ડિલિવરી બાદ ડાયટથી જ પાછું મેળવ્યું સ્લીમ ફિગર

19 October, 2021 04:24 PM IST  |  Mumbai | Rashmin Shah

‘કસમ’, ‘કવચ’, ‘ઉતરણ’, ‘જમાઈ રાજા’ જેવી અનેક સુપરહિટ સિરિયલોની સ્ટાર ઍક્ટ્રેસ પ્રણિતા પંડિતે રિયલ લાઇફમાં મમ્મી બન્યા બાદ પહેલાં જેવાં હેલ્થ અને લુક કઈ રીતે પાછાં મેળવ્યાં એ દરેક નવી મમ્મીએ જાણવા જેવું છે

પ્રણિતા પંડિત

લાઇફમાં કંઈ પણ કરવું હોય તો પહેલી જરૂર શેની પડે?

સ્ટ્રૉન્ગ ઇચ્છાશક્તિની. ધારો કે તમે ફિટનેસની બાબતમાં પણ કંઈક કરવા માગો છો, વર્કઆઉટ માટે શરીરને કસવા માગો છો તો સૌથી પહેલાં જરૂરી છે મનને રેડી કરવાની. જો મન સાથ નહીં આપે તો તમારું વર્કઆઉટ ક્યારેય શરૂ નહીં થાય. ઘણા લોકોને હું જાણું છું જેઓ દસ વર્ષથી વજન ઘટાડવાના પ્રયાસો કરે છે પણ થતું નથી, કારણ કે ફિટનેસ રૂટીન શરૂ જ નથી થતું. એનું કારણ પણ મન છે. મેન્ટલી પ્રિપેર્ડ નથી એટલે આજનું કાલ અને કાલનું પરમ દિવસ એમ રોજેરોજ વર્કઆઉટ પાછળ ને પાછળ ફંટાતું જાય છે અને પરિણામે ધીમે-ધીમે એ આદત બનવા માંડે છે અને અહીં સ્ટ્રૉન્ગ વિલપાવરની ખૂબ જરૂર છે. તમારું મન જો મજબૂત હોય તો શરીરને કામે લગાડવામાં વાંધો નહીં આવે.

પ્રેગ્નન્સીમાં મિથ અનેક

ઍક્ટ્રેસ બનવાનું નહોતું વિચાર્યું ત્યારથી ફિટનેસ માટે હું અલર્ટ છું. બેબી પ્લાન કર્યું ત્યારે નૅચરલી પ્રેગ્નન્સી દરમ્યાન વજન વધે. મારું પણ પચ્ચીસેક કિલો વેઇટ વધ્યું. દીકરી અનાયશા જન્મી ત્યારે પણ વજન ઘટાડવાનો વિચાર નહોતો કરવાનો, કારણ કે જ્યાં સુધી બાળકને તમે ફીડ કરતા હો ત્યાં સુધી માતા ખાવા-પીવાની બાબતમાં કન્ટ્રોલ કરે એ યોગ્ય નથી. જો એવું ન કરે તો બાળકને ફીડ કરાવવામાં તકલીફ ઊભી થાય. જોકે મારા અનુભવ પરથી હું કહીશ કે આ એક ગેરમાન્યતાથી વિશેષ કંઈ નથી. દીકરી છ મહિનાની થઈ ત્યાં સુધી તો મેં પણ એ નિયમ ફૉલો કર્યો હતો કે તેની હેલ્થ માટે પણ મા તરીકે મારે ખાવું પડશે. જોકે પછી એક દિવસ લાગ્યું કે આમ જ ચાલ્યું તો આવનારા સમયમાં હું મારો સેલ્ફ-કૉન્ફિડન્સ ખોઈ બેસીશ. મેં ડાયટિશ્યન સાથે વાત કરીને નક્કી કર્યું કે ભલે હું ફીડ કરું છું, પણ હવે હું મારા ફૂડ-ઇન્ટેક પર કન્ટ્રોલ કરીશ. હેલ્ધી ખાઈશ અને ભરપૂર ખાઈશ, પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ સાથે.

મેં નક્કી કરેલું કે દીકરીના પહેલા બર્થ-ડે વખતે હું પહેલાં હતી એવી થઈ જઈશ. વર્કઆઉટને બદલે ડાયટ વધુ મહત્ત્વની છે એ વાત મારા કેસમાં સાચી પુરવાર થઈ છે. ડાયટ કન્ટ્રોલથી ૨૫ કિલો વજન મેં ઘટાડ્યું છે. જો મારાથી આ થાય તો બધા જ કરી શકે છે, કારણ કે મારી બૉડી ટાઇપ એવી છે કે થોડુંક પણ ઓવરઈટિંગ થાય તો એ શરીર પર દેખાવા માંડે. દીકરી એક વર્ષની થઈ ત્યારે મેં ડિસાઇડ કરેલા ગોલને અચીવ કરી લીધો હતો. બીજી મહત્ત્વની વાત જેની ઘણી મમ્મીઓના મનમાં ચિંતા હોય છે કે ફીડિંગનું શું? ૧૪ મહિના સુધી દીકરીને ફીડ પણ કર્યું અને એમાં કોઈ જ તકલીફ ન પડી. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શરૂ કર્યા પછી એકાદ મહિનો તકલીફ પડી, પણ પછી બૉડીએ પોતાનું ઍડ્જસ્ટમેન્ટ કરી લીધું અને બધું જ સ્મૂધ ચાલ્યું. પ્રેગ્નન્સીથી લઈને અને પિરિયડની વાતોને લઈને ઘણી ખોટી વાતો લોકોના મનમાં છે જે દૂર કરવાની જરૂર છે.

ફૂડ હૈ સદા કે લિએ

હું ખાવાની શોખીન છું. ખાવા માટે જીવું છું એમ કહું તો પણ ચાલે. પાણીપૂરી, સેવપૂરી, ભેળ જેવી આઇટમો મારી ફેવરિટ છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં હું ચારથી છ કલાકના પિરિયડમાં ખાઉં અને અઢાર કલાકનો સંપૂર્ણ ગૅપ રાખું. એ ચાર-છ કલાકમાં જે ખાવું હોય એ ખાવાનું અને બાકીના અઢાર કલાકમાં પાણી, ગ્રીન ટી, બ્લૅક કૉફી જ લઉં.  વેઇટલૉસમાં ડાયટનો સો ટકા રોલ છે. ખાવાનું અને પછી ફાસ્ટિંગ બન્ને મહત્ત્વનાં છે. તમે જ્યારે અઢાર કલાકનો ગૅપ રાખો ત્યારે તમારી વધારાની કૅલરી બર્ન થતી હોય છે. એ સિવાય કાર્ડિયો, વેઇટલિફ્ટિંગ પણ વીકમાં ત્રણ દિવસ કરું. યોગ, પ્રાણાયામ, મેડિટેશન પણ કરું.

ગોલ્ડન વર્ડ્સ

ભાવે એ ખાઓ, બધાની છૂટ રાખો; પણ આખો દિવસ ખાતા રહેવાની ટેવ વેઇટલૉસમાં બાધક બને છે.

મનથી સ્ટ્રૉન્ગ થઈ જાઓ

મનનું કન્ડિશનિંગ તમે કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે. મહિલાઓ જાતને જરૂર કરતાં વધારે કોસતી હોય છે. જાતને નેગેટિવ સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરો. દરેક વખતે તમારા પ્રત્યેક નેગેટિવ વિચારો તમારા માઇન્ડને નકારાત્મક દિશામાં લઈ જાય છે અને પછી એ જ પ્રકારનું વિશ્વ તમારી આસપાસ રચાવા માંડે છે. વિચારોની અસર તમારા શરીર પર પડે છે. જે કરો છો એમાં ભરોસો રાખો અને પૉઝિટિવલી આગળ વધો. પછી ભલે રિઝલ્ટ ન દેખાતું હોય. હું હેલ્ધી છું, હું ફિટ છું, હું વધુ ને વધુ એનર્જીથી ભરપૂર છું, મારી આસપાસ બધું જ સારું છે અને મને ફેવર કરનારું છે, મારો ગ્રોથ ધાર્યા કરતાં વધુ સારો થઈ રહ્યો છે જેવા હકારાત્મક વિચારો જાતને આપતા રહો. એની બહુ સારી અસર તમારા વ્યક્તિત્વ પર પડતી હોય છે.

health tips