07 October, 2026 02:53 PM IST | Mumbai | Jigisha Jain
સરગવો અને મસૂરની દાળનો સૂપ
ઍક્ટર શાહીદ કપૂરની પત્ની મીરા કપૂરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પેજ પર સ્મૃતિ ઈરાનીની સૂપની એક રેસિપી શૅર કરતાં કહ્યું હતું કે આ સૂપ એનીમિયા જેવી તકલીફનો રામબાણ ઇલાજ છે. મીરા કપૂરે કબૂલ્યું હતું કે તેને પણ એનીમિયાની તકલીફ ઘણાં વર્ષોથી હતી, તેણે પોતે આ સૂપ રેગ્યુલર લીધો છે અને એ સૂપના પ્રયોગ પછી ૩ મહિનાની અંદર રિપોર્ટ કરાવ્યા તો તેનું હીમોગ્લોબિન સારુંએવું વધ્યું હતું. એટલે મીરાએ ખાસ કરીને સ્ત્રીઓને કહ્યું હતું કે એનીમિયા માટે આ સૂપ ચોક્કસ અજમાવે.
થોડા સમય પહેલાં સ્મૃતિ ઈરાનીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં મસૂરની દાળ અને ડ્રમસ્ટિક કે સરગવાના સૂપની એક રેસિપી આપેલી. એ અનુસાર ડુંગળી, આદું, ટમેટાંની સાથે ૩-૪ સરગવાની શિંગ અને થોડી મસૂરની દાળ ભેળવીને તમારા મનગમતા મસાલાઓ ઉમેરીને સૂપ બનાવો. આ સૂપમાં આયર્નની માત્રા ઘણી સારી છે એટલે એનીમિયામાં એ ઘણું સારું રિઝલ્ટ આપે છે. મીરાએ દરરોજ આ સૂપ અડધો કપ પીવાની સલાહ આપી હતી અને જેમને તેની જેમ એનીમિયા છે તેમને આ સરળ અને ઘરગથ્થુ ઉપચાર અપનાવવા માટે કહ્યું હતું.
સરગવાની શિંગ પોષક તત્ત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. સરગવામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયા સુધારે છે અને કબજિયાત તેમ જ ગૅસ જેવી સમસ્યાઓમાંથી રાહત આપે છે. એમાં કૅલ્શિયમ, આયર્ન અને ફૉસ્ફરસ સારી માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે એ શરીરની ઇમ્યુનિટી વધારે છે અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે સરગવો ખૂબ ઉપયોગી છે, કારણ કે એ બ્લડ-શુગરના લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. એમાં રહેલું પોટૅશિયમ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ બ્લડ-પ્રેશરને નિયંત્રિત રાખે છે અને કૉલસ્ટરોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે. વિટામિન A અને E હોવાને કારણે એ ત્વચા પર ચમક લાવે છે અને વાળ ખરવાની સમસ્યામાં રાહત આપે છે. સરગવામાં કૅલરી ઓછી હોય છે અને એ ચયાપચયની ક્રિયાને સુધારે છે જેથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
એનીમિયામાં એ કઈ રીતે ઉપયોગી છે એ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ કુંજલ શાહ કહે છે, ‘સરગવાની સિંગ અને એનાં પાંદડાંમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. શરીરમાં લાલ રક્તકણો અને હીમોગ્લોબિન બનાવવા માટે આયર્ન સૌથી જરૂરી તત્ત્વ છે. સરગવામાં વિટામિન C પણ સારી માત્રામાં હોય છે એટલે ખોરાકમાંથી આયર્ન ઝડપથી શરીરમાં શોષાઈ જાય છે. સરગવામાં ફોલિક ઍસિડ હોય છે જે નવો ખોરાક પચાવીને નવા લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે. એનીમિયાને કારણે સુસ્તતા અને થાક લાગે છે. સરગવાનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા અને સ્ફૂર્તિ પાછી આવે છે.’
આયુર્વેદિક ગ્રંથોમાં જેમ કે ચરકસંહિતા, સુશ્રુતસંહિતામાં જણાવ્યા મુજબ મસૂરની દાળને અત્યંત પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવી છે. એ પચવામાં હલકી હોય છે એટલે એનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. એ શરીરમાં વધેલા પિત્ત અને કફ દોષને શાંત કરે છે. એ શરીરમાંથી રક્તસ્રાવ થવાની સમસ્યા કે લોહીના રોગોમાં ખૂબ ફાયદાકારક છે. એ શરીરને શક્તિ આપે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે. મસૂરની દાળ એનીમિયા દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે એમ જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘મસૂરની દાળમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. એમાં રહેલું ફોલેટ નવેસરથી રક્તકોષો બનાવવામાં અને એમને સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે એનીમિયાને અટકાવવા માટે ખૂબ જરૂરી છે. લોહીની ઊણપને કારણે આવતી અશક્તિ, નબળાઈ અને થાકને દૂર કરવા માટે મસૂરની દાળનું પ્રોટીન શરીરને નવી ઊર્જા પૂરી પાડે છે. મસૂરની દાળમાં રહેલાં આ સૂક્ષ્મ પોષક તત્ત્વો આયર્નના યોગ્ય ઉપયોગમાં અને હીમોગ્લોબિન બનાવવાના કાર્યમાં મદદ કરે છે.
મસૂરની દાળ અને સરગવાની સિંગનું કૉમ્બિનેશન એનીમિયા સામે લડવા માટે અત્યંત શક્તિશાળી અને આદર્શ ઉપાય સાબિત થાય છે. આ બન્ને સુપરફૂડ્સ એકસાથે મિક્સ થવાથી શરીરમાં આયર્નની ક્ષમતા બમણી થઈ જાય છે. આ સૂપમાંથી શરીરને એકસાથે પુષ્કળ પ્રમાણમાં આયર્ન અને ફોલિક ઍસિડ મળે છે જે હીમોગ્લોબિન અને લાલ રક્તકણો ઝડપથી બનાવવામાં મદદ કરે છે. આપણું શરીર શાકાહારી ખોરાકમાંથી આયર્નને ત્યારે જ યોગ્ય રીતે શોષી શકે છે જ્યારે એને વિટામિન C મળે. સરગવાની સિંગમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે મસૂરની દાળમાં રહેલા આયર્નને શરીરમાં ઝડપથી શોષાવામાં મદદ કરે છે. મસૂરની દાળનું પ્રોટીન અને સરગવાનાં મિનરલ્સ ભેગાં મળીને શરીરને તરત જ ઊર્જા પૂરી પાડે છે અને થાક દૂર કરે છે. એનીમિયાના દરદીઓમાં પાચનશક્તિ ઘણી વાર નબળી હોય છે. મસૂરની દાળ પચવામાં હલકી છે અને સરગવો ફાઇબરથી ભરપૂર છે એટલે આ કૉમ્બિનેશન આંતરડાં પર બોજ પાડ્યા વગર સરળતાથી પચી જાય છે.
તમે મસૂરની દાળમાં સરગવાની સિંગના ટુકડા નાખીને બન્ને બાફીને તમે મસ્ત મસૂર-સરગવાની દાળ અથવા સ્વાદિષ્ટ સૂપ બનાવી શકો છો. પીરસતી વખતે ઉપરથી થોડો લીંબુનો રસ ઉમેરવાથી એનો સ્વાદ અને ગુણકારી અસર બન્ને વધી જશે.
કેટલું પીવું? : ૧૫૦ મિલીલીટર જેટલું સૂપ અઠવાડિયામાં પાંચ દિવસ લઈ શકાય. આમ તો દરરોજ લો તો પણ સારું જ છે.
ક્યારે પીવું : રાત્રે જમતાં પહેલા કે જમવાની સાથે પણ લઈ શકાય. સવારે ૧૧ વાગ્યા આસપાસ મિડ-મીલ તરીકે પણ લઈ શકાય.
ભારતમાં એનીમિયા કે લોહીની ઊણપ એક એવી તકલીફ છે જે વર્ષોથી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા મુજબ ભારતમાં મહિલાઓમાં એનીમિયાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધારે છે. ૧૫થી ૪૯ વર્ષની મહિલાઓ વિશે વાત કરીએ તો ભારતની આશરે ૫૭ ટકા મહિલાઓ એનીમિયાથી પીડાય છે, જેમાં લગભગ ૫૨.૨ ટકા ગર્ભવતી મહિલાઓમાં લોહીની ઊણપ જોવા મળે છે. આશરે ૫૯.૧ ટકા કિશોરીઓ એનીમિયાનો ભોગ બનેલી છે. સરકાર દ્વારા આ સમસ્યા સામે લડવા માટે એનિમિયામુક્ત ભારત જેવું વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.