૪૦-૫૫ વર્ષની ઉંમરમાં જો તમને જૉઇન્ટ પેઇન હોય તો ડૉક્ટર પાસે ક્યારે જવું?

26 April, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણી વખત આ ઉંમરમાં વિટામિન્સ, મિનરલ્સ કે પાણીની કમીને કારણે પણ આવું થતું હોય છે.

પ્રતીકાત્મક તસવીર

સાંધાનો દુખાવો અત્યંત સામાન્ય તકલીફ છે જે મોટા ભાગે દરેક વ્યક્તિના જીવનમાં આવતી જ હોય છે, પરંતુ સ્ત્રીઓમાં જ્યારે ૪૦-૫૦ વર્ષની ઉંમરે સાંધાનો દુખાવો આવે ત્યારે અમુક વસ્તુ સમજવા જેવી છે. ખાસ કરીને આ દુખાવો કેમ છે અને એની પાછળ શું કારણ હોઈ શકે એ સમજીએ. મોટી ઉંમરે એટલે કે ૫૫-૬૦ વર્ષ પછી સ્ત્રીઓને ઉંમર સંબંધિત આર્થ્રાઇટિસ જેવી તકલીફ આવે. ૪૫થી લઈને ૫૦ વર્ષ સુધીમાં ઉંમરને કારણે થતું એટલે કે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ કે ઑસ્ટિઓપોરોસિસ ન આવે. બીજી વાત એ કે જો આ ઉંમરે કોઈ સાંધામાં તકલીફ આવી કે શરીરમાં કળતર આવી જે સરળતાથી ૨-૪ દિવસ કે ૧૦-૧૫ દિવસમાં જાય નહીં તો સ્ત્રીએ આ બાબતે ગંભીર બનવાની જરૂર રહે છે. આ તકલીફ વિશે ચકાસણી કરીએ ત્યારે ખબર પડે છે કે કોઈ કેસમાં આ મૅટૉઇડ આર્થ્રાઇટિસ હોઈ શકે છે, કારણ કે આ રોગ કોઈ પણ ઉંમરે સંભવી શકે છે. જો એ ન હોય તો હૉર્મોનલ કારણો પણ હોઈ શકે છે. 

તો પછી પ્રશ્ન એ આવે છે કે ૪૦-૫૫ વર્ષની ઉંમરમાં જો તમને જૉઇન્ટ પેઇન હોય તો ડૉક્ટર પાસે ક્યારે જવું? જો તમને આ જૉઇન્ટ પેઇન ૩-૪ દિવસથી વધુ હોય, સતત આ પેઇન રહેતું જ હોય અને ઓછું ન જ થતું હોય, એક સાંધાથી લઈને બીજા સાંધા સુધી એ વિસ્તરી ગયું હોય, એની સાથે તાવ આવે કે વજન ઓછું થઈ ગયું હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર પાસે આ પેઇન લઈને જાઓ ત્યારે એ લક્ષણો પૂછશે અને ક્લિનિકલી ચકાસશે. જો જરૂર લાગશે તો અમુક ટેસ્ટ કરાવશે. ઘણી વખત આ ઉંમરમાં વિટામિન્સ, મિનરલ્સ કે પાણીની કમીને કારણે પણ આવું થતું હોય છે. ઘણા દરદીઓને તો જ્યારે અમે કહીએ છીએ કે દિવસનું ૩-૪ લીટર પાણી પીવાનું શરૂ કરી દો તો એની મેળે એ ઠીક થઈ જાય છે. આ સિવાય ઘણી વાર વિટામિન ‘ડી’ની ઉણપ પણ હોઈ શકે છે. કૅલ્શિયમની કમી થઈ જવાને લીધે પણ આવું થતું હોય છે. ઘણી વાર બધાં જ કારણો ભેગાં હોય છે તો એ લાઇફ-સ્ટાઇલ સુધારવાથી ઠીક થઈ શકે છે. અમુક વાર પેઇન વધુ હોય તો ચિહ્‍‍નો સમજીને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી દવાઓ પણ દરદીને આપવી પડે છે, જેનાથી ઘણી રાહત મળતી હોય છે. પરંતુ એક વસ્તુ સમજવી જરૂરી છે કે જો હૉર્મોન્સને કારણે કે મેનોપૉઝનાં બીજાં ચિહ્‍‍નોને કારણે આ તકલીફ સર્જાઈ હોય તો એ જીવનભર રહેતી નથી. એ થોડા સમયમાં મટી જાય છે. બાકીના રોગો જેમ કે આર્થ્રાઇટિસ કે ઑસ્ટિઓપોરોસિસને ઠીક કરી શકાતા નથી એ સમજવું જરૂરી છે. 

અહેવાલ : ડૉ. મિતેન શેઠ

health tips columnists life and style