14 October, 2025 01:38 PM IST | Mumbai | Dr. Meghal Sanghavi
પ્રતીકાત્મક તસવીર
તમે એક સ્ત્રી છો એ જ એક મોટું રિસ્ક ફૅક્ટર છે બ્રેસ્ટ-કૅન્સર થવા માટે. જોકે એનો અર્થ એવો નથી કે પુરુષોને આ તકલીફ થતી નથી. ૧ ટકા પુરુષોમાં પણ આ તકલીફ જોવા મળે છે. આ ઉપરાંત તમારી વધતી ઉંમર એક રિસ્ક ફૅક્ટર છે. વંશાનુગત આ રોગ આવી શકે છે. ખાસ કરીને તમારી મમ્મીને કે બહેનને જો આ રોગ થયો હોય તો તમને પણ એ થવાની શક્યતા ત્રણગણી વધી જાય છે.
પણ અમુક કારણો છે જે આપણે જાતે ઊભાં કરીએ છીએ. એના પર ધ્યાન આપીએ તો બ્રેસ્ટ- કૅન્સર થવાનું રિસ્ક ઘટી શકે છે. જેમ કે ઓબેસિટી કૅન્સર પાછળનું એક મહત્ત્વનું રિસ્ક ફૅક્ટર છે. જે સ્ત્રીઓ ડાયટમાં વધુપડતી સૅચ્યુરેટેડ ફૅટ્સ ખાતી હોય કે પ્રોસેસ્ડ કે જન્ક ફૂડ ખાતી હોય તેને આ રોગ થવાનું રિસ્ક વધી જાય છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં વધતું જતું સ્મોકિંગનું પ્રમાણ પણ આજકાલ સ્ત્રીઓમાં વધુ જોવા મળતા કૅન્સર માટેનું જવાબદાર કારણ છે.
સ્ત્રીઓના જીવનમાં એ કારણો જેને લીધે તેમનાં માસિક ચક્રોના આંકડાઓમાં વધારો થાય એ કારણો બ્રેસ્ટ-કૅન્સર માટે જવાબદાર બને છે. જેમ કે જો તમારા પિરિયડ્સ ખૂબ નાની ઉંમરથી શરૂ થઈ જાય જે આજકાલ ઘણી છોકરીઓમાં જોવા મળે છે અથવા મેનોપૉઝ ખૂબ મોડો આવે તો સ્ત્રીઓના જીવનમાં આવતાં માસિક ચક્રો દેખીતી રીતે વધી જાય, જેથી બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધી જાય છે. આ સિવાય જે સ્ત્રીઓ ઓછાં બાળકોને જન્મ આપે છે અને સ્તનપાન કરાવતી નથી કે ઓછા સમય માટે કરાવે છે એ સ્ત્રીઓમાં પણ આ રિસ્ક વધી જાય છે. જેમ કે આજકાલ એક જ બાળક ઇચ્છતી માના જીવનમાં પ્રેગ્નન્સી એક જ વાર આવે છે, જેને કારણે માસિક ચક્ર ફક્ત ૯ મહિના અને સ્તનપાન ચાલુ રહે એના થોડા મહિના વધુ બંધ થાય છે. પહેલાંના સમયમાં સ્ત્રીઓનાં એકથી વધુ બાળકો હોવાને કારણે વધુ સમય ચક્ર બંધ રહેતું હતું. આ પણ એક મહત્ત્વનું કારણ છે જેને કારણે આજકાલ સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કૅન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.
માસિક દરમિયાન સ્ત્રીનાં સ્તનમાં અમુક પ્રકારના બદલાવ આવે છે જેમાં અમુક કોષો મરે છે અને એનું સ્થાન નવા કોષો લે છે. માસિક ચક્રનાં વધુ ચક્રો જ્યારે સ્ત્રીને ભોગવવાં પડે છે ત્યારે આ પ્રકારના બદલાવ પણ વધુ થાય છે અને એવા જ કોઈ બદલાવ વખતે કોઈ ખામી સર્જાય તો કૅન્સર થવાની શક્યતા વધી જાય છે. આમ જેટલાં ચક્રો વધુ એટલો બદલાવ વધુ અને જેટલો બદલાવ વધુ એટલો બદલાવમાં ખામી સર્જાવાનું રિસ્ક વધુ.