05 January, 2026 03:11 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી જેવા જટિલ વિષયો પર હવે ખુલ્લેઆમ ચર્ચાઓ થવા લાગી છે. છતાં આપણા જીવન સાથે જોડાયેલો એક એવો અનિવાર્ય અને રોજિંદો વિષય છે જેના ઉલ્લેખ માત્રથી આજે પણ મોટા ભાગના લોકો સંકોચ અને શરમ અનુભવે છે, એ છે મળત્યાગ. શરીરની આ કુદરતી પ્રક્રિયા હોવા છતાં અસંખ્ય લોકો એવી સ્થિતિનો સામનો કરે છે જેમાં તેઓ ઘર સિવાય અન્ય કોઈ પણ સ્થળે પૉટી કરવામાં અસ્વસ્થતા અનુભવે છે. તેઓ ઘરને પોતાનો સેફ ઝોન માને છે, પરંતુ ઑફિસમાં કે મુસાફરી દરમિયાન અન્ય લોકોની હાજરી અથવા ‘લોકો શું વિચારશે?’ એવા વિચારોથી પેદા થતી ઍન્ગ્ઝાયટી તેમની કુદરતી હાજતને રોકી દે છે. આ કોઈ સામાન્ય આદત કે પસંદગી નથી પણ એક માનસિક સ્થિતિ છે જેને સાઇકોલૉજિકલ ભાષામાં શાય બૉવેલ સિન્ડ્રૉમ અથવા પારકોપ્રેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઘરની બહાર નીકળ્યા બાદ જો પેટ સિગ્નલ આપે તો પણ ટૉઇલેટ યુઝ કરવામાં સંકોચનો અનુભવ થાય તો આ સમસ્યા હોઈ શકે છે. ગટ અને બ્રેઇનના કમ્યુનિકેશનમાં સર્જાતી આ ખામી પાછળ કયાં મૂળભૂત પરિબળો જવાબદાર છે એ વિશે નિષ્ણાતો પાસેથી સમજીએ.
પેટ અને મગજ વચ્ચેના સંબંધને સમજાવતાં વાડિયા હૉસ્પિટલમાં કાર્યરત સાઇકોલૉજિસ્ટ હિના શેઠ કહે છે, ‘આ સમસ્યા માત્ર શારીરિક અક્ષમતા નથી પરંતુ નર્વસ સિસ્ટમની એક શીખેલી પ્રતિક્રિયા છે. જો બાળપણમાં મળત્યાગની પ્રક્રિયા દરમિયાન બાળક પર ઉતાવળ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય, વારંવાર ટોકવામાં આવ્યું હોય અથવા કોઈ ભૂલ માટે ઠપકો કે શરમનો અનુભવ કરાવવામાં આવ્યો હોય તો શરીર એ નકારાત્મક અનુભવને યાદ રાખે છે. ધીમે-ધીમે આ કઠોર અનુભવો આંતરડાની પ્રક્રિયા સાથે જોડાઈ જાય છે અને ચિંતાનું સ્વરૂપ લે છે. જોકે ઘણા કિસ્સાઓમાં સુખદ બાળપણ હોવા છતાં પણ પાછળથી કોઈ શરમજનક ઘટના અથવા વ્યક્તિના અતિશય સંવેદનશીલ સ્વભાવને કારણે પણ આ સમસ્યા વિકસી શકે છે. જ્યારે વ્યક્તિ તનાવ અનુભવે છે ત્યારે સ્ટ્રેસ-હૉર્મોન્સને કારણે સ્નાયુઓ જકડાઈ જાય છે. મગજ શરીરને સિગ્નલ આપે છે કે આ સમય સુરક્ષિત નથી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે જાહેર શૌચાલય, અન્ય લોકોની હાજરી કે અવાજની ચિંતા જેવાં સામાન્ય પરિબળોને શરીર ખતરા તરીકે સ્વીકારી લે છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ અંદરથી શરમ, નિરાશા અને સેલ્ફ-ડાઉટ્સમાં રહે છે. આ કોઈ સાધારણ આદત નથી જેને માત્ર મક્કમ મનોબળ કે ઇચ્છાશક્તિથી સુધારી શકાય, આના માટે નર્વસ સિસ્ટમની રી-ટ્રેઇનિંગ જરૂરી છે. આમાં નર્વસ સિસ્ટમનું કન્ડિશનિંગ બદલવું પડે છે. આ માટે એક્સપોઝર થેરપી આમાં સૌથી વધુ અસરકારક છે. એક્સપોઝર એટલે જબરદસ્તી કામ કરાવવું, પરંતુ હકીકતમાં એ ગભરાટની વચ્ચે પણ સુરક્ષિત રીતે પરિસ્થિતિનો સામનો કરવાની પદ્ધતિ છે. આ થેરપીથી નકારાત્મક વિચારોને બદલી શકાય છે. ઘરે રહીને વ્યક્તિ ઊંડા શ્વાસ લેવાની પ્રૅક્ટિસ અને ચોક્કસ રૂટીન બનાવશે તો તેને ફાયદો થશે. આ તમારી કોઈ નબળાઈ કે અપરિપક્વતા નથી પરંતુ તમારી નર્વસ સિસ્ટમની એક શીખેલી પ્રતિક્રિયા છે. નિષ્ણાતની મદદ અને માર્ગદર્શનથી આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય છે.
કબજિયાત અને શાય બૉવેલ સિન્ડ્રૉમ વચ્ચેનો ભેદ સમજાવતાં નાણાવટી મૅક્સ હૉસ્પિટલમાં કાર્યરત અનુભવી ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. ગૌરવ પાટીલ જણાવે છે, ‘કબજિયાત પાચનતંત્રની ખામી છે જેમાં આહારમાં ફાઇબરની કમી કે પાણીનું ઓછું પ્રમાણ જવાબદાર હોય છે. આમાં વ્યક્તિને ઘરે કે બહાર બધે જ શૌચક્રિયામાં તકલીફ પડે છે. જ્યારે શાય બૉવેલ સિન્ડ્રૉમ અથવા પારકોપ્રેસિસમાં વ્યક્તિ પોતાના સુરક્ષિત વાતાવરણ એટલે કે ઘરે હોય ત્યારે તેનું પેટ એકદમ સામાન્ય રીતે સાફ થાય છે, પરંતુ જેવી વ્યક્તિ ઘરની બહાર જાય કે જાહેર શૌચાલયનો વિચાર કરે ત્યારે તેનું શરીર શૌચક્રિયા માટે ઇનકાર કરી દે છે.’
આ સિન્ડ્રૉમ આંતરડાંનાં કાર્યોમાં કેવી રીતે ખલેલ પહોંચાડે છે એ સમજાવતાં ડૉ. ગૌરવ કહે છે, ‘જ્યારે આપણે પબ્લિક ટૉઇલેટનો યુઝ કરીએ અને મન સંકોચ કે શરમ અનુભવે તો એ પાચનપ્રક્રિયાને ગૌણ ગણીને અસ્થાયી રૂપે ‘સ્વિચ ઑફ’ કરી દે છે. આવી સ્થિતિમાં શરીર ફાઇટ ઑર ફ્લાઇટ મોડમાં આવી જાય છે જેમાં લોહીનો પ્રવાહ પાચનઅંગોને બદલે સ્નાયુઓ તરફ વળે છે. પરિણામે આંતરડાનું કુદરતી હલનચલન અટકી જાય છે. શરૂઆતમાં આ સમસ્યા માત્ર એક સોશ્યલ ઍન્ગ્ઝાયટી હોય છે, પણ સમય જતાં એ ગંભીર શારીરિક સમસ્યામાં ફેરવાઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી મળ રોકી રાખે છે તો રેક્ટમ એટલે કે મળાશય ફૂલી જાય છે અને એની સંવેદનશીલતા ઘટી જાય છે. આ સાઇકોલૉજિકલ કન્ડિશનને લીધે મળ સખત બને છે અને એને ત્યાગવા માટે વધુ જોર કરવું પડે છે. પરિણામે ગટ-સંબંધિત સમસ્યાઓ, પાચન નબળું પડવું, પાઇલ્સ અને ફિશર જેવી ગંભીર સર્જિકલ સમસ્યાઓ સર્જાય છે.’
આ સમસ્યામાં સોનોગ્રાફી કે એન્ડોસ્કોપી જેવા રિપોર્ટ્સ સામાન્ય રીતે નૉર્મલ આવે છે કારણ કે આંતરડાંની રચનામાં કોઈ ખામી હોતી નથી, ખામી એના કાર્યમાં હોય છે. માત્ર દવા આનો કાયમી ઉકેલ નથી, ફાઇબરયુક્ત આહાર અને દિવસના ત્રણથી ચાર લીટર પાણી પીવું અનિવાર્ય છે. યોગ પણ આંતરડાંના કાર્યને સરળ બનાવવામાં મદદ કરે છે. સૌથી મહત્ત્વનું એ છે કે બૉવેલ રીટ્રેઇનિંગ એટલે કે રોજ સવારે એક ચોક્કસ સમયે શૌચાલયમાં બેસવાની આદત પાડવી, જેથી શરીર ફરીથી પહેલાંની જેમ સ્મૂધ ફંક્શન કરી શકે.’
મુસાફરી શરૂ કરતાં પહેલાં જ રૂટમાં આવતાં ક્લીન શૌચાલય ક્યાં છે જેમ કે સારા પેટ્રોલ પમ્પ, મૉલ કે હોટેલ્સ વિશે જાણી લો. સેફ ટૉઇલેટની જાણકારી મનના ગભરાટને અડધો કરી નાખે છે.
મુસાફરી દરમિયાન વધુપડતો મસાલેદાર કે ભારે ખોરાક ટાળવો. હળવો ખોરાક પાચનતંત્ર પર દબાણ ઘટાડે છે અને ગૅસ કે બ્લોટિંગની સમસ્યાને અટકાવે છે.
સતત પાણી પીને હાઇડ્રેશન લેવલને મેઇન્ટેઇન રાખો. એકસાથે ઘણું પાણી પીવાને બદલે થોડા-થોડા સમયે પીવું જેથી આંતરડાંમાં મળ સખત ન થાય.
જો તમને પબ્લિક ટૉઇલેટમાં અવાજની શરમ આવતી હોય તો ઇઅરફોન લગાવી મ્યુઝિક સાંભળો. સાથે એક નાનું ઍર-ફ્રેશનર રાખો જેથી સ્મેલ બહાર જવાની ચિંતા ઓછી થશે અને તમે મેન્ટલી રિલૅક્સ ફીલ કરશો.
ઉતાવળમાં ઍન્ગ્ઝાયટી વધે છે. શૌચક્રિયા માટે પૂરતો સમય મળે એ રીતે વહેલા જાગીને અથવા ફ્લાઇટ કે ટ્રેન પહેલાં સમય કાઢવો જેથી જલદી પતાવવું પડશે એવો માનસિક તનાવ ન રહે.
પબ્લિક ટૉઇલેટમાં ગંદકી કે બૅક્ટેરિયાનો ડર હોય એવા લોકો માટે સીટ સૅનિટાઇઝર સ્પ્રે રાખવો ખૂબ જ મદદરૂપ છે. આનાથી મનને ખાતરી રહે છે કે જગ્યા સુરક્ષિત છે.
જો શક્ય હોય તો મુસાફરીમાં મળત્યાગ વખતે પગ નીચે નાનો ટેકો રાખવો, જે સ્નાયુઓને રિલૅક્સ કરવામાં અને કુદરતી હાજતને સરળ બનાવવામાં મદદ કરે છે.