ધીમા સંગીતના તાલે શરીરને થિરકાવો એ પણ કસરત જ છે

23 June, 2026 03:48 PM IST  |  Mumbai | Kajal Rampariya

આજકાલ સોમેટિક શેકિંગ એક થેરપીની જેમ પ્રચલિત થઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

આજકાલ સોમેટિક શેકિંગ એક થેરપીની જેમ પ્રચલિત થઈ રહી છે. એમાં શરીરને એવી રીતે હલાવવામાં આવે છે જેનાથી શરીરમાં કંપન કે ધ્રુજારી પેદા થાય. સ્ટ્રેસ અને થાક ઉતારી દેતી આ બૉડી-મૂવમેન્ટ એ એક્સરસાઇઝનું રિપ્લેસમેન્ટ નથી, પરંતુ કસરત કરવાની સાથે-સાથે બૉડી શેકિંગ કરવામાં આવે તો ફાયદા પણ ઘણાબધા છે.

કૉર્પોરેટ લાઇફસ્ટાઇલમાં ૮ કલાક કે એથી વધુ સમયની ઑફિસ-ડ્યુટી કર્યા બાદ શરીર સાવ લોથપોથ થઈ જાય છે, મગજ થાકી જાય છે અને ઘરે પહોંચતાં જ વાત-વાતમાં ઇરિટેશન થયા કરે છે. સ્ટ્રેસને કારણે માનસિક રીતે થાકી ગયેલા લોકો આ ઝોનમાંથી બહાર આવવા માટે મેડિટેશન, હેવી જિમ વર્કઆઉટ કે યોગ કરતા હોય છે જે સારી બાબત છે. જોકે સોશ્યલ મીડિયા પર હાલમાં નવો ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે જેનું નામ છે સોમેટિક શેકિંગ. મેન્ટલ હેલ્થ માટે બૉડી શેકિંગનો આ ટ્રેન્ડ બહુ વાઇરલ થઈ રહ્યો છે. આ વિષય પર ઘાટકોપર-વેસ્ટમાં છેલ્લાં ૭ વર્ષથી વધુ સોમેટિક શેકિંગ, યોગ અને ઝુમ્બાની પ્રૅક્ટિસ કરાવી રહેલા યોગ-ઇન્સ્ટ્રક્ટર આકાશ સિંહ પાસેથી આ પ્રકારની થેરપી પાછળનું સાચું વિજ્ઞાન, એની રીત અને સાવચેતીઓ વિશે જાણીએ.

સોમેટિક શેકિંગ એટલે?

આ પ્રક્રિયા વિશે વાત કરતાં પહેલાં એનો મૂળ અર્થ સમજવો જરૂરી છે. સોમેટિક શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવ્યો છે, જેમાં સોમનો સાદો અર્થ થાય છે બૉડી. વિજ્ઞાનની ભાષામાં સોમેટિક એક્સરસાઇઝ એટલે એવી પ્રવૃત્તિ જે મનની ચિંતાઓને દૂર કરવા માટે શરીરના સ્નાયુ અને ચેતાતંત્રનો ઉપયોગ કરે છે. આ કોઈ કૉમ્પ્લેક્સ કસરત નથી. આ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિ એક જગ્યાએ સ્થિર ઊભા રહીને પોતાની મરજીથી શરીરમાં મૂવમેન્ટ કરે છે અથવા ધ્રુજાવે છે. આ પ્રકારના બૉડી શેકિંગનો મુખ્ય હેતુ શરીરમાં જમા થઈ રહેલા લાંબા સમય સુધીના સ્ટ્રેસ, થાક અને નકારાત્મક ઊર્જાને મુક્ત કરવાનો છે.

શેકિંગ પાછળનું સાયન્સ

આપણું શરીર જ્યારે સતત કામકાજના દબાણ, આર્થિક ચિંતાઓ કે મેન્ટલ ટ્રૉમામાંથી પસાર થાય છે ત્યારે આપણી ઑટોનોમિક નર્વસ સિસ્ટમ ફાઇટ-ઑર-લાઇટ મોડમાં આવી જાય છે. આ સ્થિતિમાં શરીર સ્ટ્રેસ હૉર્મોન્સ રિલીઝ કરે છે જેને કારણે હૃદયના ધબકારા વધે છે અને સ્નાયુ કડક થઈ જાય છે. આમ તો આપણી લાઇફમાં શારીરિક જોખમ હોતું નથી, પણ ઑફિસનું ટેન્શન અને અંગત જીવનની ચિંતાઓ આ સ્ટ્રેસ હૉર્મોન્સને લાંબા સમય સુધી જમા રાખે છે અને સમય જતાં કમરનો દુખાવો, ગરદનમાં અકળામણ અને અનિદ્રા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. જ્યારે સોમેટિક શેકિંગ પદ્ધતિને આપણે અપનાવીએ છીએ ત્યારે સ્નાયુઓને ઇરાદાપૂર્વક હલાવીએ છીએ. એનાથી સ્નાયુઓમાં અનુભવાતો તનાવ ઓછો થઈ શકે છે. જેમ હાથ પર ચડેલી કીડીને દૂર કરવા આપણે હાથ ઝાટકીએ છીએ એ રીતે કેટલાક લોકોને શેકિંગ બાદ રાહત અનુભવાય છે. શેકિંગથી કેટલાક લોકો શરીર અને મનને વધુ રિલૅક્સ્ડ, શાંત અને હળવાશ ફીલ કરે છે.

માણસોની જેમ પ્રાણીઓને પણ સ્ટ્રેસ થાય છે. તમે ડિસ્કવરી ચૅનલ કે વાસ્તવિક જીવનમાં જોયું હશે કે કોઈ હરણ સિંહના પંજામાંથી બચીને ભાગે અથવા કોઈ કૂતરો લડાઈમાંથી બહાર આવે ત્યારે એ સુરક્ષિત જગ્યાએ જઈને સૌથી પહેલાં પોતાનું આખું બૉડી જોરથી શેક કરે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આવી હિલચાલ પછી પ્રાણીઓ ફરીથી સામાન્ય વર્તન તરફ પાછાં ફરે છે. કેટલાક થેરપિસ્ટ એવું માને છે કે મનુષ્યોને પણ આ લાગુ પડે છે, પણ હજી સુધી એવા પુરાવા મળ્યા નથી.

જિમ અને યોગ કરતાં શા માટે છે અલગ?

જ્યારે સોમેટિક શેકિંગ પદ્ધતિની વાત થાય ત્યારે સામાન્ય રીતે ફિટનેસના શોખીનોને પ્રશ્ન થાય કે અમે સવારે જિમ કરીએ, યોગ કરીએ તો અમારે આ શેકિંગ કરવાની શું જરૂર છે? આ પદ્ધતિને પૂરક પ્રવૃત્તિ તરીકે અપનાવી શકાય. જિમમાં વેઇટ-લિફ્ટિંગ કે ટ્રેડમિલ પર દોડવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને કૅલરી બર્ન થાય છે, પણ એ શરીર પર ફિઝિકલ લોડ વધારે છે. યોગ કરો ત્યારે મનને એકાગ્ર કરવું પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ અતિશય ચિંતા, ઓવરથિન્કિંગ કે ગુસ્સામાં હોય ત્યારે તેના માટે સ્થિર બેસવું મુશ્કેલ કે અશક્ય બની જાય છે. સોમેટિક શેકિંગ એ કોઈ કસરત નથી, પણ એક રિલીઝિંગ પ્રોસેસ છે. આમાં એકાગ્રતાની જરૂર પડતી નથી. કેટલાક લોકોને શરીર હલાવવાથી મન શાંત કરવામાં મદદ મળી શકે છે.

ફાયદાઓ તો થાય છે

બ્રેઇનમાં ઑક્સિજનનો સપ્લાય : સોમેટિક શેકિંગ દરમ્યાન શરીરના સતત હલનચલનથી મગજને ઑક્સિજનનો પૂરતો પુરવઠો મળે છે જેને લીધે રક્તપ્રવાહ વધે છે અને શરીર એનર્જેટિક ફીલ કરે છે.

થાક ઓછો કરે : ૮ કલાકની નોકરી બાદ મગજમાં જે કંટાળો અને ચીડિયાપણું જમા થાય છે એમાં આ કસરતથી થોડી જ મિનિટોમાં રાહત થઈ શકે છે.

બૉડી ઍક્ટિવેશન : આનાથી શરીરમાં હળવાશ અને ઇન્સ્ટન્ટ એનર્જીનો સંચાર થાય છે.

ઇમોશન રિલીઝ થાય : લાંબા સમય સુધીનો તનાવ અને ઇમોશનલ ટ્રૉમા વ્યક્તિને અસ્વસ્થ બનાવી શકે છે. કેટલાક લોકો શેકિંગ પછી મનનો ભાર હળવો થયો હોય એવો અનુભવ કરે છે.

રૂટીનમાં કેવી રીતે સામેલ કરશો?

આ એક્સરસાઇઝ તમે દિવસ દરમ્યાન કોઈ પણ સમયે કરી શકો છો, પણ આઇડિયલ ટાઇમની વાત કરીએ તો સવારનો સમય સૌથી બેસ્ટ મનાય છે. ઊઠ્યા પછી આપણું શરીર આળસમાં હોય છે અને એને ઍક્ટિવ થવામાં સમય લાગે છે. જો સવારે એકથી ૩ મિનિટ સોમેટિક શેકિંગ કરવામાં આવે તો એનર્જેટિક ફીલ થશે. આ સિવાય રાત્રે સૂતાં પહેલાં થાક દૂર કરવા માટે પણ આ પદ્ધતિ અપનાવવી બેસ્ટ છે. આ પ્રક્રિયા માટે સૌથી પહેલી શરત એ છે કે આસપાસ ડિસ્ટર્બન્સ ન હોવું જોઈએ. શાંત રૂમ કે જગ્યા પસંદ કરો જ્યાં તમને કોઈ ન જુએ. જો કોઈ જોશે તો તમે કૉન્શિયસ થઈ જશો અને જજ કરશે એવો ડર લાગ્યા કરશે. આ ઉપરાંત બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે તો શરીર આપોઆપ રિધમ પકડી લે છે. સોમેટિક શેકિંગ માટે ઘણા લોકો ધીમા તાલવાળું સંગીત પસંદ કરે છે. મારાં કેટલાંક સેશન્સમાં હું ‘ઝૂમ ઝૂમ ઝૂમ બાબા’ ગીતનો ઉપયોગ કરું છું.

શરૂઆત કેવી રીતે કરવી?

સોમેટિક શેકિંગ ટ્રેન્ડની શરૂઆત કેવી રીતે કરવી એની મૂંઝવણ ઘણા લોકોને રહેતી હોય છે. તો સૌથી પહેલાં સીધા ઊભા રહો. બે પગ વચ્ચે થોડું અંતર રાખીને આંખો બંધ કરો. આખા શરીરને સાવ ઢીલું છોડી દો. શરૂઆતમાં થોડું ઑકવર્ડ ફીલ થશે. એવું લાગશે કે હું આ શું કરી રહ્યો છું? આ બધું વિચારીને પોતાની જાતને જજ કરવાની જરૂર નથી. શરૂઆતમાં આવી ફીલિંગ આવશે, પણ એને ઇગ્નૉર કરીને તમારે કસરત કન્ટિન્યુ કરવી. પહેલાં ધીરે-ધીરે કાંડાં હલાવો. પછી આખા હાથ, છાતી, કમર અને છેલ્લે પગ સુધી મૂવમેન્ટ કરો. આ દરમ્યાન નાકથી શ્વાસ લો અને મોંથી બહાર કાઢો. મગજને સાવ ખાલી કરી દો. શરૂઆતમાં આ પ્રક્રિયા અઠવાડિયામાં બેથી ત્રણ વાર અને એકથી ૩ મિનિટ સુધી જ કરવી. જો એના ફાયદા તમને ફીલ થાય તો જ આ ટેક્નિક નિયમિત કરી શકાય. અત્યારે ઘણી જગ્યાએ સોમેટિક શેકિંગનાં સેશન્સ પણ થતાં હોય છે તો એમાં પણ ભાગ લઈને ઇન્સ્ટ્રક્ટરના માર્ગદર્શન હેઠળ આ ટેક્નિક અપનાવી શકાય.

આ કસરત કોના માટે નથી?

ઘણા ફિટનેસ પ્રેમીઓ એવા પણ હોય છે જેઓ સોશ્યલ મીડિયા પરના ટ્રેન્ડને જોશમાં આવીને ફૉલો કરે છે. આ કોઈ ફાસ્ટ ડાન્સ કે ઍરોબિક્સ નથી, જેમાં શરીરને ઝટકા આપવાના હોય. જો તમે ખોટી રીતે ઝટકા આપશો તો મસલ્સ પર પ્રેશર આવશે. જે લોકોને લોઅર-બૅક પ્રૉબ્લેમ, સ્લિપ ડિસ્ક કે સાઇટિકાની તકલીફ હોય તેમણે આ બિલકુલ નહીં કરવું. જો કોઈ વ્યક્તિને ઘૂંટણમાં દુખાવો હોય અને તે જોશ-જોશમાં સ્ક્વોટ્સ કરે તો તેનો પ્રૉબ્લેમ વધશે. સોમેટિક શેકિંગ દરમ્યાન ખોટી રીત અપનાવવામાં આવે તો તકલીફ વધી શકે છે. જો આખા દિવસ દરમ્યાન તમારી ફિઝિકલ ઍક્ટિવિટી વધુ હોય અને મસલ્સ પહેલેથી જ દુખતા હોય તો એ દિવસે સ્કિપ કરી લેવું. પ્રેગ્નન્ટ મહિલાઓ કે વર્ટિગોનો પ્રૉબ્લેમ હોય એ લોકોએ પણ આનાથી દૂર રહેવું હિતાવહ છે.

health tips healthy living life and style lifestyle news columnists