26 May, 2026 11:36 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
હેલ્થ પ્રત્યે સજાગ રહેવું સારી વાત છે, પણ ઘણી વાર એનો પણ અતિરેક મુશ્કેલીમાં નાખી દે છે. સોશ્યલ મીડિયા પર સવારથી સાંજ સુધી રીલ્સ અને પોસ્ટ પર કિડનીની હેલ્થને લઈને એટલી સલાહો અને એટલું જ્ઞાન આપવામાં આવે છે કે માણસ કન્ફ્યુઝ થઈ જાય છે. પરિણામે તે ડાયટમાં એવા ફેરફાર કરવા લાગે છે જે ફાયદો કરવાને બદલે કિડની પર નકારાત્મક અસર કરી શકે છે. તાજેતરમાં એક જાણીતા ન્યુટ્રિશન સ્પેશ્યલિસ્ટે એવી પાંચ ભૂલો જણાવી છે જે લોકો અજાણતાં રોજેરોજ કરી રહ્યા છે. કિડનીની બીમારીથી બચવા માટે બટાટા અને ટમેટાં જેવાં પોટૅશિયમયુક્ત શાકભાજી બંધ કરી દેવાં, ફિટનેસના ક્રેઝમાં કિડનીની કૅપેસિટીને સમજ્યા વગર હાઈ-પ્રોટીન ડાયટ ફૉલો કરવી, પૅકેજ્ડ પ્લાન્ટ-બેઝ્ડ ફૂડને હેલ્ધી માનીને ખાતા રહેવું આ બધી જ આદતોની ગંભીર સાઇડ-ઇફેક્ટ્સ હોય છે ત્યારે કિડનીની સંભાળ રાખવા માટે ડાયટ-ચાર્ટને વળગી રહેવા કરતાં બૅલૅન્સ્ડ અપ્રોચ કેમ વધુ જરૂરી છે એ નિષ્ણાત પાસેથી વિગતવાર સમજીએ.
કિડનીની સારવારમાં એક દાયકા કરતાં વધુનો અનુભવ ધરાવતા કિડની સ્પેશ્યલિસ્ટ ડૉ. ઋજુ ગાલા પવઈની હીરાનંદાની હૉસ્પિટલમાં કાર્યરત છે. તેમણે બાળકોથી લઈને મોટી વયના લોકોમાં જોવા મળતા કિડનીના રોગની સારવાર કરી છે અને અત્યાર સુધીમાં પંચાવનથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યાં છે. પોટૅશિયમયુકત ખોરાકને સાવ બંધ શા માટે ન કરવો જોઈએ એ વિશે તે કહે છે, ‘ઘણા લોકો કિડનીમાં શરૂઆતના તબક્કાની સમસ્યાઓથી એટલા ડરી જાય છે કે પાલક, બટાટા અને ટમેટાં જેવાં પોટૅશિયમયુક્ત શાકભાજી ખાવાનું સદંતર બંધ કરી છે. સાવ કટ-ઑફ કરવા કરતાં શાકભાજીમાં રહેલા પોટૅશિયમનું પ્રમાણ ઓછું કરવા માટે અમે કાચું સૅલડ ન ખાવાની સલાહ આપીએ છીએ, કારણ કે કેટલાંક કાચાં શાકભાજીમાં પોટૅશિયમનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કેટલાક દરદીઓને શાકભાજીનો સૂપ મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે એમાં પોટૅશિયમનું પ્રમાણ વધુ હોઈ શકે છે. લીચિંગ પ્રોસેસથી શાકભાજીમાંથી પોટૅશિયમ ઓછું કરી શકાય છે. એમાં શાકભાજીના નાના ટુકડા કરી ઉકાળેલા પાણીમાં ડુબાડીને ૨૦ મિનિટ સુધી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી પોટૅશિયમ પાણીમાં ઓગળીને બહાર નીકળી જાય છે એટલે લીચ આઉટ થઈ જાય છે. ત્યાર બાદ શાકભાજીને રાંધીને ખાઈ શકાય છે. જોકે કિડનીના કેટલાક દરદીઓમાં અથવા પથરીની તકલીફ ધરાવતા લોકોમાં પાલક અને કેટલાંક લીલાં પાંદડાંવાળાં શાકભાજી મર્યાદિત માત્રામાં લેવાની સલાહ આપવામાં આવે છે, પણ આ નિર્ણય દરદીના રિપોર્ટ અને સ્થિતિ મુજબ લેવાય છે.’
ડૉ. ઋજુ ગાલા વધુમાં કહે છે, ‘દરદી ક્રોનિક કિડની ડિસીઝના કયા સ્ટેજ પર છે એના આધારે રીનલ ફંક્શન્સ ટેસ્ટ કરાવવાં જરૂરી છે. જો અર્લી સ્ટેજ હોય તો દર મહિને અથવા દર બે મહિને એક વાર બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ. આનાથી શરીરમાં ફૉસ્ફરસ, કૅલ્શિયમ, યુરિક ઍસિડ અને મૅગ્નેશિયમ જેવાં તત્ત્વોનું સંતુલન જાણી શકાય છે અને જો કોઈ તત્ત્વ ઘટી રહ્યું હોય તો એ મુજબ ડાયટ મૉડિફાય કરી શકાય છે.’
આજકાલ બજારમાં પ્લાન્ટ-બેઝ્ડ પ્રોડક્ટ્સ કિડની માટે હેલ્ધી હોવાનો દાવો કરીને વેચવામાં આવે છે, પરંતુ એની પાછળનું કડવું સત્ય અલગ છે. ડૉ. ઋજુ ગાલા કહે છે, ‘કેટલાંક પ્લાન્ટ-બેઝ્ડ અલ્ટ્રાપ્રોસેસ્ડ ઉત્પાદનોમાં સોડિયમ અને ઍડિટિવ્સનું પ્રમાણ વધુ હોઈ શકે છે એટલે માત્ર પ્લાન્ટ-બેઝ્ડ લખેલું હોય એ હંમેશાં સારુ હોય એવું માનવું યોગ્ય નથી. આ ઉત્પાદનોને લાંબો સમય સાચવી રાખવા માટે એમાં પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ ઍડિટિવ્સ ઉમેરવામાં આવે છે જેને લીધે એમાં છુપાયેલું સોડિયમ અને ફૉસ્ફરસ કિડનીને બગાડે છે. આવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ આહારથી સોડિયમનો ડેઇલી ઇન્ટેક ૧૫થી ૧૬ ગ્રામ સુધી પહોંચે છે, જ્યારે કિડનીના દરદીઓ કે હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોને આખા દિવસમાં માત્ર બેથી ૪ ગ્રામ જ સોડિયમ લેવાની સલાહ હોય છે. વધારાનું સોડિયમ અને ફૉસ્ફરસ કિડનીનાં ફિલ્ટર્સને સીધું નુકસાન પહોંચાડે છે. એને કારણે યુરિનમાં પ્રોટીન લીક થવા લાગે છે, ક્રોનિક કિડની ડિસીઝ ધરાવતા કેટલાક દરદીઓમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આથી કુદરતી આખા વનસ્પતિજન્ય ખોરાક લેવા જોઈએ જે વધુ આલ્કલાઇન હોય છે. આમાં આવતા લો-ક્વૉલિટી પ્લાન્ટ પ્રોટીનથી કિડની પર ઓછો બોજ આવે છે. જેમ કે કઠોળ અને દાળ, ટોફુ અને સોયાબીન, મખાના, ઓટ્સ અને કિનોઆ. આમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની સરખામણીમાં ફૉસ્ફરસ અને સોડિયમનું પ્રમાણ ઘણું ઓછું અને સેફ હોય છે.’
આડેધડ પ્રોટીન સપ્લિમેન્ટ્સ અને હાઈ-પ્રોટીન ડાયટ ફૉલો કરતા લોકોને એ ખબર નથી કે આ આદત કિડનીને સુધારવાને બદલે વધુ બગાડશે એમ જણાવતાં કિડની પેશન્ટ્સના જીવનમાં પ્રોટીનનો રોલ શું છે એ જણાવતાં ડૉ. ઋજુ ગાલા કહે છે, ‘ફિટનેસના શોખીનોમાં પ્રોટીન પાઉડર અને હાઈ-પ્રોટીન ડાયટનો ભારે ક્રેઝ છે, પણ જે વ્યક્તિમાં કિડનીની શરૂઆતની બીમારીનું નિદાન હજી સુધી ન થયું હોય તેમના માટે આ આદત બહુ જ ગંભીર સાબિત થઈ શકે છે. એક સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ માટે રોજનું પ્રોટીન વજનના પ્રતિ કિલોએ એક ગ્રામ પૂરતું છે, પરંતુ જો કિડનીમાં સામાન્ય સમસ્યા પણ હોય તો પ્રોટીન ઘટાડીને ૦.૬થી ૦.૮ ગ્રામ કરવું પડે છે. બજારમાં મળતાં કેટલાંક પ્રોટીન સપ્લિમેન્ટ્સમાં વધુ પ્રમાણમાં ઍડિટિવ્સ, સાકર, સોડિયમ અથવા લૉ ક્વૉલિટી પ્રોટીન હોઈ શકે છે. કિડનીની સમસ્યા ધરાવતા લોકોમાં આવાં સપ્લિમેન્ટ્સનું અતિશય સેવન કિડની પર વધારાનો બોજ પેદા કરી શકે છે. વનસ્પતિજન્ય પ્રોટીન આલ્કલાઇન હોવાથી કિડની માટે વધુ સેફ છે. જ્યારે પ્રોટીનનું પ્રમાણ લાંબા સમય સુધી શરીરની જરૂરિયાત કરતાં વધુ લેવાય ત્યારે કિડનીના ફિલ્ટરેશન પર બોજ વધી શકે છે. ખાસ કરીને પહેલેથી કિડનીની સમસ્યા ધરાવતા લોકોમાં એની અસર વધુ જોવા મળે છે.’
કિડનીના ઘણા પેશન્ટ્સ ડાયટને લગતા કડક નિયમોથી કંટાળીને ઘણી વાર એકાદ મીલ સ્કિપ કરતા હોય છે, પણ આ બહુ મોટી ભૂલ છે એમ જણાવીને ડૉ. ઋજુ ગાલા કહે છે, ‘શરીરને પૂરતી કૅલરી ન મળવાથી એ નબળું પડે છે અને પૂરતું પાણી ન પીવાય તો ડીહાઇડ્રેટ થઈ જાય છે. એને લીધે કિડની તરફ વહેતો લોહીનો પ્રવાહ ઘટી જાય છે. કિડનીના મોટા ભાગના દરદીઓ હાઈ બ્લડપ્રેશર કે ડાયાબિટીઝની દવાઓ લેતા હોય છે. ભોજન સ્કિપ કરવાથી અને પાણી ઓછું થવાથી અચાનક લો બ્લડપ્રેશર અથવા લો બ્લડશુગર થઈ જાય છે અને ક્રીઆટનીન અચાનક વધી જાય છે. જો દરદીને ચક્કર આવે, અતિશય પરસેવો વળે કે પેશાબ ઓછો થઈ જાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને બ્લડપ્રેશર-શુગર કે ઇન્સ્યુલિનના ડોઝ સેટ કરવા જોઈએ. દરદીએ કેટલું પ્રવાહી લેવું એ તેની કિડનીની સ્થિતિ, સોજા, યુરિન આઉટપુટ અને ડૉક્ટરની સલાહ મુજબ નક્કી થવું જોઈએ અને ક્યારેય ભૂખ્યા ન રહેવું જોઈએ.’
કિડનીના પોષણ માટે બધાને એકસરખો લાગુ પડે એવો કોઈ ફિક્સ ડાયટ ચાર્ટ હોતો નથી. કિડનીના રોગના મુખ્ય પાંચ સ્ટેજ હોય છે અને દરેક સ્ટેજ પર આહારના નિયમો સંપૂર્ણ બદલાઈ જાય છે એમ જણાવતાં ડૉ. ઋજુ ગાલા કહે છે, ‘પહેલા અને બીજા સ્ટેજમાં સ્થિતિ એટલી ગંભીર હોતી નથી તેથી દરદી દોઢથી બે લીટર પાણી પી શકે છે, પણ સોડિયમ અને પ્રોટીનની માત્રા થોડી ઓછી કરવામાં આવે છે. ત્રીજા સ્ટેજમાં સોડિયમ, પોટૅશિયમ, યુરિક ઍસિડ, ફૉસ્ફરસના રિપોર્ટ્સના આધારે ડાયટ મૉનિટર થાય છે. ચોથો અને પાંચમો તબક્કો ગંભીર કહેવાય છે. આ સ્ટેજ પર આવતા લોકો મોટા ભાગે ડાયાલિસિસ તરફ જાય છે. શરીરમાં પ્રવાહી જમા થવાને કારણે પગમાં કે મોઢા પર સોજા આવવા લાગે છે. સોડિયમ, પોટૅશિયમ અને ફૉસ્ફરસ વધે તો હાર્ટ-અટૅક કે ઇમર્જન્સી ડાયાલિસિસની નોબત આવી શકે છે. ચોથા અને પાંચમા સ્ટેજના કેટલાક દરદીઓમાં હાઈ-પોટૅશિયમ ખોરાક મર્યાદિત રાખવાની અથવા ટાળવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ એનો નિર્ણય બ્લડ-રિપોર્ટના આધારે લેવાય છે.’