ડિલિવરી પછી શા માટે વજાઇનલ ઇન્ફેકશન થવાનું જોખમ વધે છે?

21 July, 2026 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિલિવરી પછી મહિલાઓમાં પોસ્ટપાર્ટમ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. નૉર્મલ કે સિઝેરિયન ડિલિવરી બાદ કયા પ્રકારના ઇન્ફેક્શન થઈ શકે, તેના લક્ષણો, કારણો, જોખમો અને સમયસર સારવાર તથા યોગ્ય કાળજી દ્વારા કેવી રીતે બચી શકાય તે અંગે નિષ્ણાતની મહત્વપૂર્ણ માહિતી.

પ્રતીકાત્મક તસવીર

બાળકના આવ્યા પછી એટલે કે ડિલિવરી પછી મમ્મીને જે ઇન્ફેક્શન થતું હોય છે એને પોસ્ટપાર્ટમ ઇન્ફેક્શન કહે છે. એ ઘણા જુદા-જુદા પ્રકારનાં હોઈ શકે છે. ડિલિવરી પછીનો સમય જ એવો છે જ્યારે સ્ત્રીઓ પર આ પ્રકારના ઇન્ફેક્શનનો ભોગ બનવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. નૉર્મલ ડિલિવરી સમયે વજાઇના પહોળું થયું હોય જેને લીધે કશુંક તરડાઈ ગયું હોય કે કાપ પડી ગયો હોય. એમાં કોઈ ઇન્ફેક્શન થઈ જાય અને એ અંદર સુધી ફેલાય જેને લીધે ગર્ભાશયના મુખમાં પણ એ ઇન્ફેક્શનની અસર થાય. નૉર્મલ ડિલિવરી સમયે જ્યારે લેબરપેઇન લાંબું ચાલે ત્યારે વજાઇનાના મુખમાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. ઘણી સ્ત્રીઓને તાત્કાલિક ડિલિવરી થઈ જાય એના કરતાં અસિસ્ટેડ ડિલિવરી થાય એટલે કે ચીપિયાથી બાળકને બહાર કાઢવામાં આવે કે પછી આજકાલ વૅક્યુમ ડિલિવરી કરવામાં આવે છે જેમાં વૅક્યુમનો ઉપયોગ કરીને બાળકને બહાર ખેંચી લેવામાં આવે છે. આ પ્રકારની ડિલિવરીમાં ઇન્ફેક્શનની શક્યતા ખૂબ વધારે રહે છે. સ્ત્રીને જ્યારે દર્દ ઊઠે છે એ પહેલાં પાણી પડવાનું શરૂ થઈ જાય છે જે બૅક્ટેરિયાને આકર્ષિત કરે છે. જો એ સમયે કોઈ બૅક્ટેરિયા વજાઇના દ્વારા દાખલ થઈ ગયા તો એ અંદર ગર્ભાશય સુધી જઈ શકે છે અને ઇન્ફેક્શન એટલે અંદર સુધી ફેલાવાનું રિસ્ક રહે છે. સ્ત્રીઓમાં ડિલિવરી પછી આ ગર્ભાશય અને એની આજુબાજુના ટિશ્યુઝનું ઇન્ફેક્શન ખૂબ જ સામાન્ય છે જેને મેડિકલ ભાષામાં પ્યુરપેરલ સેપ્સિસ કહેવામાં આવે છે. 
આ સિવાય સિઝેરિયન ડિલિવરી થઈ હોય તો એમાં લીધેલા ટાંકાઓ કે કટમાં કોઈ તકલીફ આવે અને એ ઇન્ફેક્શન અંદર સુધી ફેલાવાનું રિસ્ક વધે એવાં જુદાં-જુદાં ઘણાં ઇન્ફેક્શન્સ થવાનું રિસ્ક રહે જ છે. સિઝેરિયન ડિલિવરીનો જે કટ હોય છે એ જગ્યાએ ખાસ હાઇજીન રાખવાની અત્યંત જરૂર રહે છે. સિઝેરિયન ડિલિવરી જેની થઈ હોય એવી સ્ત્રીઓને જે ઇન્ફેક્શન થવાનું રિસ્ક રહે છે એ ઇન્ફેક્શનને મેડિકલ ભાષામાં ઍન્ડોમેટ્રાઇટિસ કહે છે. ખાસ કરીને આ પણ ત્યારે થાય છે જ્યારે સ્ત્રીનું લેબરપેઇન લાંબું ચાલે અને અંદર જ ટિશ્યુ તૂટી થઈ ગયાં હોય. આમ પણ ડિલિવરી પછી સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ નબળી બની જાય છે એને કારણે ડૉક્ટર અને તેમના સ્ટાફ માટે એ મહત્ત્વનું છે કે આ વાતને ધ્યાનમાં રાખીને દરદીની કાળજી સારી રીતે રાખે. 
ડિલિવરી પછી સ્ત્રીએ પોતાના માટે કોઈ પણ પ્રકારની લાપરવાહી કરવી જોઈએ નહીં. જો કોઈ પણ પ્રકારનો દુખાવો થાય તો તરત જ ડૉક્ટર પાસે જવું અને ઇલાજ કરાવડાવવો. જો ઇલાજ ન થયો તો વજાઇના અને ગર્ભાશયથી ઇન્ફેક્શન આગળ વધીને કિડની સુધી પહોંચી જાય, બ્લડ-ક્લૉટ થઈ જાય અને ઇન્ફેક્શન લોહીમાં ભળીને વધુ પ્રૉબ્લેમ્સ ઊભા કરી શકે છે.

lifestyle news life and style health tips healthy living gujarati mid day