કૅન્સર સૌથી પહેલાં તમારા મનની અંદર પેદા થાય છે

07 November, 2024 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે દરદીઓ હોલિસ્ટિક અપ્રોચ ધરાવે છે અને શરીરની સાથે મનને પણ ઠીક કરવાની જહેમત ઉઠાવે છે

પ્રતીકાત્મક તસવીર

જે પણ વ્યક્તિ તમાકુ લે છે કે સ્મોકિંગ કરે છે તેને કૅન્સર થવાનું રિસ્ક ઘણું વધારે છે પરંતુ એવું કેમ બને છે કે એક વ્યક્તિ ૧૦ વર્ષથી સિગારેટ પીએ છે અને તેને કૅન્સર થયું પરંતુ એક વ્યક્તિ ૨૦ વર્ષથી પીએ છે તેને હજી નથી થયું? એવું કેમ બને છે કે હવામાં પ્રદૂષણ તો સરખું જ છે છતાં કોઈને એનાથી કૅન્સર થાય છે અને કોઈને નહીં? વળી ઘણા લોકો એવા પણ છે જેમણે જીવનમાં હેલ્ધી જ ખાધું છે, કોઈ કુટેવ નથી છતાં કૅન્સર થયું છે. આ બધાનો જવાબ છે મન. મનમાં જે ઝેરી તત્ત્વો તમારા પર હાવી થાય છે એ ઝેર તમારા શરીરમાં રહેલા કૅન્સરનું કારણ બને છે.

મન અને શરીરને આપણે જુદાં પાડીએ છીએ એ જ આપણી ભૂલ છે. આ બન્ને વસ્તુ અલગ ન જ થઈ શકે. મનમાં કોઈ પ્રકારની લાગણી, જે મનનું સંતુલન બગાડતી હોય છે એની કોઈ ને કોઈ અસર શરીર પર જોવા મળે જ છે. અતિશય મનમાં દબાયેલું દુખ, વ્યક્ત ન થઈ હોય એવી લાગણીઓ, વર્ષોનો અફસોસ, નફરત આ બધી તીવ્ર લાગણીઓને કારણે શરીર પર કોઈ ને કોઈ અસર થાય છે અને એ અસર કૅન્સરનું રૂપ પણ લઈ લેતી હોય છે. આ કોઈ માન્યતા નથી, હકીકત છે. જેટલા પણ કૅન્સરના દરદીઓ અમારી પાસે આવે છે જ્યારે અમે તેમની હિસ્ટરી લઈએ છીએ ત્યારે કોઈ ને કોઈ માનસિક ડિસ્ટર્બન્સ અમને મળે જ છે.

કૅન્સરનું નિદાન થયું હોય તે મોટા ભાગે ઍલોપથી ટ્રીટમેન્ટ લેતા હોય છે જેમાં કીમોથેરપી, રેડિયેશન, સર્જરી જેવી વ્યવસ્થાઓ છે જેના વડે કૅન્સર ઠીક થઈ શકે છે. આ ઇલાજ પણ ઘણો સારી કક્ષાનો ઇલાજ જ ગણાય છે. એ લેવો પણ જરૂરી છે, પરંતુ ફક્ત એ જ ઇલાજથી કામ ચાલતું નથી. જ્યાં સુધી આપણે મનને ઠીક નથી કરતા ત્યાં સુધી શરીરને જ ઠીક કર્યા કરીએ તો રોગથી સંપૂર્ણ મુક્તિ અઘરી છે. જે દરદીઓ હોલિસ્ટિક અપ્રોચ ધરાવે છે અને શરીરની સાથે મનને પણ ઠીક કરવાની જહેમત ઉઠાવે છે તેમને જલદી અને ઘણું સારું પરિણામ મળે છે. હોલિસ્ટિક અપ્રોચના ઘણા ફાયદા છે, જે દરેકને તેના લેવલ મુજબ આવતા હોય છે. ઘણાને કીમો લેવાની જરૂર જ નથી પડતી તો ઘણાને કીમોથી જ મટી જાય છે, સર્જરીની જરૂર નથી પડતી. તો ઘણાને ૧૫ને બદલે ૧૦ કીમોમાં કામ પતે છે. જરૂર છે તમે એના કારણને શોધો અને એને હીલ કરો.

- ડૉ. મયંક શાહ

health tips mental health cancer columnists life and style