ડાયાબિટીઝમાં આ છ ફળો ખાઈ શકાય, પણ કેવી રીતે?

17 March, 2026 04:52 PM IST  |  Mumbai | Ruchita Shah

બ્રિટિશ મેડિકલ જર્નલના અભ્યાસ મુજબ આખાં ફળો ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ ઘટે છે પરંતુ ફ્રૂટ જૂસ પીવાથી એ વધે છે. જૂસ બનાવતી વખતે આપણે ફળમાંથી ઇન્સૉલ્યુબલ ફાઇબર કાઢી નાખીએ છીએ જે હકીકતમાં શુગરને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ફળોમાં રહેલી શર્કરાને કારણે ડાયાબિટીઝના દરદીઓ એનાથી દૂર ભાગતા હોય છે અને એને કારણે જ એમાં રહેલાં કેટલાંક જરૂરી વિટામિન્સ, ફાઇબરથી પણ વંચિત રહી જતા હોય છે. આજે જાણીએ મધુપ્રમેહના દરદીઓએ ફળોનું સેવન શું કામ કરવું જોઈએ અને કઈ સાવધાની સાથે

ડાયાબિટીઝ એટલે કે મધુપ્રમેહ એક એવી અવસ્થા છે જેમાં શરીરને ખોરાકમાંથી મળતી શર્કરાનું યોગ્ય રીતે સંચાલન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે લોકો ડાયાબિટીઝમાં દરદીઓ ફળોનો ત્યાગ કરી દે છે કારણ કે તેમને લાગે છે કે ફળોમાં રહેલી મીઠાશ શુગર વધારશે. પરંતુ નિષ્ણાતો માને છે કે ફળોમાં માત્ર ખાંડ નથી હોતી પણ એની સાથે ફાઇબર અને અનેક સૂક્ષ્મ પોષક તત્ત્વો હોય છે. ફળોમાં રહેલી શર્કરાને ફ્રક્ટોઝ કહેવામાં આવે છે. આ કુદરતી શર્કરા જ્યારે આખા ફળના સ્વરૂપમાં લેવામાં આવે છે ત્યારે એની અસર ખાંડ કે મીઠાઈ કરતાં અલગ હોય છે.

અલબત્ત, ફળોના સેવન વખતે ગ્લાયસીમિક ઇન્ડેક્સ સમજવો ખૂબ જરૂરી છે. ગ્લાયસીમિક ઇન્ડેક્સ (GI) એ એક એવો માપદંડ છે જે દર્શાવે છે કે કોઈ ખોરાક ખાધા પછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલી ઝડપથી વધશે. જે ફળોનો GI ઓછો હોય છે એ લોહીમાં શુગરને ધીમે-ધીમે મુક્ત કરે છે જેથી ઇન્સ્યુલિન પર અચાનક લોડ આવતો નથી. બીજી મહત્ત્વની વાત, ફળોમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ એટલે એવાં તત્ત્વો જે શરીરમાં કોષોને થતા નુકસાનને અટકાવે છે. ડાયાબિટીઝના દરદીઓમાં નસો અને અંગોને નુકસાન થવાનું જોખમ વધુ હોય છે ત્યારે આ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. ફળો એ પ્રકૃતિ દ્વારા પૅક કરવામાં આવેલી શક્તિશાળી દવાઓ છે. સમજદારીપૂર્વક ખાધેલું ફળ તમારા શરીરમાં વિટામિન્સની ઊણપ પૂરી કરશે અને તમને લાંબા ગાળાની જટિલતાઓથી બચાવશે. આજે જાણીએ કે ડાયાબિટીઝના દરદીઓ ખાઈ શકે એવાં છ ફળો અને એમાં રહેલાં પોષક તત્ત્વો કઈ રીતે ઉપયોગી છે.

તમને ખબર છે?

બ્રિટિશ મેડિકલ જર્નલના અભ્યાસ મુજબ આખાં ફળો ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ ઘટે છે પરંતુ ફ્રૂટ જૂસ પીવાથી એ વધે છે. જૂસ બનાવતી વખતે આપણે ફળમાંથી ઇન્સૉલ્યુબલ ફાઇબર કાઢી નાખીએ છીએ જે હકીકતમાં શુગરને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના ડેટા દર્શાવે છે કે જે દરદીઓ ફાઇબરયુક્ત ફળોનું સેવન કરે છે તેમનું HbA1c એટલે કે ત્રણ મહિનાનું સરેરાશ શુગર-લેવલ અન્યો કરતાં વધુ સ્થિર રહે છે. બ્લુબેરી અને સફરજનનું સેવન ડાયાબિટીઝના જોખમને ૨૩ ટકા સુધી ઘટાડી શકે છે.

-કૃષ્મી છેડા

બેરીઝ

સ્ટ્રૉબેરી, બ્લુબેરી, રાસબેરી જેવી બેરીઝમાં ઍન્થોસાયનિન નામનું તત્ત્વ હોય છે. આ એક પ્રકારનું ઍન્ટિ-ઑક્સિડન્ટ છે જે ફળોને લાલ કે વાદળી રંગ આપે છે. એ શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે શરીરના કોષો ઇન્સ્યુલિનનો ઉપયોગ કરીને લોહીમાંથી શુગર ખેંચવાની ક્ષમતામાં સુધારો કરે છે. બેરીઝનો GI ઘણો ઓછો હોવાથી એ ડાયાબિટીઝમાં શ્રેષ્ઠ ગણાય છે.

સંતરાં અને મોસંબી

ખાટાં ફળોમાં સૉલ્યુબલ ફાઇબર પુષ્કળ હોય છે. આ ફાઇબર પાણીમાં ઓગળીને જેલ જેવો પદાર્થ બનાવે છે જે આંતરડામાં શર્કરાના શોષણને ધીમું પાડે છે. એમાં રહેલા ફ્લેવનૉઇડ્સ એટલે કે એક પ્રકારનાં વનસ્પતિજન્ય કેમિકલ્સ સોજો ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.

જામફળ

જામફળમાં ડાયેટરી ફાઇબરનું પ્રમાણ એટલું વધારે હોય છે કે એ બ્લડ શુગરના સ્પાઇકને એટલે કે અચાનક આવતા ઉછાળાને અટકાવે છે. જામફળમાં વિટામિન C સંતરા કરતાં પણ વધુ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. ડાયાબિટીઝમાં ઘણી વાર પાચનની સમસ્યા રહેતી હોય છે જેમાં જામફળના રેસા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

સફરજન અને નાસપતી

આ બન્ને ફળોમાં પેક્ટિન નામનું ખાસ ફાઇબર હોય છે. પેક્ટિન લોહીમાં કૉલેસ્ટરોલ ઘટાડવાની સાથે શુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે. સફરજનમાં ક્વેર્સટિન નામનું પૉલિફિનૉલ હોય છે. પૉલિફિનૉલ્સ એટલે વનસ્પતિમાં જોવા મળતાં એવાં સંયોજનો જે ટાઇપ-2 ડાયાબિટીઝને વધતો અટકાવવામાં મદદરૂપ થાય છે.

જાંબુ

જાંબુ ડાયાબિટીઝ માટે અમૃત સમાન છે એ વાત તો જગજાહેર છે. એમાં જામ્બોલિન નામનું ગ્લાયકોસાઇડ હોય છે. ગ્લાયકોસાઇડ એટલે એવાં કુદરતી તત્ત્વો જે શરીરમાં રહેલા સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. આનાથી લોહીમાં એકાએક શુગર વધતી નથી અને પૅન્ક્રિયાસ પર ઓછો લોડ આવે છે.

દાડમ

દાડમમાં જોવા મળતાં પ્યુનિકાલેગિન નામનાં વિશિષ્ટ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે. આ તત્ત્વો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે એવી સ્થિતિ જેમાં શરીર ઇન્સ્યુલિન હોવા છતાં એનો અસરકારક ઉપયોગ કરી શકતું નથી. દાડમ આ સમસ્યામાં સુધારો કરીને કોષોને શક્તિ આપે છે.

આયુર્વેદિક દૃષ્ટિકોણ 

આયુર્વેદમાં ડાયાબિટીઝ એટલે કે મધુપ્રમેહ મેટાબોલિક ડિસઑર્ડર મનાય છે. મુખ્યત્વે કફ દોષ અને મેદ ધાતુના અસંતુલનને કારણે થાય છે. પરંપરાગત આયુર્વેદિક ગ્રંથોમાં સમજાવવામાં આવ્યું છે કે ભારે અને વધુ મીઠા ખોરાકનું વધારે પડતું સેવન તથા બેઠાડુ લાઇફસ્ટાઇલ પાચનને બગાડે છે, જે અંતે શરીરમાં ગ્લુકોઝ રેગ્યુલેશન પર અસર કરે છે. આયુર્વેદ અનુસાર દરેક ખાદ્ય પદાર્થની વીર્ય એટલે કે પોતાની તાસીર અને વિપાક એટલે કે પાચન પછીની અસર હોય છે. આ ગુણધર્મો નક્કી કરે છે કે એ મેટાબોલિઝમ પર કેવી અસર કરશે. તેથી ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે ફ્રૂટ્સની પસંદગી સાવધાનીથી કરવી જોઈએ. કષાય એટલે કે તૂરો અને અમ્લ એટલે કે ખટાશનો સ્વાદ ધરાવતાં ફ્રૂટ્સ ડાયાબિટીઝમાં સામાન્ય રીતે વધુ યોગ્ય માનવામાં આવે છે કારણ કે તૂરો સ્વાદ વધારાનો કફ અને મંદાગ્નિ ઘટાડવામાં મદદ કરે છે જે મેટાબોલિક ડિસઑર્ડર્સ સાથે ઘણી વાર જોડાયેલાં હોય છે.

ફ્રૂટ્સમાં જાંબુ અને જામફળ પરંપરાગત રીતે સૂચવવામાં આવે છે. આધુનિક રિસર્ચ પણ આ ક્લાસિકલ અવલોકનોને સમર્થન આપે છે. કેટલાક સ્ટડીઝ દર્શાવે છે કે જાંબુનાં બીજ અને પલ્પમાં બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ્સ જેમ કે જેમ્બોલિન અને ઍલર્જિક ઍસિડ હોય છે જે ગ્લુકોઝ મેટાબોલિઝમ સુધારવામાં અને બ્લડશુગર લેવલ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. 

આયુર્વેદ વિરુદ્ધ આહાર વિશે પણ ચેતવણી આપે છે. ફ્રૂટ્સને દૂધ અથવા દહીં સાથે મિક્સ કરવાં જેમ કે ફ્રૂટ મિલ્કશેક્સ અથવા ફ્રૂટ યોગર્ટ વગેરે આયુર્વેદિક થિયરી મુજબ ડાઇજેશનને અસર કરી શકે છે અને આમ એટલે કે મેટાબોલિક ટૉક્સિન્સમાં વધારો કરી શકે છે. આયુર્વેદનો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત સીઝનલ અને ફ્રેશ ફ્રૂટ્સના સેવન સાથે જોડાયેલો છે. ફ્રૂટ્સને શક્ય હોય એટલાં ફ્રેશ, મર્યાદિત માત્રામાં અને સીઝન મુજબ ખાવાં જોઈએ કારણ કે સીઝનલ ફૂડ્સ સરળતાથી ડાઇજેસ્ટ થાય છે અને સ્વસ્થ અગ્નિ જાળવવામાં મદદ કરે છે. ફ્રૂટ્સને ભારે ભોજન સાથે નહીં અને દિવસ દરમિયાન ખાવાં જોઈએ. 

છેલ્લે એટલું જ કહીશ કે આયુર્વેદ ડાયાબિટીઝમાં ફ્રૂટ્સના સેવનને મનાઈ કરતું નથી પરંતુ એ માઇન્ડફુલ સિલેક્શન, યોગ્ય ક્વૉન્ટિટી અને યોગ્ય ફૂડ કૉમ્બિનેશન્સ પર ભાર મૂકે છે. જ્યારે આ સિદ્ધાંતોને બૅલૅન્સ્ડ ડાયટ, ફિઝિકલ ઍક્ટિવિટી અને મેડિકલ ગાઇડન્સ સાથે અનુસરવામાં આવે છે ત્યારે ફ્રૂટ્સ ડાયાબિટીઝ-ફ્રેન્ડ્લી લાઇફસ્ટાઇલનો હેલ્ધી પર્યાય બની શકે છે.

- ડૉ. રામાવતાર શર્મા, અસોસિએટ પ્રોફેસર, ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ

columnists gujarati mid day healthy living health tips ruchita shah lifestyle news life and style