ બિલ્ટઅપ કરી શકે એવી કસરતો કરો તો સ્નાયુઓનું બળ અને સંતુલન વધારશે. મોટી ઉંમરના લોકો જેઓ સંતુલન ગુમાવવાના કારણે પડી જતા હોય છે, તેમને ચૅર યોગથી સારો લાભ થશે.
 સ્ટ્રેસ લેવલ ઘટે, કારણ કે કોઈ પણ મૂવમેન્ટને તમે યોગનું નામ ત્યારે જ આપી શકો જ્યારે તમે એ અવેરનેસ સાથે કરતા હો. મૂડ સુધારવા, ડિપ્રેશન જેવી સ્થિતિમાં રાહત મેળવવા, ચિંતા અને ડરને દૂર કરવામાં પણ અન્ય યોગાભ્યાસની જેમ ચૅર યોગ ઉપયોગી નીવડી શકે છે.

 ફિઝિકલ અને મેન્ટલ હેલ્થની ઊંઘ પર પણ ઘેરી અસર પડે છે. શરીરમાં રક્તપરિભ્રમણ સુધરે છે. કરોડરજ્જુની તંદુરસ્તી વધે છે જે ઓવરઑલ તમારી સ્લીપ ક્વૉલિટીને પણ સુધારે છે.

ચૅર વક્રાસન 
ખુરશી પર કરોડરજ્જુ સીધી રહે એ રીતે બેસીને ઊંડો શ્વાસ લો અને કમરના હિસ્સાથી ચૅરની ઉપરના હૅન્ડલને પકડી લો. ધારો કે તમે ડાબી બાજુથી વળ્યા છો તો જમણો હાથ ખુરશીના ડાબા કૉર્નર પર રહે એ રીતે રાખો અને ડાબો હાથ જમણી બાજુના કૉર્નર પર રાખો. ખૂબ જ સુંદર મજાનો સ્ટ્રેચ મળશે. સ્પાઇનનું ટેન્શન દૂર કરવામાં, એની ફ્લેક્સિબિલિટી વધારવામાં, પેટની આસપાસની ચરબી ઘટાડવામાં આ અભ્યાસ અદ્ભુત પરિણામ આપે છે. 

ચૅર તાડાસન
ખુરશી પર ટટ્ટાર બેસીને બન્ને હથેળીની આંગળીઓને એકબીજામાં ઇન્ટરલૉક કરો અને તમારા હાથને માથા તરફ લઈ જાઓ અને ખેંચો. આ ખેંચાણ દરમ્યાન તમારી કરોડરજ્જુ અને પેટના સ્નાયુઓ પણ સહેજ પર તરફ ખેંચાય એવા પ્રયાસો કરો. તમારું પૉશ્ચર સુધારવાથી લઈને કરોડરજ્જુના ટેન્શનને દૂર કરવા, નેકના ટેન્શનને રિલીઝ કરવામાં અને શરીરના ઉપલા ભાગના સ્નાયુઓની ક્ષમતા વધારવા માટે આ સૌથી સરળ અને દરેક જણ કરી શકે એવો અભ્યાસ છે.

ચૅર ગરુડાસન
ડાબા અને જમણા હાથને તસવીરમાં દર્શાવ્યું છે એ રીતે એકબીજાની અંદર ક્રૉસમાં ભેગા કરો. પગને પણ એ જ રીતે એકબીજાની અંદર ઇન્ટરલૉક કરો. ડાબી અને જમણી બન્ને બાજુએથી થતો આ અભ્યાસ હાથ અને પગના સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી વધારવામાં અને બ્રેઇનની શાર્પનેસ વધારવા માટે ઉપયોગી છે. જોકે હાથમાં કે પગમાં કોઈને પહેલેથી જ ઇઈ થઈ હોય તેમણે ન કરવું. 

ચૅર ભુજંગાસન
ખુરશીના પાછળના ભાગમાં ઊભા રહીને એના હૅન્ડલનો સપોર્ટ લઈને છાતીના ભાગને ઉપરની તરફ ખેંચો અને પેટના ભાગને નીચેની તરફ રાખો. શ્વસનતંત્રને મજબૂત બનાવે, શ્વસન બહેતર બને અને કરોડરજ્જુને હેલ્ધી બનાવે.

ચૅર જાનુ શીર્ષાસન
ખુરશી પર ટટ્ટાર બેસી ગયા પછી ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણી સાથળ પર મૂકી દો. જમણા પગની એડીને ખેંચીને સહેજ બહારની તરફ રાખો. હવે બન્ને હાથને ઉપર લઈ જઈને જમણા પગના અંગૂઠાને ટચ કરતા હો એ રીતે આગળ ઝૂકો. પછી બીજી બાજુ અભ્યાસ કરો. કમર પાસેથી ચરબી ઘટે, પગના સ્નાયુઓ મજબૂત બને. જોકે જેમને સિવિયર બૅકપેઇન હોય તેમણે આ અભ્યાસ ન કરવો. 

ચૅર ઉથ્થિત પાર્શ્વકોણાસન 
બન્ને પગને ઓપન કરીને પગની એડી જમીન પર રહે એ રીતે રાખો. હવે આગળ ઝૂકીને ડાબા પગના અંગૂઠાને જમણા હાથથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને ડાબા હાથને ઉપરની તરફ ખેંચેલો રાખો. નજર પણ એ તરફ રાખો. આ અભ્યાસ પેટની ચરબી ઘટાડવામાં અને સ્પાઇનનું લચીલાપણું વધારવા માટે બેસ્ટ છે.

ચૅર ઉત્તાનાસન
ખુરશી પર ટટ્ટાર બેસી ગયા પછી બન્ને પગની એડીઓ જમીન પર રહે એ રીતે પગને ઘૂંટણથી સીધા કરો અને પછી કમરના હિસ્સાથી નીચે ઝૂકીને પગના અંગૂઠાને સ્પર્શ કરો. પેટની ચરબી ઘટાડવાથી લઈને માથા તરફ બ્લડ ફ્લો વધારે છે. સ્ટ્રેસ અને ટેન્શનને દૂર કરે છે. માથાનો દુખાવો મટે છે. સ્નાયુઓને લચીલા બનાવે છે. હાઈ બીપી અને પેટની સર્જરી થઈ હોય તેમણે અવૉઇડ કરવું. 

ચૅર વીરભદ્રાસન 
જમણા પગને નેવું ડિગ્રી બેન્ડ કરીને ચૅરની એક કિનારી પર રાખો અને ડાબા પગને ઘૂંટણથી સીધો ખુરશીની બીજી કિનારી પર રાખો. હવે બન્ને હાથને પહેલાં પગને પૅરેલલ અને પછી માથાની ઉપર નમસ્કાર મુદ્રામાં રાખો. હાથ, કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી માટે અને કમર તથા પેટની ચરબી ઘટાડવા માટે, પગના અને સાથળના સ્નાયુઓને મજબૂતી આપવા માટે આ ઉપયોગી છે.

ચૅર પવન મુક્તાસન
ટટ્ટાર બેઠા પછી ડાબા પગને ઘૂંટણથી વાળીને એને છાતી તરફ લાવીને બન્ને હાથથી ટાઇટલી પકડી લો. જમણા પગથી પણ સેમ અભ્યાસ કરો. ગૅસની સમસ્યા હોય, ઘૂંટણનો દુખાવો હોય તેમને આ અભ્યાસથી રાહત થશે. પેટની સર્જરી અને ઘૂંટણમાં ગંભીર ઈજા હોય તેમણે આ અભ્યાસ ન કરવો. 

yoga health tips ruchita shah columnists