10 July, 2026 12:35 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં ફારાહ ખાનના વ્લૉગમાં ઍક્ટર બરુન સોબતીની પત્ની પશ્મીન મનચંદાએ ખુલાસો કર્યો કે બરુન શૂટિંગ દરમ્યાન સતત ૧૪-૧૫ કલાક સુધી કંઈ જ ખાતો નથી. બરુને પણ સ્વીકાર્યું કે સીન પર ફોકસ કરવાના ચક્કરમાં તે ખાવાનું ભૂલી જાય છે. ઘણા લોકો આને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ સમજી બેસે છે ત્યારે એક્સપર્ટ પાસેથી જાણીએ કે કામના પ્રેશરમાં કલાકો સુધી ભૂખ્યા રહેવાથી ડાયટિંગ જ થાય છે કે પછી શરીરને નુકસાન થાય છે?
વેબ-સિરીઝ ‘કોહરા’ પછી જબરદસ્ત વેઇટલૉસ કરનાર અભિનેતા બરુન સોબતી શૂટિંગ દરમ્યાન ૧૪-૧૫ કલાક સુધી અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખતો. આ વાતની કબૂલાત તેણે ફારાહ ખાનના એક વ્લૉગમાં કરી હતી. બરુનની આ પદ્ધતિની ડાયટ કોઈ પ્લાનિંગ સાથેની નથી પરંતુ કામ પ્રત્યેની અતિશય એકાગ્રતાનું પરિણામ છે. આ સ્થિતિ માત્ર બરુન સોબતી પૂરતી મર્યાદિત નથી. અત્યારે કૉર્પોરેટ યુગમાં IT પ્રોફેશનલ્સ, મીડિયા પર્સન્સ, મેડિકલ સ્ટાફ અને બિઝનેસમેન પણ આવી જ હેક્ટિક લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. બૅક-ટુ-બૅક મીટિંગ્સ, ટાર્ગેટ્સ પૂરા કરવાનું પ્રેશર અને લાંબી શિફ્ટને કારણે લોકો અવારનવાર લંચ કે ડિનર સ્કિપ કરી દે છે. ઘણા લોકો મનને મનાવવા આને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું નામ આપી દે છે, પણ શું અનિચ્છાએ કે વ્યસ્તતામાં ભૂખ્યા રહેવું ખરેખર વજન ઉતારવામાં મદદ કરે છે કે પછી એ શરીરને અંદરથી નબળું કરી રહ્યું છે? આ વિશે જાણીતાં ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ શર્મિલા મહેતા પાસેથી વિસ્તારમાં જાણીએ.
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે જો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં પણ ૧૪-૧૫ કલાક ભૂખ્યા રહેવાનું હોય તો કામને લીધે ખાવાનું સ્કિપ થઈ જાય એમાં ખોટું શું છે? આ બન્ને સ્થિતિ બાયોલૉજિકલી અને મેન્ટલી તદ્દન અલગ છે. પ્લાન્ડ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં તમારું મન અને શરીર ભૂખ્યા રહેવા માટે અગાઉથી તૈયાર હોય છે, જ્યારે શૂટિંગ કે ઑફિસના કામના સ્ટ્રેસ દરમ્યાન તમે ખાવાનું ભૂલી જાઓ છો ત્યારે તમારું શરીર શારીરિક અને માનસિક બન્ને પ્રકારના સ્ટ્રેસમાં હોય છે. જ્યારે સ્ટ્રેસ હૉર્મોન્સ રિલીઝ થાય ત્યારે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા ધીમી પડે છે અને ચરબી ઘટાડવાને બદલે એને શરીરમાં જમા કરે છે. બીજી બાજુ ન્યુટ્રિશન મૅનેજમેન્ટની દૃષ્ટિએ પણ મોટો તફાવત આવે છે. પ્લાનિંગ સાથે ડાયટ કરનાર વ્યક્તિ જ્યારે પોતાનો ઉપવાસ તોડે છે ત્યારે તે પ્રોટીન, વિટામિન્સ અને જરૂરી કૅલરીથી ભરપૂર પૌષ્ટિક આહાર લે છે, પણ કામની વ્યસ્તતામાં ખાવાનું સ્કિપ કરનાર વ્યક્તિ લાંબા ગાળાની ભૂખ પછી અતિશય ભૂખ લાગવાને કારણે ઓવરઈટિંગ કરી બેસે છે અથવા ઉતાવળમાં હાઈ-કૅલરી, જન્ક ફૂડ અને અનહેલ્ધી ઑપ્શન્સ પસંદ કરે છે. ઇચ્છા વગર કે સમયના અભાવે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું એ ફાસ્ટિંગ નથી. એનાથી શરીરને જોઈએ એ પ્રમાણે પોષણ મળતું મળી. આનાથી લાંબા ગાળે શરીરની રિકવરી અને મસલ માસ ઘટે છે.
શરીરને જ્યારે લાંબા સમય સુધી ખોરાક ન મળે અને સાથે જ માનસિક કે શારીરિક શ્રમ ચાલુ હોય ત્યારે એની આડઅસરો જોવા મળી શકે છે. સૌથી પહેલી અસર એનર્જી ક્રૅશ અને થાક સ્વરૂપે દેખાય છે. શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઘટવાથી અચાનક અતિશય નબળાઈ ફીલ થાય છે. શરૂઆતમાં કદાચ કામના કારણે થાક ન વર્તાય, પણ જો એ રોજનું થાય તો બ્રેઇન ફૉગ અને એકાગ્રતામાં ઘટાડો થવા લાગે છે. મગજને સક્રિય રહેવા માટે ગ્લુકોઝની સતત જરૂર પડે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી માથાનો દુખાવો, ચીડિયાપણું, ઍન્ગ્ઝાયટી અને ફોકસ કરવામાં તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત મસલ લૉસ થવાનું જોખમ પણ વધી જાય છે. જો પૂરતું હાઇડ્રેશન કે પ્રોટીન ન મળે તો શરીર એનર્જી મેળવવા માટે ફૅટી ટિશ્યુઝને બદલે મસલ માસ તોડવાનું શરૂ કરે છે જેનાથી બૉડી પોતાનો સાચો ટોન ગુમાવી દે છે.
સૌથી મોટી અને કૉમન ભૂલ એ છે કે જ્યારે પ્રોફેશનલ્સ કામમાં વ્યસ્ત હોય ત્યારે ભૂખ દબાવવા અથવા ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે બ્લૅક કૉફી, ચા અથવા શુગરી સોડા-એનર્જી ડ્રિન્ક્સનો આશરો લે છે. ખાલી પેટે જ્યારે કૅફીન કે અતિશય સાકર શરીરમાં જાય છે ત્યારે એ પેટમાં બળતરા પેદા કરે છે જેનાથી ઍસિડિટી, ગૅસ અને હાર્ટબર્ન એટલે કે છાતીમાં બળતરા થાય છે. સોડા કે ચા પીવાથી બ્લડ-શુગરનું લેવલ અચાનક શૂટ થાય છે એટલે ૧૫-૨૦ મિનિટ માટે એનર્જી લાગે છે, પણ એ પછી તરત જ શુગર ક્રૅશ થવાથી અતિશય થાક અને સુસ્તી ઘેરી વળે છે. ખાલી પેટે ચા-કૉફી પીવાથી આંતરડાના હેલ્ધી બૅક્ટેરિયા નાશ પામે છે અને આયર્ન તેમ જ કૅલ્શિયમ જેવાં જરૂરી પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન અટકી જાય છે.
આપણું શરીર ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. તમે જ્યારે પ્લાન્ડ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો છો ત્યારે માનસિક રીતે શાંત હો છો. શરીર જાણે છે કે ઉપવાસના ચોક્કસ કલાકો પછી તેને ન્યુટ્રિશન મળવાનું જ છે એટલે તે મેટાબોલિઝમને બૅલૅન્સ રાખે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, પરંતુ જ્યારે વર્ક-સ્ટ્રેસ અથવા કામના પ્રેશરમાં અજાણતાં ખાવાનું સ્કિપ થાય છે ત્યારે મગજ એને સર્વાઇવલ મોડ સમજી લે છે. શરીરને લાગે છે કે કદાચ બહાર ખોરાકની અછત છે. આથી એ ફૅટ બર્ન કરવાનું બંધ કરી દે છે અને જે પણ કૅલરી અંદર હોય એને ફૅટ તરીકે સ્ટોર કરવા લાગે છે. પરિણામે વ્યક્તિ ઓછું ખાવા છતાં તેનું વજન વધવા લાગે છે અથવા પેટની ચરબી વધે છે.
જે લોકોનું શિફ્ટ-શેડ્યુલ અનિયમિત અને ૧૨થી ૧૫ કલાક જેટલું લાંબું હોય તેમણે રિજિડ કે કડક ડાયટપ્લાન ફૉલો કરવાને બદલે ફ્લેક્સિબલ ન્યુટ્રિશન અપનાવવું જોઈએ. જો તમે ભારે ભોજન ન લઈ શકતા હો તો દર ત્રણથી ૪ કલાકે નાનાં મીલ્સ લેવાની આદત પાડવી હિતાવહ છે. વજન મૅનેજ કરવા માટે કૅલરી ડેફિસિટ જરૂરી છે પણ ભૂખ્યા રહીને નહીં, પોર્શન કન્ટ્રોલ એટલે કે ખોરાકનું પ્રમાણ નક્કી કરીને થવું જોઈએ. આહારમાં પ્રોટીનની માત્રા સારી હોવી જોઈએ જેથી સ્નાયુઓ મજબૂત રહે અને મેટાબોલિઝમ ક્રૅશ ન થાય. અહીં એ પણ સમજવું જરૂરી છે કે ૧૫ કલાક ખાલી પેટે રહ્યા પછી જો સીધું જ ભારે ભોજન જેમ કે પંજાબી, ફાસ્ટ ફૂડ કે ઑઇલી ખોરાક લેવામાં આવે તો એ પાચનતંત્ર માટે એક બ્લાસ્ટ સમાન છે. આટલા કલાકો સુધી નિષ્ક્રિય રહેલા પાચકરસો અચાનક ભારે ખોરાક પચાવી શકતા નથી. આનાથી પેટ ફૂલવું, અપચો, સુસ્તી અને ગૅસ્ટ્રિક પેઇન થાય છે. આવા અનપ્લાન્ડ ઉપવાસને તોડવાની સાચી રીત એ છે કે શરૂઆત હંમેશાં હળવા ખોરાકથી કરવી જોઈએ. પહેલાં એક ગ્લાસ નારિયેળપાણી, લીંબુપાણી અથવા થોડાં ફળો જેમ કે સફરજન કે પપૈયું ખાવાં જોઈએ અને એના અડધા કે એક કલાક પછી જ પ્રૉપર સંતુલિત આહાર એટલે કે રોટલી, દાળ, શાક, સૅલડ જેવું ભોજન લેવું.
જે પ્રોફેશનલ્સને કામની વ્યસ્તતાને કારણે પ્રૉપર જમવાનો સમય નથી મળતો તેમણે ભૂખ્યા પેટે ચા-કૉફી પીવાને બદલે પોતાની બૅગ કે ડેસ્ક પર કેટલાક સ્માર્ટ, પોર્ટેબલ અને હેલ્ધી સ્નૅક્સના ઑપ્શન્સ રાખવા જોઈએ જે કામમાં ખલેલ પહોંચાડ્યા વગર ઇન્સ્ટન્ટ એનર્જી આપી શકે. જેમ કે રોસ્ટેડ મખાના કે ચણા એ લો-કૅલરી અને હાઈ-ફાઇબર સ્નૅક છે જે પેટને લાંબો સમય ભરેલું રાખે છે. મિક્સ નટ્સ અને ડ્રાયફ્રૂટ્સમાં હેલ્ધી ફૅટ્સ હોય છે અને શરીરને ઇન્સ્ટન્ટ પ્રોટીન પૂરું પાડે છે.
પ્રોટીન શેક અથવા છાશ સાથે રાખી શકાય. એ તો કામ કરતાં-કરતાં પણ સરળતાથી પી શકાય છે અને મસલ લૉસ અટકાવી શકાય છે. આ સાથે કેળાં કે સફરજન જેવાં ફ્રેશ ફ્રૂટ રાખી શકાય. એને કાપવાની ઝંઝટ નથી હોતી અને નૅચરલ ગ્લુકોઝ પૂરો પાડે છે.
ફોન રિમાઇન્ડર્સ : જેમ મીટિંગ્સ માટે કૅલેન્ડર બ્લૉક કરો છો એમ દર બે કલાકે પાણી પીવા માટે અને દર ૪ કલાકે હેલ્ધી સ્નૅક લેવા માટે ફોનમાં અલાર્મ સેટ કરો. આનાથી નાસ્તો કે પાણી પીવાનું નહીં ભુલાય.
ર્ટ હાઇડ્રેશન : જો ખોરાક સ્કિપ થાય તો પાણી સ્કિપ ન થવું જોઈએ. ડીટૉક્સ વૉટર અથવા ઇન્ફ્યુઝ્ડ વૉટર બૉટલ સાથે રાખો.
પ્રી-પ્લાનિંગ : સવારે ઘરની બહાર નીકળતાં પહેલાં જ તમારી હેલ્ધી સ્નૅક્સની કિટ તૈયાર કરી લો, જેથી ઑફિસમાં બહારનું કે કૅફીનયુક્ત ખાવા-પીવાની નોબત જ ન આવે.