થાઇરૉઇડની અસર ફક્ત શરીર પર જ નહીં, મન પર પણ થાય છે

22 January, 2026 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાઇરૉઇડને કારણે આ દરદીઓમાં પોતાના શરીર પરનો વિશ્વાસ હટી જાય છે જેને લીધે તેઓ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે

પ્રતીકાત્મક તસવીર

થાઇરૉઇડ એક ગ્રંથિ છે અને એને લગતી તકલીફો સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જો આ ગ્રંથિ વધુપડતી ઍક્ટિવ હોય તો એને હાઇપરથાઇરૉઇડિઝમ કહે છે અને ઓછી ઍક્ટિવ હોય તો એને હાઇપોથાઇરૉઇડિઝમ કહે છે. મુખ્યત્વે આ બન્ને પ્રકાર જોવા મળે છે. આ સિવાય થાઇરૉઇડાઇટિસ અને હશીમોટો થાઇરૉઇડાઇટિસ પણ મહત્ત્વના પ્રકાર છે.

થાઇરૉઇડના રોગની અસર માનસિક હેલ્થ પર સો ટકા પડે જ છે એ દરેક દરદીએ સમજવું જરૂરી છે. થાઇરૉઇડને કારણે આ દરદીઓમાં પોતાના શરીર પરનો વિશ્વાસ હટી જાય છે જેને લીધે તેઓ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. વધેલું વજન, સતત લાગતો થાક અને એને કારણે ઊંઘની જે તકલીફો આવે છે એ દરદીની માનસિક હાલતને નાજુક બનાવે છે. એને લીધે તેઓ મોટા ભાગે પોતાના માટે ખૂબ લો ફીલ કરે છે. આમ માનસિક તકલીફો જન્મ લે છે. જો તમને હાઇપરથાઇરૉઇડિઝમ હોય તો એવું બને કે તમે અસામાન્ય રીતે નર્વસ થઈ જાઓ. રેસ્ટલેસનેસ લાગે એટલે કે ઉચાટ થાય. ઍન્ગ્ઝાયટી એટલે કે ગભરાટ કે ડર પણ લાગે. વાત-વાત પર તમે ચિડાઈ પણ જાઓ એવું પણ બને. જો તમને હાઇપોથાઇરૉઇડિઝમ હોય તો એવું બને કે તમને થાક લાગતો હોય અને ડિપ્રેશન પણ આવી શકે.

જો સ્ત્રીઓ આ બાબતે પહેલેથી જાણતી હોય તો તેને આ તકલીફોને મૅનેજ કરવાનું સરળ પડે. જેમ કે તમને આજે ખૂબ ગુસ્સો આવી રહ્યો છે પરંતુ તમને સમજાય કે આ થાઇરૉઇડને લીધે છે તો તમે વાતને વધુ સારી રીતે સંભાળી શકો. દરેક દરદીએ આ અસર જુદી-જુદી હોય છે એટલા જ માટે એનો ઇલાજ પણ જુદો-જુદો હોય છે. દરેકને એકસરખી દવાઓ આપી ન શકાય કારણ કે કોઈ સ્ત્રીને ડિપ્રેશન આવે તો કોઈ સ્ત્રીને ફક્ત લો ફીલ થતું હોય તો કોઈને વારંવાર ગુસ્સો આવતો હોય. આ પરિસ્થિતિમાં સ્ત્રીએ તેના ડૉક્ટર સાથે ખૂલીને વાત કરવી જોઈએ અને એ મુજબ ઇલાજ કરાવડાવવો જોઈએ.

થાઇરૉઇડમાં માનસિક તકલીફો સામે આવે તો ઘણા ડૉક્ટર્સ દરદીને ઝિન્ક અને સેલેનિયમ જેવાં જરૂરી મિનરલ્સની દવાઓ આપે છે. થાઇરૉઇડની તકલીફમાં દરદીના શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની અછત વર્તાય છે. એ ઘટી જવાને લીધે પણ માનસિક હેલ્થ પર અસર થતી હોય છે. કોઈ પણ માનસિક રોગના દરદીઓને મલ્ટિવિટામિન્સ કે મિનરલ્સની દવાઓ આપો તો એમાં સુધાર થાય છે પરંતુ એનો અતિરેક ઘણો ભારે પડી શકે છે. એટલે કોઈ પણ દરદીએ ડૉક્ટરની સલાહ મુજબ જ સપ્લિમેન્ટ લેવાં. બાકી એના ઇલાજ માટે કાઉન્સેલિંગ કે દવાઓ પણ જરૂરી લાગે તો આપી શકાય છે.

health tips mental health lifestyle news life and style columnists