24 December, 2025 11:43 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આ ટર્મ ભલે લાગે કે કોઈ જેન-ઝી ટર્મ છે, પણ વર્ષોથી લોકો આ પ્રકારનો ડર અનુભવતા હોય છે. સમજો કે હમણાં એક નામ આપવામાં આવ્યું એ નામ એટલે FOFO-ફોફો. કશે પકડાઈ જવાનો ડર કે કશું એવું જાણી લેવાનો ડર, જે જાણવાથી દુઃખ થાય એને FOFO કહેવાય છે. લક્ષણો દેખાતાં હોય પણ ડૉક્ટર પાસે ચેક-અપ ન કરાવે, પાર્ટનરથી કોઈ તકલીફ હોય પણ એ વાત પર ચર્ચા કરવાનું તો છોડો એ વાત જ ઉડાવી દે, પૈસા ખૂબ ખર્ચ થાય છે એ ખબર હોય પણ ડર એટલો હોય કે બૅન્ક-બૅલૅન્સ ચેક કરવાનું ટાળે... આ પરિસ્થિતિઓ ફિયર ઑફ ફાઇન્ડિંગ આઉટ છે જેના ફાયદા કરતાં નુકસાન વધુ છે. માણસમાં સામાન્ય રીતે દેખાતા આ ડરને ઊંડાણથી સમજીએ.
એકતાનાં લગ્નને ૮ મહિના થયા હતા. તે પોતે એક બ્રોકન પરિવારમાંથી આવી રહી હતી. તેનાં માતા-પિતા વર્ષોથી અલગ રહેતાં હતાં. ડિવૉર્સ થયા નહોતા, પણ એક છત નીચે રહી શકે એમ નહોતાં. એકતાએ સમીર સાથે લવ મૅરેજ કર્યાં હતાં. કોઈ પણ છોકરી પોતાના માટે સુખી લગ્નજીવનની કામના કરતી હોય છે પરંતુ એક બ્રોકન પરિવારમાંથી આવેલી દીકરી માટે એ તેના જીવનની સર્વોત્તમ જરૂરિયાત બની જતી હોય છે. એક દિવસ અનાયાસ એકતાએ સમીરના ફોનમાં એક છોકરીના મેસેજિસ જોયા. સમીર અને તેની ચૅટ વાંચીને સમજાઈ રહ્યું હતું કે સમીર અને એ છોકરી વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે. એકતાની સામે ફોનમાં એ છોકરીનો નંબર હતો પણ તેણે લીધો નહીં. ચૅટ બૉક્સ બંધ કરીને જાણે કે કંઈ થયું જ નથી એમ તે જીવનમાં ગોઠવાઈ ગઈ.
આદર્શ રીતે તેણે સમીરને પૂછવાનું હતું કે આ બધું શું ચાલી રહ્યું છે પણ તેણે એ ન કર્યું. ન કરે નારાયણ અને ખરેખર તેનું અફેર નીકળ્યું તો? ખરેખર સમીર ચીટ કરતો હશે તો? શું મારું લગ્નજીવન પણ ટકી નહીં શકે? આ ડર એટલો મોટો હતો કે એ તેને ફેસ નહોતી કરવા માગતી. તે જાણવા જ નહોતી માગતી કે સમીર અને એ છોકરી વચ્ચે ખરેખર કંઈ છે કે એ તેનો ભ્રમ હતો. તેને આ બાબતે વાત પણ નહોતી કરવી અને કશું જ જાણવું નહોતું કારણ કે જે પણ જાણકારી મળશે એ તેને અંદરથી તોડી શકે એમ હતી.
શેઠ પરિવાર પાસે બાપ-દાદાનો ખૂબ પૈસો હતો. રતન શેઠ પહેલેથી ખૂબ સાહ્યબીમાં રહ્યા, જેને કારણે એક લાઇફસ્ટાઇલ થઈ ગયેલી તેમની. પણ જીવન બધાને સારા-ખરાબ દિવસો બતાવે છે એ જ રીતે તેમના પર પણ ઘણી વીતી. બિઝનેસમાં મોટો લૉસ થઈ ગયો. માથા પર દેવું હતું ઘણું. આદર્શ રીતે એક સાચો બિઝનેસમૅન એ હોય જે પોતાની પાસે શું છે એનો એક હિસાબ માંડે અને એ હિસાબે આ કપરા સમયમાંથી કઈ રીતે નીકળી શકાય એ સમજવાનો પ્રયાસ કરે. પરંતુ જે પણ થયું એનાથી રતન શેઠ ખૂબ ગભરાઈ ગયા. ત્યાં સુધી કે તેઓ બૅન્ક-બૅલૅન્સ ચેક જ નહોતા કરી રહ્યા. પોતાના મોબાઇલમાંથી તેમણે ઍપ પણ ડિલીટ કરી દીધી. જો અકાઉન્ટ જુએ તો ખબર પડે કે હાલત કેટલી ખરાબ થઈ છે પરંતુ એનો સામનો કરવાને બદલે તે પરિસ્થિતિથી ભાગી રહ્યા હતા. કશું જ થયું નથી એવું નૉર્મલ જીવન જીવી રહ્યા હતા. આ રીતે તો બધા બરબાદ થઈ જઈશું એમ ઘરના બધા સમજી રહ્યા હતા પરંતુ રતન શેઠને સમજાવવું અઘરું હતું.
આ પરિસ્થિતિ છે જેને કહેવાય છે ફિયર ઑફ ફાઇન્ડિંગ આઉટ. કંઈક ખબર પડી જવાની બીક. થોડા સમય પહેલાં એક ટર્મ ખાસ્સી પૉપ્યુલર બની હતી જેને FOMO-ફોમો નામ આપવામાં આવેલું. એનું ફુલ ફૉર્મ છે ફિયર ઑફ મિસિંગ આઉટ. કોઈ જગ્યાએ હું રહી જઈશ એવી અધૂરપની ભાવના એટલે ફોમો. એનું જ વિરુદ્ધાર્થી આજકાલ ચર્ચામાં છે જેને તેમણે FOFO-ફોફો - ફિયર ઑફ ફાઇન્ડિંગ આઉટ જેવું નામ આપ્યું છે. કંઈક ખબર પડી જવાની બીક કે કંઈક બહાર આવી જવાની બીક. કંઈક ખબર પડવી તો સારું જ છે એવું આપણને લાગે છે પણ અમુક વસ્તુઓ વિશે ન ખબર પડે તો જ સેફ ફીલ થાય છે. ખબર પડી જશે તો એ સહન નહીં થાય કે એને કારણે આવનારાં પરિણામોથી વધુ ડર લાગે છે એટલે વ્યક્તિ કશું જાણવાથી ખચકાય છે. દરેક મોટી પાર્ટીમાં એકાદ વ્યક્તિ એવી હશે જે કોઈ ખૂણામાં સંતાતી ફરતી હોય છે. કોઈ તેને જોઈ ન જાય, કોઈ તેને પકડી ન લે, કોઈ તેને જબરદસ્તી બધાની વચ્ચે ખેંચી ન જાય એ ડરથી એક સેફ ખૂણો પકડીને જે બેસે એ વ્યક્તિને હોય છે ફોફો - ફિયર ઑફ ફાઇન્ડિંગ આઉટ.
આ કોઈ નવી પ્રકારનો ડર નથી. મેડિકલ ફીલ્ડમાં ડૉક્ટર્સ વર્ષોથી આ ડર સામે લડતા આવ્યા છે. જાણી જોઈને લક્ષણોને અવગણવાં કે રેગ્યુલર હેલ્થ ચેક-અપ ટાળવા પાછળ હંમેશાં આળસ કે પોતાનું ધ્યાન ન રાખવાની વૃત્તિ જ જવાબદાર નથી હોતી પણ એની પાછળનું એક સ્ટ્રૉન્ગ કારણ ફોફો હોઈ શકે છે. એ વિશે વાત કરતાં ઑન્કોસર્જ્યન ડૉ. મેઘલ સંઘવી કહે છે, ‘કોઈ પણ બીમારી સામે લડવા માટે આજની તારીખે જરૂરી છે જલદી નિદાન કરવું. જેટલું જલદી નિદાન સામે આવે એટલો એનો ઇલાજ સારો થઈ શકે. આમ તો દરેક બીમારીમાં એવું જ છે. પણ કૅન્સરમાં ખાસ કારણ કે આજની તારીખે ઝીરો કે ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજ પર જો તમને કૅન્સર હોય તો એનો ઘણો જ સારો ઇલાજ ઉપલબ્ધ છે. આટઆટલી જાગૃતિ પછી આજે પણ એવી ઘણી સ્ત્રીઓ છે જે અમારી પાસે તેમનું બ્રેસ્ટ-કૅન્સર ચોથા સ્ટેજ પર પહોંચી જાય પછી આવે છે. તેઓ કહે છે કે ગાંઠ જે છેલ્લા ૬ મહિનાથી લાગતી હતી પણ બીક લાગતી હતી કે કંઈ નીકળ્યું તો? એટલે ડૉક્ટર પાસે ગયા નહીં. આ સાંભળીને એવું લાગી શકે કે આટલી પણ બુદ્ધિ નથી કે આ રીતે તે પોતાનું કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે. પરંતુ અમારો અનુભવ એ કહે છે કે ખરેખર લોકોને આ બાબતે ખૂબ ડર લાગતો હોય છે અને એ ડર જ છે જે તેમને અમારા સુધી પહોંચવા નથી દેતો. આ ડર સામે લડવાની એક જ રીત છે કે લોકોને એ બાંહેધરી મળે કે જો તમે જલદી ડૉક્ટર પાસે પહોંચી ગયા તો ચોક્કસ તમે ઠીક થઈ જશો. જો મોડું કર્યું તો તકલીફ વધશે. આ વાત જો એક વાર મનમાં બેસી ગઈ તો વ્યક્તિ પોતાના ડર સામે લડી શકે છે.’
તમે તમારા ડરનો સામનો ત્યારે જ કરી શકશો જ્યારે તમે પહેલાં તેને ઓળખશો. ખુદ એ વાતની નોંધ લો કે તમારી અંદર કયા પ્રકારનો ડર છે. જેમ કે તમને તમારા પાર્ટનરનું અમુક વર્તન જરાય પસંદ નથી પણ તમે એ બાબતે વાત કરવાનું ટાળો છો તો એની પાછળ તમારા કયા પ્રકારના ભય રહેલા છે? એ ભયને પહેલાં સમજો.
મહત્ત્વનું એ છે કે એ ભય તમારી પાસેથી કોઈ ઍક્શન કરાવે નહીં એની તકેદારી રાખો. મને પાર્ટીમાં કોઈ પકડીને દારૂ પીવડાવી દેશે એ મારો ડર છે એ હું સમજું છું પણ એ ડરને મારે મારા પર હાવી થઈને એક ખૂણામાં ભરાઈ નથી રહેવાનું, ઊલટું એના બીજા સોલ્યુશન પર ધ્યાન આપવાનું છે.
જો તમને ખબર છે કે તમારા ફૅમિલી મેમ્બર ફિયર ઑફ ફાઇન્ડિંગ આઉટ ધરાવે છે તો તમે તેની કાળજી રાખો. જેમ કે ડાયાબિટીઝના દરદીઓ ખાસ કરીને જે પોતાની ડાયટનું ધ્યાન રાખતા નથી, તેમને હંમેશાં રેગ્યુલર ચેકઅપ કરાવવામાં ડર લાગતો હોય છે કે શુગર વધારે આવી ગઈ તો? એને કારણે તેઓ ટેસ્ટ કરાવતા નથી. પરંતુ આવા લોકો માટે ઘરના લોકોએ જવાબદારી લેવી અને ટેસ્ટ કરાવી જ લેવી. તેમનો ડર દૂર થાય એની રાહ જોવાનો અર્થ નથી.