ત્વચાની સમસ્યાનો ઉકેલ સ્કિન-કૅરમાં નહીં, ગટ-બ્રેઇનની હેલ્થમાં છુપાયેલો છે

24 December, 2025 11:31 AM IST  |  Mumbai | Heena Patel

ઘણી વાર એવું થાય કે સમસ્યા સ્કિનની દેખાય પણ એનું મૂળ હોય ગટ અને બ્રેઇનમાં થયેલી ગરબડ. એટલે તમે ચહેરા પર ગમે એટલી ક્રીમ લગાવો, પણ ગટ-હેલ્થ સુધારવા પર કે મેન્ટલ હેલ્થ પર ધ્યાન ન આપો ત્યાં સુધી એ સમસ્યા જડમૂળમાંથી જતી નથી.

પ્રતીકાત્મક તસવીર

હવે સમય આવી ગયો છે કે આપણે સ્કિન-કૅરને ફકત ક્રીમ, સિરમ કે ફેસવૉશ પૂરતું સીમિત ન રાખીએ. એની સાથે-સાથે આપણે હેલ્ધી ડાયટ અને એક બૅલૅન્સ્ડ લાઇફસ્ટાઇલનું પણ ધ્યાન રાખીએ. આપણું ડેઇલી રૂટીન કેવું છે એની અસર પણ આપણી સ્કિન પર દેખાતી હોય છે. એટલે ત્વચાનું ફક્ત બહારથી નહીં પણ અંદરથી ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આપણી અંદરની હેલ્થનો રિપોર્ટ આપણી બહાર સ્કિન પર દેખાતો હોય છે. આવું કઈ રીતે શક્ય છે એ સમજવા માટે આપણે ગટ-બ્રેઇન-સ્કિન ઍક્સિસનો કન્સેપ્ટ સમજવો પડશે. એની સ્કિન પર પડતી અસર વિશે જાણવું પડશે જે આપણને ડાયટિશ્યન રીમા ધોરાજીવાલા સમજાવશે. સાથે જ એનો ઉકેલ શું એ વિશે પણ માહિતી આપશે.

ગટ-બ્રેઇન-સ્કિન ઍક્સિસ શું છે?

આ આપણને એ દર્શાવે છે કે આપણું પેટ (ગટ), બ્રેઇન અને સ્કિન એકબીજા સાથે કનેક્ટેડ છે. કોઈ એકમાં ગરબડ થાય તો એની અસર બાકીના બે પર પડે છે.

બ્રેઇનની ગટ અને સ્કિન પર અસર જોઈએ તો જ્યારે તમે સ્ટ્રેસમાં હો ત્યારે મગજમાં સ્ટ્રેસ-હૉર્મોન્સ રિલીઝ થાય છે, જે સીધાં ગટ પર અસર પાડે છે. એને કારણે પાચન ધીમું પડી જાય. ગૅસ, બ્લોટિંગ, કબજિયાત, ડાયેરિયા જેવી સમસ્યા થાય. હાનિકારક બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જાય અને સારા બૅક્ટેરિયા ઓછા થઈ જાય. જ્યારે ગટમાં અસંતુલન અને સોજો થાય છે ત્યારે એની અસર લોહી દ્વારા સ્કિન સુધી પહોંચે છે. એને કારણે ઍક્ને, રૅશિસ, રેડનેસ, સ્કિન-સેન્સિટિવિટી, ઇરિટેશનની સમસ્યા થાય છે.

ગટની બ્રેઇન અને સ્કિન પર અસર જોઈએ તો ૯૦ ટકા સેરોટોનિન આપણા ગટમાં બને છે. આ એક ન્યુરોટ્રાન્સમીટર છે જે મૂડ, ઊંઘ, ભૂખ અને પાચનને નિયમિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણા પેટમાં હાનિકારક બૅક્ટેરિયા વધારે હોય અથવા ગટ અસંતુલિત થાય તો સેરોટોનિનના ઉત્પાદન પર અસર પડે છે. એને કારણે ઍન્ગ્ઝાયટી, ચીડિયાપણું, ડિપ્રેશનનો અનુભવ, ઊંઘમાં ખલેલ પહોંચવી અને બ્લોટિંગ, કબજિયાત, ડાયેરિયા જેવી સમસ્યા થાય છે. જ્યારે પેટમાં સોજો થાય છે અથવા બૅક્ટેરિયા અસંતુલિત થાય છે તો એ ઇમ્યુન-સિસ્ટમને સક્રિય કરે છે અને ઇન્ફ્લૅમેટરી કેમિકલ્સ રક્તમાં છોડે છે. આ ઇન્ફ્લૅમેટરી સિગ્નલ્સ શરીરના માધ્યમથી ત્વચા સુધી પહોંચે છે અને ઍક્ને, એક્ઝિમા, સોરાયસિસ અને ડલ સ્કિન જેવી સમસ્યાઓ સર્જાય છે.

સ્કિનની બ્રેઇન અને ગટ પર અસર જોઈએ તો જ્યારે ત્વચામાં ઍક્ને, એક્ઝિમા, ડ્રાયનેસ અને ઇરિટેશન જેવી સમસ્યા હોય ત્યારે એ વ્યક્તિમાં સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને કૉન્ફિડન્સ ઇશ્યુઝ વધારી દે છે. આ સ્ટ્રેસ બ્રેઇન-ઍક્ટિવિટીઝ અને હૉર્મોન લેવલ્સને અસર કરે છે જે મૂડ, ઊંઘ અને ભૂખ પર પ્રભાવ પાડે છે. સાથે જ સ્કિન-સંબંધિત સ્ટ્રેસ બ્રેઇન-ગટ કનેક્શનને ઍક્ટિવેટ કરે છે, જેને કારણે પાચન ધીમું પડી શકે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ક્રૉનિક સ્કિન ઇન્ફ્લમેશન (સોજો) ગટના હેલ્ધી બૅક્ટેરિયાને પણ અસર કરે છે જે સેરોટોનિનનું અસંતુલન, પાચન, મૂડ સંબંધિત સમસ્યાને વધારી શકે છે.

પૅટર્ન ઓળખો

ત્વચા સંબંધિત સમસ્યા થવાનાં અનેક કારણ હોય છે જેમ કે હૉર્મોન્સ, જિનેટિક્સ, ઍલર્જી, પૉલ્યુશન, સ્ટ્રેસ, ડાયટ વગેરે. જો આપણે ગટ-બ્રેઇન-સ્કિનની દૃષ્ટિએ જોઈએ તો કેટલીક પૅટર્ન્સ આપણને દર્શાવે છે કે સ્કિન-પ્રૉબ્લેમનું મૂળ કારણ ગટમાં છુપાયેલું છે. સૌથી પહેલું લક્ષણ એ છે કે ત્વચાની સમસ્યાની સાથે-સાથે પાચન સંબંધિત સમસ્યા પણ થઈ રહી હોય જેમ કે બ્લોટિંગ, ગૅસ, કબજિયાત, ડાયેરિયા વગેરે. બીજું એ કે કોઈ સ્પેસિફિક

ફૂડ-આઇટમ ખાધા પછી ઍક્ને, રૅશિસ સતત થતા હોય તો એ પણ ગટ સંબંધિત અસરનો સંકેત હોઈ શકે છે. ત્રીજું, સ્ટ્રેસ, મૂડ-ચેન્જિસ સાથે સ્કિનનું રીઍક્ટ કરવું. જેમ કે સ્ટ્રેસફુલ પિરિયડ્સમાં ઍક્ને અથવા સેન્સિટિવિટી વધવી પણ ગટ-બ્રેઇન-સ્કિન કનેક્શનને હાઇલાઇટ કરે છે. સૌથી ક્લિયર સિગ્નલ ત્યારે મળે છે જ્યારે તમે ગટ-ફ્રેન્ડ્લી ડાયટ અપનાવો, જન્ક ફૂડ ઘટાડો, હાઇડ્રેશનનું ધ્યાન રાખો અને બૅલૅન્સ્ડ લાઇફસ્ટાઇલ અપનાવો ત્યારે સ્કિન પર સુધારો દેખાય. તમે તમારું ફૂડ, મૂડ અને ડાઇજેશનનો ટ્રૅક રાખીને એક પ્રૅક્ટિકલ અને ઇફેક્ટિવ રીતે ગટ-બ્રેઇન-સ્કિન ઍક્સિસની અસરને સમજી શકો છો.

ઉપાય શું?

ઘણા લોકોને ઍક્ને, બ્લોટિંગ, સ્ટ્રેસની સમસ્યા હોય છે. આમ જોવા જઈએ તો ત્રણેય અલગ-અલગ સમસ્યા છે પણ એ ગટ-બ્રેઇન-સ્કિનમાં સર્જાયેલા અસંતુલનનું પરિણામ છે. ઘણા લોકો એ ભૂલ કરે છે કે ત્રણેયની અલગ-અલગ સારવાર કરે છે, પણ વાસ્તવિકતામાં આ બધી જ સમસ્યા પાછળનું મૂળ એક જ છે અને એના પર કામ કરવાની જરૂર હોય છે. ગટ, બ્રેઇન, સ્કિન ઍક્સિસ વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે કોઈ અઘરી વસ્તુ કરવાની જરૂર નથી. તમારે બસ, ડાયટ અને લાઇફસ્ટાઇલમાં કેટલીક સરળ વસ્તુઓ ઉમેરવાની છે અને એમાં તમારે સાતત્ય જાળવવાનું છે. આનું પાલન અઠવાડિયું, પંદર દિવસ કે મહિના માટે કરવાને તમારા દૈનિક જીવનનો ભાગ બનાવી લેશો તો તમને એનો ફાયદો થશે.

ડાયટ : સૌથી પહેલાં તો ડાયટમાં ફાઇબરનો સમાવેશ કરો જેથી તમારા પેટમાં ગુડ બૅક્ટેરિયાને પોષણ મળે. એ માટે તમે રોજિંદા ખોરાકમાં જુવાર, બાજરી, રાગી, ઓટ્સ, બ્રાઉન રાઇસ જેવાં અનાજ; તુવેરદાળ, મગની દાળ, ચણા, રાજમા, વટાણા જેવાં દાળ અને કઠોળ, પાલક, ભીંડા, ગાજર, કોબી, દૂધી, ફ્લાવર જેવી શાકભાજી; સફરજન, જામફળ, પપૈયું, સંતરું જેવાં ફળો; ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, બદામ, અખરોટ જેવાં નટ્સ અને સીડ્સનો સમાવેશ કરો. પ્રોબાયોટિક્સથી ભરપૂર ખોરાક ખાઓ જેથી ગટમાં બૅક્ટેરિયાની વિવિધતા જળવાયેલી રહે. એ માટે આહારમાં દહીં, છાશ, ઇડલી, ઢોસા, ઢોકળા, કાંજી, અથાણું વગેરેનો સમાવેશ કરો. શુગર અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ઓછું કરો, કારણ કે એ ગટ બૅક્ટેરિયાનું બૅલૅન્સ બગાડે છે અને શરીરમાં સોજો પેદા કરે છે.

સ્ટ્રેસ-મૅનેજમેન્ટ : રોજિંદા જીવનનો તનાવ ઓછો કરવાનો પ્રયત્ન કરો. યોગ, મેડિટેશન કરવાનું રાખો. કુદરત સાથે સમય પસાર કરો.

લાઇફસ્ટાઇલ : સાતથી આઠ કલાકની ઊંઘ લેવાનું રાખો. દરરોજ ૧૫-૨૦ મિનિટ એક્સરસાઇઝ કરવાનું રાખો. દારૂ, સિગારેટથી દૂર રહો.

health tips healthy living life and style lifestyle news columnists