પરાણે પ્રીત ન થાય એમ પરાણે પૉઝિટિવ ન બનાય

30 April, 2026 02:34 PM IST  |  Mumbai | Heena Patel

હા, જીવનમાં હકારાત્મક અભિગમ રાખવો એ સારી વાત છે, પણ પોતાનાં ઇમોશન્સને દબાવીને સતત હકારાત્મકતાનું મોહરું પહેરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ક્યારેક પૉઝિટિવિટી ટૉક્સિક ન બની જાય એ માટે શું ધ્યાન રાખવું?

પ્રતીકાત્મક તસવીર

પોતાની તકલીફ પોતાની જાતથી અને દુનિયાથી છુપાવીને રાખવી; મન અશાંત હોય ત્યારે એને સમજવાને બદલે મોબાઇલ, કામ કે અન્ય કોઈ બાબતમાં પરોવી દઈને લાગણીઓને દબાવી દેવી; ગુસ્સો, ચિંતા કે ઉદાસી જેવી સાવ કુદરતી લાગણીઓ અનુભવવા બદલ પણ પોતાની જાતને દોષી માનવી કે હું આવું કેમ વિચારું છું; કોઈ પણ સમસ્યા સામે ઊભી હોય તો એનો સામનો કરવાને બદલે બધું થઈ જશે એમ કહીને આંખ આડા કાન કરવા; કોઈ પોતાની પીડા કહેતું હોય ત્યારે એને સમજવાને બદલે આવું તો થયા કરે એમ કહીને તેને ચૂપ કરી દેવો; નકારાત્મક લાગણીઓ હોવી એ જાણે કોઈ મોટી નબળાઈ હોય એમ વર્તવું અને એના માટે શરમ અનુભવવી; અંદરથી ગમે એટલા તૂટેલા હોઈએ પણ બહારથી બધું પર્ફેક્ટ છે એવો ખોટો દેખાવ કરવો.

ઉપર જણાવેલી બધી જ બાબતો ટૉક્સિક પૉઝિટિવિટીની નિશાનીઓ છે એમ જણાવતાં ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં સાઇકોલૉજિસ્ટ અને સાઇકોથેરપિસ્ટ તેજલ કારિયા કહે છે, ‘પૉઝિટિવ હોવું સારી વાત છે, પણ એ ટૉક્સિક પૉઝિટિવિટીમાં ન ફેરવાઈ જાય એ માટે બૅલૅન્સ રાખવું જરૂરી છે. એ બન્ને વચ્ચે બૅલૅન્સ રાખવાનું શીખતાં પહેલાં બન્ને વચ્ચેનો ફરક જાણવો, ટૉક્સિક પૉઝિટિવિટી કઈ રીતે આપણને નુકસાન પહોંચાડે છે, એનાથી કઈ રીતે બચવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે.’

હેલ્ધી વર્સસ ટૉક્સિક

હેલ્ધી પૉઝિટિવિટી એક દવા જેવી છે અને ટૉક્સિક પૉઝિટિવિટી ઍનેસ્થેસિયા જેવી છે. દવા તમને સ્ફૂર્તિ આપે છે અને ફરી બેઠા કરે છે, જ્યારે ઍનેસ્થેસિયા તમને સુન્ન કરી દે છે. ઍનેસ્થેસિયાને કારણે તમે તમારા ઘાને અનુભવી શકતા નથી, પણ એ ઘા ત્યાં જ હોય છે એટલે એ ઘાને રૂઝવવો (હીલ કરવો) ખૂબ જરૂરી છે.

હેલ્ધી પૉઝિટિવિટી એટલે જીવનના પડકારો અને નકારાત્મક પરિસ્થિતિઓને સ્વીકારીને પણ આશાવાદી દૃષ્ટિકોણ રાખવો. આ એક એવી માનસિક સ્થિતિ છે જ્યાં વ્યક્તિ પોતાની ઉદાસી, ડર કે નિષ્ફળતાને નકારતી નથી પરંતુ એમાંથી બહાર નીકળવા માટે ધીમે-ધીમે પ્રયત્ન કરે છે. એમાં લાગણીઓનું સન્માન હોય છે અને વ્યક્તિ પોતાની જાત પ્રત્યે સહાનુભૂતિ રાખે છે.

ટૉક્સિક પૉઝિટિવિટી એટલે ગમે એવી ગંભીર કે પીડાદાયક પરિસ્થિતિ હોય તો પણ પરાણે ખુશ દેખાવાનો આગ્રહ રાખવો. આમાં નકારાત્મક લાગણીઓને નબળાઈ ગણીને એને દબાવી દેવામાં આવે છે અથવા એને નકારી કાઢવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાને બદલે માત્ર પૉઝિટિવિટીનું મહોરું પહેરી રાખે ત્યારે તે માનસિક રીતે વધુ થાકી જાય છે.

બન્ને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે હેલ્ધી પૉઝિટિવિટી એ સ્વીકાર પર આધારિત છે, જ્યારે ટૉક્સિક પૉઝિટિવિટી એ નકાર પર આધારિત છે.

ઉદાહરણ સાથે સમજો

ઘણી વાર એવું થતું હોય છે કે આપણે પોતાની જાત સાથેના વ્યવહારમાં કે પછી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિની લાગણી સમજવાને બદલે આપણે તેને પૉઝિટિવ રહેવાની સલાહો આપી દઈએ છે જે ટૉક્સિક હોય છે.

૧. કોઈ વાતનો ડર લાગતો હોય ત્યારે

ટૉક્સિક પૉઝિટિવિટી : ડરવાની કોઈ જરૂર નથી. બસ, હિંમત રાખો. ડરપોક લોકો જ આવું વિચારે. આઇ ઍમ સ્ટ્રૉન્ગ, આઇ ઍમ પૉઝિટિવ.

હેલ્ધી પૉઝિટિવિટી : અત્યારે મને આ કામ કરવામાં ડર લાગી રહ્યો છે અને એ નૉર્મલ છે. ડર લાગવો એનો અર્થ એ નથી કે હું નબળો છું.

હું આ ડરની સાથે જ ધીમે-ધીમે આગળ વધીશ.

૨. જૉબ અને સ્ટ્રેસ

ટૉક્સિક પૉઝિટિવિટી : અરે, ડોન્ટ બી સ્ટ્રેસ્ડ! જસ્ટ બી ગ્રેટફુલ કે તમારી પાસે જૉબ છે.

હેલ્ધી પૉઝિટિવિટી : ડેડલાઇન ખરેખર ઇન્ટેન્સ છે અને તું એ ફીલ પણ કરી રહ્યો છે. મને એ દેખાય છે, પણ રિમેમ્બર તેં આનાથી પણ ટફ ટાઇમ હૅન્ડલ કર્યો છે.

૩. પર્સનલ લૉસ કે શોક

ટૉક્સિક પૉઝિટિવિટી : અરે, રડવાનું બંધ કર! તે તો હવે ભગવાનના ઘરે છે અને સુખી છે. જસ્ટ બી પૉઝિટિવ.

હેલ્ધી પૉઝિટિવિટી : મને તમારું પેઇન સમજાય છે. યસ, ઇટ ઇઝ હાર્ટબ્રેકિંગ, પણ તેમની યાદો હંમેશાં તમારી સાથે રહેવાની છે. ટેક યૉર ટાઇમ, રડી લો, તેમને યાદ કરી લો. દુઃખ વ્યક્ત કરવું એમાં કંઈ ખોટું નથી.

ટૉક્સિક પૉઝિટિવિટી કેમ નુકસાન કરે?

ટૉક્સિક પૉઝિટિવિટી માનસિક સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર જેવું કામ કરે છે. આપણે જ્યારે સત્ય સ્વીકારવાને બદલે એને દબાવીએ છીએ ત્યારે એનાં ગંભીર પરિણામો આવી શકે છે.

માનસિક બોજ અને તનાવમાં વધારો : આપણે જ્યારે આપણી સાચી લાગણીઓને દબાવીએ છીએ ત્યારે એ ખતમ નથી થતી પણ અંદર ને અંદર જમા થાય છે. એ એક પ્રેશર કુકર જેવું કામ કરે છે જે અંતે વધુ મોટા માનસિક તનાવ, ઍન્ગ્ઝાયટી કે ડિપ્રેશનના સ્વરૂપમાં બહાર આવે છે.

સેલ્ફ-ગિલ્ટ  : સમાજ કે આપણે પોતે જ્યારે એવું નક્કી કરી લઈએ કે મારે તો હંમેશાં પૉઝિટિવ જ રહેવું જોઈએ ત્યારે ઉદાસી કે ગુસ્સો આવવા પર આપણને એવું લાગે છે કે આપણામાં જ કોઈ ખામી છે. વ્યક્તિ પોતે નબળી છે એવું અનુભવવા લાગે છે જે તેના આત્મવિશ્વાસને તોડી નાખે છે.

સાચા ઉકેલ સુધી ન પહોંચી શકવું : જો તમે સમસ્યાને સ્વીકારશો જ નહીં તો એનો ઉકેલ કેવી રીતે લાવશો? બધું થઈ જશે કહીને આંખ આડા કાન કરવાથી સમસ્યા ઉકેલાતી નથી પણ વધુ ગંભીર બની જાય છે. હેલ્ધી પૉઝિટિવિટી સમસ્યા સામે લડવાની શક્તિ આપે છે, જ્યારે ટૉક્સિક પૉઝિટિવિટી સમસ્યાથી ભાગતા શીખવે છે.

સંબંધોમાં અંતર અને એકલતા : જો તમે હંમેશાં ઑલ ઇઝ વેલનો દેખાવ કરશો તો તમારી આસપાસના લોકો તમારી સાચી સ્થિતિ ક્યારેય જાણી શકશે નહીં. પરિણામે તમને જ્યારે ખરેખર મદદની જરૂર હશે ત્યારે તમે એકલા હશો. આ ઉપરાંત જો તમે બીજાની પીડાને પૉઝિટિવ બનો કહીને નકારશો તો લોકો તમારી પાસે હૃદય ખોલીને વાત કરતાં અચકાશે.

ઇમોશનલ સપ્રેશન : લાગણીઓ એ માનવીય સ્વભાવનો જ ભાગ છે. એને પરાણે દબાવવાથી વ્યક્તિ ભાવનાત્મક રીતે શૂન્ય થઈ શકે છે. લાંબા ગાળે આ સ્થિતિ શારીરિક બીમારીઓ જેવી કે માથાનો દુખાવો, ઊંઘ ન આવવી કે પાચનની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

પૉઝિટિવ રહેવાનું આટલું પ્રેશર કેમ?

આજે આપણી આસપાસ પૉઝિટિવિટીનું એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે જાણે ખુશ રહેવું એ એક ફરજ બની ગઈ હોય. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર આપણે જે જોઈએ છીએ એ માત્ર લોકોના જીવનની શ્રેષ્ઠ ક્ષણો હોય છે. ફિલ્ટર્સ, વેકેશનના ફોટો અને સતત હસતા ચહેરાઓ જોઈને આપણને અજાગ્રતપણે એવું લાગે છે કે દરેક વ્યક્તિ ખુશ છે, માત્ર હું જ દુઃખી છું. આ FOMO (ફિયર ઑફ મિસિંગ આઉટ) અને સરખામણી આપણને સતત પૉઝિટિવ રહેવા અને દેખાવા માટે મજબૂર કરે છે. આજે એવી અસંખ્ય બુક્સ, વિડિયો અને મોટિવેશનલ સ્પીકર્સ છે જેઓ વિચારો એવું પામો (લૉ ઑફ ઍટ્રૅક્શન)ના સિદ્ધાંત પર ભાર મૂકે છે. ઘણી વાર આ વાતો એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જો તમે નકારાત્મક અનુભવો છો તો એ તમારી ભૂલ છે. આથી માણસ પોતાની કુદરતી ઉદાસી માટે પણ દોષી અનુભવવા લાગે છે. આપણો સમાજ ઘણી વાર સંઘર્ષ કે રડવાને નબળાઈ માને છે. કોઈ જ્યારે રડે છે ત્યારે આપણે તરત કહીએ છીએ કે અરે, રડ નહીં, મજબૂત બન. આ સામાજિક સ્વીકૃતિનો અભાવ આપણને લાગણીઓ છુપાવવા પ્રેરે છે. આજના કૉર્પોરેટ અને સ્પર્ધાત્મક યુગમાં એવી માન્યતા છે કે જો તમે પૉઝિટિવ હશો તો જ વધુ કામ કરી શકશો. ઉદાસી કે માનસિક થાકને સમયનો બગાડ માનવામાં આવે છે. આથી કામના સ્થળે કે કરીઅરમાં ટકી રહેવા માટે લોકો પોતાની ખરી સ્થિતિ છુપાવીને પૉઝિટિવિટીનો દેખાવ કરે છે.

ટૉક્સિક પૉઝિટિવિટીથી કેમ બચવું?

ટૉક્સિક પૉઝિટિવિટીથી બચવું એટલે નકારાત્મકતામાં ડૂબી જવું એવો અર્થ નથી, પણ પોતાની લાગણીઓ સાથે ઈમાનદાર રહેવું એવો છે. આ સાઇકલમાંથી બહાર આવવા માટે નીચે મુજબનાં પગલાં લઈ શકાય.

૧. લાગણીઓને સ્વીકારો અને સ્પેસ આપો

તમને જ્યારે પણ ખરાબ લાગે ત્યારે એને દબાવવાને બદલે ખુદને કહો કે અત્યારે હું અશાંત છું અને એ સ્વાભાવિક છે. લાગણીઓને સ્વીકારવાથી એનો અડધો બોજ હળવો થઈ જાય છે. યાદ રાખો કે દરેક લાગણી - પછી એ ઈર્ષ્યા હોય, ગુસ્સો હોય કે ઉદાસી - તમને કંઈક કહેવા માગે છે.

૨. ૯૦ સેકન્ડ રૂલ અજમાવો

કોઈ પણ લાગણીનો શારીરિક વેગ માત્ર ૯૦ સેકન્ડ સુધી રહે છે. જો તમે ૯૦ સેકન્ડ સુધી એ લાગણીને દબાવ્યા વગર કે એના પર જજમેન્ટ આપ્યા વગર માત્ર ઑબ્ઝર્વ કરો તો એ ધીમે-ધીમે શાંત થઈ જાય છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે એને દબાવીએ છીએ અથવા એના વિશે વધુપડતું વિચારીને એને લાંબી ખેંચીએ છીએ.

૩. રિયલિટી ચેક

જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવે ત્યારે બધું બરાબર થઈ જશે કહેવાને બદલે પરિસ્થિતિનું તટસ્થ વિશ્લેષણ કરો. શું ખરેખર બધું ઠીક છે? જો નથી તો કયાં પગલાં લેવાની જરૂર છે? ઍક્શન લેવાથી જે પૉઝિટિવિટી આવશે એ ટકાઉ હશે, જ્યારે માત્ર બોલવાથી આવતી પૉઝિટિવિટી ખોટી હશે.

૪. બાઉન્ડરીઝ સેટ કરો

જો તમારી આસપાસ એવા લોકો હોય જેઓ તમને સતત પૉઝિટિવ રહો કહીને તમારી વાત સાંભળતા ન હોય તો તેમની સાથે અંતર જાળવો અથવા તેમને તમે સ્પષ્ટ કહી શકો છો કે મને સમજાય છે કે તમે મદદ કરવા માગો છો, પણ અત્યારે મને ફક્ત કોઈ સાંભળનાર જોઈએ છે. તમારી લાગણીઓને માન આપવું એ સેલ્ફ-કૅરનો ભાગ છે.

૫. સોશ્યલ મીડિયા પર ફિલ્ટર લગાવો

એવાં અકાઉન્ટ્સને અનફૉલો કે મ્યુટ કરો જે તમને એવો અહેસાસ કરાવે છે કે તમારી લાઇફ પર્ફેક્ટ નથી. ગ્લૅમરસ પૉઝિટિવિટીના પ્રેશરથી દૂર રહીને વાસ્તવિક અને સાચા લોકોના સંપર્કમાં રહો.

૬. જર્નલિંગની આદત વિકસાવો

તમારા વિચારો અને લાગણીઓને કાગળ પર લખો. તમે જ્યારે લખો છો ત્યારે અંદર ચાલતી ભાવનાઓને બહાર આવવાનો રસ્તો મળે છે. આ પ્રોસેસ તમને તમારા વિચારોને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે.

૭. પોતાને દયાથી જુઓ

તમારી લાગણીઓ માટે પોતાને દોષ ન આપો. મને આવું લાગવું ન જોઈએ કહેવાને બદલે હું માનવી છું એટલે આવું લાગવું સ્વાભાવિક છે એવો અભિગમ અપનાવો. પોતાને સહાનુભૂતિ આપવી એ ટૉક્સિક પૉઝિટિવિટીનો સૌથી અસરકારક વિરોધ છે.

૮. વિશ્વાસપાત્ર લોકો સાથે વાત કરો

તમારી લાગણીઓ તમારા સુધી જ સીમિત ન રાખો. વિશ્વાસપાત્ર મિત્રો, પરિવાર અથવા જરૂર પડે તો પ્રોફેશનલ સાથે વાત કરવાથી લાગણીઓને સમજવામાં અને પ્રોસેસ કરવામાં મદદ મળે છે.

સાચી પૉઝિટિવિટી ત્યારે આવે છે જ્યારે આપણે નકારાત્મક લાગણીઓને દબાવીએ નહીં પણ એને સ્વીકારીને આગળ વધીએ. પોતાની લાગણીઓ સાથે ઈમાનદાર રહેવું એ જ માનસિક સ્વાસ્થ્ય તરફનું પહેલું અને સૌથી મહત્ત્વપૂર્ણ પગલું છે.

health tips healthy living life and style lifestyle news columnists