વડીલોનું બાળકો જેવું વર્તન અટેન્શન મેળવવા માટે કે કનેક્શન સાધવા માટે?

12 December, 2025 11:42 AM IST  |  Mumbai | Jigisha Jain

આ પ્રૉબ્લેમના ઊંડાણમાં જઈએ તો સમજાશે કે એની પાછળ તેમની એકલતા જવાબદાર છે અને આ બધું તેઓ અટેન્શન માટે નહીં, બીજા લોકો સાથે કનેક્શન જોડાય એ માટે કરતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

ફોન ન ઉપાડો ત્યાં સુધી સતત ફોન કરવો, કોઈ જરૂરી વાત કરતું હોય ત્યારે જ વચ્ચે આવીને પોતાની વાતો કરવા લાગવું, સતત બીમાર છું એવું કહેતા રહેવું, સતત શરીરમાં અલગ-અલગ જગ્યાએ દુખાવાની વાતો કરવી, બીમારીનાં બહાનાં કાઢવા જેવું વર્તન ઘણા વડીલોમાં જોવા મળે છે. બાળકો પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે જેવું વર્તન કરે એવું વડીલો પણ કરતા હોય છે. ક્યારેક એને કારણે તે કંકાસિયા, જિદ્દી, હેરાન કરનારા, ચાહીને તકલીફ આપનારા તરીકે ખપી જાય છે. જોકે આ પ્રૉબ્લેમના ઊંડાણમાં જઈએ તો સમજાશે કે એની પાછળ તેમની એકલતા જવાબદાર છે અને આ બધું તેઓ અટેન્શન માટે નહીં, બીજા લોકો સાથે કનેક્શન જોડાય એ માટે કરતા હોય છે.

કિસ્સો ૧

૬૫ વર્ષનાં ચંદનબહેન હૉલમાં જ્યારે કોઈ ટીવી જોતું હોય ત્યારે હૉલમાં આવીને બેસી જાય છે અને પોતાનો ફોન ફુલ વૉલ્યુમમાં રાખીને હૉલની વચ્ચોવચ્ચ સોફા પર બેસી જાય છે. હૉલમાં જે ટીવી જોતું હોય તેને ડિસ્ટર્બ થાય એટલી સમજ તો તેમનામાં છે જ. જો તેમને કંઈ ફોન પર જ જોવું હોય તો તે રૂમમાં બેસીને પણ જોઈ જ શકે છે, પણ તેઓ એવું નથી કરતાં. અંતે તેમનું માન જાળવવા જે ટીવી જોતું હોય તે ટીવી બંધ કરીને રૂમમાં જતું રહે છે.

કિસ્સો ૨

૭૦ વર્ષના પીયૂષભાઈ તેમના પુત્રને તે ઑફિસ જતો રહે પછી ફોન કરે. પુત્ર ફોન ન ઉપાડી શકે તો જ્યાં સુધી તે ફોન ન ઉપાડે ત્યાં સુધી ફોન કરે. તેમના પુત્રએ તેમને એક દિવસ સમજાવ્યા કે પપ્પા, એકદમ જરૂરી કામ હોય તો જ ફોન કરવો, બાકી નહીં; હું ઘરે આવું પછી તમે મને કહેજો. પણ એમ છતાંય દરરોજ કોઈનો નંબર માગવા, સોસાયટીની ફરિયાદો કરવા, બિલ ભરવા કે મોબાઇલનું રીચાર્જ કરાવવા જેવાં નાનાં કામો માટે પણ તેઓ દીકરાને દરરોજ ફોન કરે.

કિસ્સો ૩

૭૨ વર્ષનાં સવિતાબહેન આખો દિવસ વ્યવસ્થિત હોય પરંતુ રાત્રે તેમનો દીકરો ઘરે આવે પછી સતત તેને ફરિયાદ કરે દુખાવાની. આજે પેટ દુખે તો ક્યારેક પગનાં ઘૂંટણ. આમ આખો દિવસ બેઠા હોય પણ દીકરો આવે એટલે ઊભાં થઈને કામ કરવા લાગે. આ જોઈને દીકરો દુખી થાય કે મમ્મી ઘૂંટણમાં તકલીફ છે તો કેમ કામ કરે છે? પણ દીકરા તરફથી મળતું આ અટેન્શન તેમને ગમતું. વહુ બધું સમજતી પણ ઉંમરની આમન્યા જાળવતી અને ચૂપ રહેતી.

નાનાં બાળકોને તમે ધ્યાનથી જોયાં હોય તો તેઓ ઘરમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે હલ્લા મચાવતાં હોય, તોડફોડ કરતાં હોય, રાડો પાડતાં હોય કે રડતાં હોય એવું સામાન્ય રીતે જોવા મળે. પણ અટેન્શન માટે બાળકો જ નહીં, ઘરના વડીલો પણ વિચિત્ર વર્તન કરતા હોય છે. ઉપરનાં ઉદાહરણો કંઈ અલગ નથી. ઘર-ઘરમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી જ હોય છે. આ પ્રકારના વર્તનના પરિણામે ઘણાં બાળકો ચિડાઈ જતાં હોય છે. વધુ ગુસ્સે ભરાતાં હોય છે. મમ્મી-પપ્પા નાટક કર્યા કરે છે એવું તેમને લાગે છે. તેમના આવા વર્તનથી ઊલટું તેમનાં બાળકો અને બાળકોનાં બાળકો પણ તેમનાથી દૂર થઈ જાય છે. બાળક નાટક કરીને રડતું હોય તો ક્યુટ લાગે, વડીલ જો આવું કરતા હોય તો ખરાબ લાગે. વડીલો પાસેથી અપેક્ષા એ હોય છે કે તેઓ ખૂબ સમજદાર હોય, પણ જ્યારે આ પ્રકારનું વર્તન કરે ત્યારે લાગે છે કે ક્યાં ગઈ તેમની સમજદારી? આવાં ઘરોમાં કાં તો ઘરના લોકો ચૂપચાપ સહન કર્યા કરે છે અને નહીંતર વડીલો જોડે ઝઘડીને તેમનું અપમાન કરી બેસે છે કે કંઈક એવું બોલી દે છે જેનાથી તેમની લાગણી દુભાઈ જાય. પરંતુ આજે એ સમજવાનું છે કે તમારા ઘરના વડીલો જો આવું વર્તન કરતા હોય તો એની પાછળનાં કારણો શું છે.

અસુરક્ષા

આ પ્રકારના વર્તન પાછળનું એક કારણ જણાવતાં સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘ઉંમર જ્યારે વધે છે ત્યારે ઘણાબધા બદલાવ આવે છે. આ બદલાવને વ્યક્તિ અપનાવી શકતી નથી. હું હવે એ કામ કરી શકું એમ નથી જે કામ હું આખી જિંદગી કરતો આવ્યો છું એ હકીકત પચાવવી સરળ નથી. વળી તેમની હેલ્થ જે ધીમે-ધીમે બગડી રહી છે એ પણ તેમને હેરાન કરી રહી હોય છે. આ પરિસ્થિતિ તેમનામાં અસુરક્ષાની ભાવના લાવે છે. હું આ નહીં કરી શકું અને પેલું નહીં કરી શકું તો મારું કરશે કોણ? આ પ્રશ્નનો જવાબ તેમને ખબર પણ હોય તો પણ તેમનું મન સાબિતી માગે છે. તે સપોર્ટ ઝંખે છે. એટલે તેમને લોકોનું ધ્યાન ખુદ તરફ લાવવાની ઇચ્છા થાય છે.’

એકલતા

આ સિવાયનું મુખ્ય કારણ છે એકલતા. એ વિશે વાત કરતાં નેહા મોદી કહે છે, ‘વડીલો ખૂબ એકલા થઈ જતા હોય છે. ઘરમાં તમે ધ્યાન દેશો તો સમજાશે કે બાળકો તેમની દુનિયામાં મસ્ત રહેતાં હોય છે. મિડલ-એજ કપલ કામ અને ઘરની જવાબદારીઓમાં લદાયેલાં હોય છે, પણ વડીલો પાસે ઘણો સમય હોય છે એટલે પરિવારજનોની વ્યસ્તતામાં તેઓ એકલા પડતા જાય છે. એ એકલતા તેમને કોરી ખાય છે. ક્યારેક તો એવું બનતું હોય છે કે આખો-આખો દિવસ તેમનો બોલ્યા વાગર પસાર થઈ જતો હોય. આ પરિસ્થિતિમાં ક્યારે તે અટેન્શન-સીકિંગ વર્તન કરવા માંડે છે એ તેમને પણ સમજાતું નથી.’

નિર્ભરતા

વડીલોની વધુ એક સમસ્યા પર પ્રકાશ નાખતાં નેહા મોદી કહે છે, ‘ઉંમર પ્રમાણે આવેલા લિમિટેશનને કારણે આખી જિંદગી જે લોકો એકદમ આત્મનિર્ભર રહ્યા છે અને ઊલટું તેમના પર બીજા લોકો નિર્ભર રહ્યા છે તે અચાનક નિર્ભર બની જાય તો એ પચાવવું સરળ નથી. આ ઉંમરમાં આત્મવિશ્વાસ હલી જાય છે એટલે નાની-નાની બાબતો માટે તેઓ મદદ ઝંખે છે. જે મમ્મી ૩૦-૪૦ માણસોની રસોઈ બનાવતી હતી તે ચાર માણસોની રસોઈ નથી બનાવી શકતી. એટલે તે પોતે અકળાય છે અને જે આ કામ કરે છે જેમ કે ઘરની વહુ, એ તેને અકળાવે છે.’

શીખેલું વર્તન

કરુણતા એ છે કે વડીલ ફક્ત ઘરના લોકોનો સમય ઇચ્છે છે જે આજની તારીખે મુશ્કેલ દેખાય છે. તેમની પાસે જઈને કોઈ બેસે, વાત કરે, તેમને ફરવા લઈ જાય, તેમની સાથે જમે કે રમે એવી વ્યક્તિની તલાશ તેમને સતત હોય છે. બાળકો સાથે ઘણી વાર દિવસો સુધી વાત થતી નથી હોતી. આ સંજોગોમાં તેમનું મન વચ્ચેનો રસ્તો કાઢતું થઈ જાય છે. આ રસ્તો શું છે એ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘બાળક પાસે સમય નથી પરંતુ જેવું હું કહીશ કે મારી તબિયત ખરાબ છે તો તે સમય કાઢશે, મને ડૉક્ટર પાસે લઈ જશે. આ બાબતે તેમને ધરપત થાય છે કે આ રીતે પણ જો કોઈ તેમના પર ધ્યાન આપતું હોય તો. ભૂતકાળના એક-બે બનાવો સાબિતી આપે છે કે જ્યારે હું બીમાર હોઉં ત્યારે બાળકો મારી પાસે આવે છે તો તેમનું મન એટલું મજબૂત થઈ જાય છે કે બીમારીનું બહાનું બતાવીને પણ તે તમને તેમની પાસે રોકતા થઈ જાય છે. ત્યાં સુધી કે અતિ ફરિયાદો કરતા થઈ જાય છે. તેમને લાગે છે કે ફરિયાદ કરીશ તો જ મને ગંભીરતાથી લેવામાં આવશે. આ માનસિકતા વધુ ને વધુ ઘર કરતી જાય છે અને તકલીફો વધતી જાય છે કારણ કે આવું વર્તન તેમનાં બાળકોને તેમની નજીક નહીં, તેમનાથી દૂર લઈ જાય છે.’

પરિવારજનોએ શું કરવું?

આ પ્રકારનું વર્તન તમે ઘરમાં જુઓ તો તમારે શું કરવું જોઈએ એ સમજીએ નેહા મોદી પાસેથી.

તેમને સાંભળો : વૃદ્ધ લોકોને ખૂબ ઇચ્છા હોય છે કે કોઈ તેમને સાંભળે. કોઈ તેમની સાથે વાત કરે. જે વૃદ્ધોને કોઈ સાંભળતું નથી તેઓ આ પ્રકારનું વર્તન કરે છે. એટલે સહાનુભુતિ રાખો અને તેમને સાંભળો.

બાંહેધરી આપો કે તમે છો : જરૂરી નથી કે દરરોજ તમે તેમને બે કલાક આપો, પણ જ્યારે તેમને જરૂર છે ત્યારે તમે તેમના એક ફોન પર દોડતા આવશો એ બાંહેધરી આપો.

તેમને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપો : ઘરનાં નાનાં-નાનાં કામ તેમને કરવા દો. બધે દોડીને તેમની મદદે પહોંચી જવું પણ યોગ્ય નથી. મોટા ભાગના વૃદ્ધો કામ વગર દુખી થતા હોય છે. અહીં એ વડીલોની વાત નથી થઈ રહી જેમને એમ છે કે અમે ખૂબ કામ કરી લીધું, અમને હવે નથી કરવું. એવા લોકોને બાદ કરતાં બધાને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થવું ગમે છે. તેમનાં કામ તે જેટલાં જાતે કરી શકે છે એ તેમને કરવા દો. એને લીધે તેમનો આત્મવિશ્વાસ અકબંધ રહેશે.

સામાજિક રીતે ઍક્ટિવ રાખો : એકલતા તેમને કોરી ખાય એના કરતાં તેઓ સામાજિક સ્તર પર લોકોને મળતા રહે અને વ્યસ્ત રહે એ જરૂરી છે. એનાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. વડીલોને પોતાના જીવનમાં તેમણે શીખેલી અને અપનાવેલી સલાહો બીજાને આપવી ખૂબ ગમતી હોય છે. એટલે જે પણ વ્યક્તિ તેમને મળે એટલે તેઓ સલાહો આપવા લાગે છે, જેને કારણે લોકો તેમનાથી દૂર ભાગતા થઈ જાય છે. જો તમારા ઘરનું વડીલ આવું હોય તો થોડી સહિષ્ણુતા રાખો અને તેને સાંભળી લો. એ સલાહ તમે સાંભળી લેશો તો તેમને સારું લાગશે.

તમારાં બાળકો સાથે તેમને જોડાવા દો : આજકાલ મોટા ભાગનાં ઘરોમાં દાદા-દાદી સાથે બાળકોનું કનેક્શન ખૂબ પાતળું થતું જોવા મળે છે. બાળકો અને મોટેરા એકબીજાનો મોટો સપોર્ટ હોય છે. તેઓ એકબીજા સાથે ઘણાં ખુશ રહે છે. એટલે બન્ને વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયાસો કરો, વધારવાના નહીં. તમારા બાળકને ગુજરાતી આવડવું જ જોઈએ, તો જ તે તેનાં દાદા-દાદીની નજીક રહી શકશે. જે ઘરમાં દાદા-દાદી અને બાળકો પરસ્પર નજીક હોય છે ત્યાં અટેન્શનની તકલીફો આવતી નથી.

વડીલે શું કરવું?

આ બાબતે ફક્ત પરિવારજનો જ કંઈ કરે એવું માનવું નહીં. તમારું ખુદનું વર્તન જો આવું હોય અને તમે આ તકલીફોમાંથી પસાર થતા હો તો તમે શું કરી શકો એ જાણીએ સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા પાસેથી.

માન્યું કે તમે આખું જીવન પરિવારને સમય આપ્યો છે પરંતુ વડીલ બન્યા પછી પરિવાર પણ તમને એટલો જ સમય આપે એવું જરૂરી નથી. તમારા સમયની વ્યસ્તતા અને આજના સમયની વ્યસ્તતામાં ઘણો ફરક છે. એટલે પરિવાર પાસેથી અપેક્ષાઓ ઓછી રાખો, કારણ કે જ્યારે એ પૂરી નથી થતી ત્યારે સૌથી વધુ દુખી તમે થાઓ છો.

તમારો સમય પસાર નથી થઈ રહ્યો અને ઘરમાં કોઈને સમય નથી તો તમારા એ સમયનો સદુપયોગ તમે જાતે નક્કી કરો. ઘરની બહાર નીકળો, લોકોને મળો, તમારા શોખ પૂરા કરો, જો સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો ઘરમાં જ રહીને પણ વ્યસ્ત રહી શકાય છે. બધું જ કરો પણ કમ્પ્લેઇન્ટ-બૉક્સ ન બનો.

એક નિશ્ચિત રૂટીનમાં જીવો એટલે કંટાળો ઓછો આવશે. નોકરી કે ધંધો કરતા હોય તો જ પ્રવૃત્ત રહેવાય એવું નથી. એના વગર પણ સમાજ માટે તમે ઘણું કરી શકો એમ છો. બસ, શરૂ કરવાની જરૂર છે.

mental health healthy living health tips life and style lifestyle news columnists Jigisha Jain