18 May, 2025 03:01 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ટિમ ફ્રીડ
જોકે આ તબક્કે પહોંચવા માટે અમેરિકાના ટિમ ફ્રીડે છેલ્લાં ૨૦ વર્ષ ઘોર તપસ્યા કરી છે. સતત જીવ હથેળીમાં લઈને તેણે ૭૦૦થી વધુ ઝેરના ડોઝ જાતે લીધા છે અને હવે તો તેના લોહીમાં દરેક પ્રકારના સાપના ઝેરને પચાવવાની એવી શક્તિ નિર્માણ થઈ છે કે તેના લોહીમાંથી ઍન્ટિબૉડીઝ કાઢીને અબજો યુનિવર્સલ ઍન્ટિવેનમ ડોઝ બનાવવામાં આવશે
વિશ્વભરમાં ઝેરી સાપની ૬૦૦ પ્રજાતિ છે જે દર વર્ષે ૨૭ લાખ લોકોને કરડે છે. ભારતમાં ૨૦૨૦માં થયેલા અભ્યાસના આંકડા મુજબ ૨૦૦૦થી ૨૦૧૯માં ૧૨ લાખ લોકો સર્પદંશથી મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. મેડિકલ સાયન્સ આટલું આગળ વધ્યું હોવા છતાં દર વર્ષે મોટી માત્રામાં સર્પદંશને કારણે લોકો મૃત્યુ પામે છે એનું કારણ શું? સમયસર ઍન્ટિવેનમ દવાનો ડોઝ ન પહોંચવો એ તો એક કારણ ખરું જ, પરંતુ કયો સાપ કરડ્યો છે એની ખબર નથી હોતી એ પણ મૃત્યુમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિશ્વમાં લગભગ ૩૦૦૦ પ્રજાતિના સાપ છે. કોબ્રા, ક્રેટ, રૅટલસ્નેક, ગાર્ટર સ્નેક, બ્લૅક મામ્બા એમ વિવિધ પ્રકારના સાપોના ઝેરની અલગ-અલગ ઇન્ટેન્સિટીવાળી અસર હોય છે. જો તમામ પ્રકારના ઝેરનું મારણ બની શકે એવી ઍન્ટિવેનમ શોધવામાં આવે તો સર્પદંશથી થતાં મૃત્યુ અટકાવવાનું સંભવ બની શકે છે. જોકે આ બાબતે ત્રણેક દાયકાથી સંશોધન ચાલી રહ્યું છે. અલગ-અલગ સંશોધકો એક યુનિવર્સલ ઍન્ટિવેનમ દવા બનાવવાના પ્રયોગો કરી રહ્યા છે. આ પ્રયોગોમાં અમેરિકાના ટિમ ફ્રીડે કરેલું કામ જબરદસ્ત સફળતા મેળવી રહ્યું છે. ટિમ ફ્રીડે લગભગ આખી જિંદગી યુનિવર્સલ ઍન્ટિવેનમ બનાવવાના પ્રયોગ પાછળ કાઢી દીધી છે અને હવે એનાં મીઠાં ફળ મળી રહ્યાં છે. છેલ્લાં વીસ વર્ષથી તેણે પોતાના જ શરીરને પ્રયોગશાળા બનાવી દીધી હતી અને હવે એના ફળની પ્રાપ્તિરૂપે તેના લોહીમાંથી જબરદસ્ત સ્ટ્રૉન્ગ ઍન્ટિવેનમ નિર્માણ થઈ શકે એવાં ઍન્ટિબૉડીઝ અલગ તારવવામાં આવ્યાં છે.
થોડા સમય પહેલાં ટિમનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. એમાં તે પહેલાં અત્યંત ઝેરી ગણાતા બ્લૅક બામ્બા સાપનો દંશ પોતાના ડાબા હાથમાં લે છે. આ એવો સાપ ગણાય છે જેનું ઝેર વ્યક્તિને એક કલાકમાં જ નિશ્ચિતપણે મારી નાખી શકે છે. જોકે ટિમ ત્યાં જ અટકતા નથી. તે બીજો અત્યંત ઝેરી ગણાતો પપુઆ ન્યુ ગિનીનાં જંગલોમાંથી મેળવેલો તાઇપેન પ્રજાતિનો સાપ જમણા હાથમાં કરડાવે છે. આ ઘટનાના કલાકો પછી તે સંપૂર્ણ સ્વસ્થ છે એવું વિડિયોમાં જોઈ શકાય છે. બબ્બે અત્યંત ઝેરી સાપ કરડ્યા પછી પણ ટિમને કંઈ જ નથી થતું. હા, કંઈ જ નથી થતું એવું શક્ય કઈ રીતે બન્યું? ચાલો જાણીએ.
બન્ને હાથે સાપ કરડાવ્યા પછી ટિમના હાથમાંથી વહેતું લોહી.
ઝેર તો પીધાં છે જાણી-જાણી
મીરાંબાઈનું ભજન ‘ઝેર તો પીધાં છે જાણી-જાણી...’ યાદ અપાવી દે એવું કામ કર્યું છે અમેરિકાના ૫૭ વર્ષના ટિમ ફ્રીડે. મીરાંબાઈએ કૃષ્ણને પામવા માટે મેવાડના રાણાએ મોકલેલો ઝેરનો કટોરો અમૃત સમજીને ગટગટાવી લીધેલો, જ્યારે ટિમભાઈએ તો સાપના ઝેરનું મારણ શોધવાના પ્રયોગ માટે ઝેર પીધું હતું. એ પણ એક-બે વાર નહીં, લગભગ ૭૦૦થી વધુ વાર. એ પછી પણ ટિમભાઈ જીવતા કઈ રીતે છે એની નવાઈ લાગે છેને? એનું કારણ એ છે કે તેણે ધીમે-ધીમે શરીરને ઝેર આપ્યું હતું. ચાણક્ય પણ સમ્રાટ ચંદ્રગુપ્તને દુશ્મનોના વારથી બચાવવા અને કોઈ પણ વ્યક્તિ તેને ઝેર આપીને મારી ન નાખી શકે એ માટે રોજ ચંદ્રગુપ્તને ભોજન સાથે ધીમું ઝેર આપતા હતા. એવું જ કંઈક ટિમભાઈએ પોતાની સાથે કર્યું. લગભગ ૨૦ વર્ષ પહેલાંથી તેણે આ પ્રોજેક્ટની શરૂઆત કરેલી. એમાં અત્યંત સૂક્ષ્મ માત્રામાં સાપનું ઝેર તેણે શરીરમાં દાખલ કરવાનું શરૂ કર્યું. ઓછું ઝેર હોવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ એની સામે લડવા તૈયાર થઈ જતી. શરૂઆતમાં ઝેરનાં લક્ષણો પણ દેખાતાં, પણ અતિ સૂક્ષ્મ માત્રા હોવાને કારણે શરીર ઝેર પચાવી જતું. એ પછી પહેલાં કરતાં સહેજ એક માઇક્રોગ્રામ વધુ ઝેર શરીરમાં દાખલ કરવામાં આવતું. આમ અત્યંત માપી-તોલીને ધીમે-ધીમે ડોઝ વધારતા જઈને લગભગ ૭૦૦ જેટલાં ઝેરના ડોઝ લઈને ટિમનું શરીર એવું થઈ ગયું છે કે અત્યારે વિશ્વના સૌથી ઝેરીમાં ઝેરી કહેવાય એવા ૧૬ પ્રકારના સાપનાં ઝેર પચાવી જઈ શકે છે. સાપના ઝેર સામે ઇમ્યુનિટી બિલ્ડ થતી ગઈ એ પછી ટિમે ડાયરેક્ટ શરીર પર સર્પદંશ ઝીલવાનું પણ શરૂ કર્યું. મોટા ભાગે તે એક સમયે એક જ પ્રકારના સ્નેકનો દંશ લે છે અને એ પછી તેના લોહીમાં પેદા થતાં ઍન્ટિબૉડીઝનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ ઍન્ટિબૉડીઝ એટલાં વર્સેટાઇલ છે કે હવે તે એકસાથે બે અલગ-અલગ પ્રકારના સાપના દંશ ઝીલે તોય તેને કંઈ નથી થતું.
અમેરિકાની સેન્ટિવૅક્સ કંપનીની લૅબોરેટરીમાં ટિમ.
વર્ષોની તપસ્યા રંગ લાવ્યા પછી હવે ટિમ કહે છે, ‘જ્યારે આ પ્રયોગની મારા પર શરૂઆત કરેલી ત્યારે મને વિશ્વાસ નહોતો કે હું માણસોના જીવ બચાવવા માટે મારા જીવનનો સદુપયોગ કરી શકીશ કે નહીં. આ પ્રયોગની શરૂઆતમાં મેં પૉઇઝન પર રિસર્ચ કરી રહેલા અનેક નિષ્ણાતો સાથે આ વિશે વાત કરેલી, પણ કોઈને એમાં રસ નહોતો પડ્યો. તેમને લાગતું હતું કે હું નાહકનો મારા જીવને જોખમમાં મૂકું છું.’
જોકે હવે જ્યારે ટિમના શરીરમાં ફરતું લોહી ઍન્ટિવેનમ ક્ષમતાનો ખજાનો ધરબીને બેઠું છે ત્યારે અનેક સંશોધકોને એમાં રસ પડ્યો છે. જોકે અમેરિકાની સેન્ટિવૅક્સ કંપનીના ફાઉન્ડર જેકબ ગ્લેનવિલ અને તેમની ટીમે ટિમના લોહી પર પ્રયોગો શરૂ કર્યા છે. સંશોધકોનું કહેવું છે કે ટિમના લોહીમાં બે એવા પાવરફુલ ઍન્ટિબૉડીઝ મળ્યા છે જેનો ઉંદરો પર પ્રયોગ કરતાં ઉંદરોને ૧૯ પ્રકારના અત્યંત ખતરનાક ઝેરી સાપોના દંશથી બચાવી શકાયા છે. સામાન્ય રીતે સાપનું ઝેર ન્યુરોટૉક્સિન હોય છે અને નર્વસ સિસ્ટમને જ ડૅમેજ કરીને જીવલેણ બને છે. જોકે ટિમના લોહીમાં જે ઍન્ટિબૉડીઝ છે એ ઝેરની ચેતાતંતુઓ પર અસર કરવાની ક્ષમતાનો સરસ પ્રતિકારક કરી શકે છે.
જાત પર પ્રયોગો કરવાના પૅશનને કારણે તેની પત્ની છોડી ગઈ.
જર્ની શરૂ કઈ રીતે થયેલી?
પાંચ વર્ષની ઉંમરે એક વાર બિનઝેરી સાપ કરડેલો ત્યારે ટિમ અને તેના પેરન્ટ્સ જબરા હાંફળા-ફાંફળા થઈ ગયેલા. એ પછી જ ટિમે નક્કી કરેલું કે સર્પના ઝેર સામે પ્રોટેક્શન ડેવલપ કરવા માટે કંઈક કરવું જોઈએ. અલબત્ત, એ વાત તો સ્ટડીઝના ભારમાં ભુલાઈ ગઈ. લગ્ન પણ થઈ ગયાં અને સંતાનો પણ આવી ગયાં એ પછી તેને એક વાર વીંછી કરડ્યો. એ વીંછીના ડંખની બળતરાએ બાળપણનું પેલું સપનું તાજું કરી દીધું. ૨૦૦૦ની સાલમાં તેણે વીંછીના ઝેર પર કામ કરવાનું શરૂ કર્યું અને પછી તરત જ એની સાથે સર્પદંશના ઝેર પરના પ્રયોગો માટે નાની માત્રામાં ઝેર લેવાનું શરૂ કર્યું. જોકે શરૂઆતના પ્રયોગો ચાલી રહ્યા હતા ત્યારે જ બે કોબ્રા તેને કરડ્યા. પહેલા કોબ્રાનો દંશ તે ખમી ગયો, પણ બીજા દંશે હાલત કફોડી કરી દીધી. શરીર ઠંડું પડી ગયું, આંખોના ડોળા ચડી ગયા અને તે કોમામાં સરી પડ્યો. ચાર દિવસ કોમામાં રહ્યા પછી હૉસ્પિટલમાં તે જાગ્યો ત્યારે તેની પત્ની આવા જીવલેણ પ્રયોગો બદલ ખૂબ ખિજાઈ; પણ આ ભાઈસાહેબે તેને કહ્યું કે ચાહે કંઈ પણ થાય, હું આ પ્રયોગ રોકીશ તો નહીં જ. હા, પૉઇઝનના ડોઝ માટે તે વધુ મેથોડિકલ અને નાપી-તોલીને કામ કરશે. તે કહે છે, ‘મેં પત્ની અને બાળકોને સમય આપવાનું શરૂ કર્યું, પણ મારા પ્રયોગો અટકાવ્યા નથી. જૉબ પરથી ઘરે આવીને પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરીને જ્યારે તેઓ સૂઈ જાય ત્યારે ઘરના ભોંયરામાં જઈને આખી રાત ઝેર પર પ્રયોગો કરતો રહેતો.’
આ જોખમી પ્રયાગોથી કંટાળીને હવે તેની પત્નીએ ડિવૉર્સ લઈ લીધા છે અને તે બાળકોને લઈને જુદી રહેવા જતી રહી છે.
થાકી જ ગયો હતો, પણ...
૨૦૧૭માં બે સાયન્ટિસ્ટોએ તેના લોહીનું સૅમ્પલ સ્ટડી કર્યું, પણ તેમણે એમાંથી ઍન્ટિવેનમ ડોઝ તૈયાર કરવામાં બહુ રસ ન દાખવ્યો. ટિમ થાકી ચૂક્યો હતો. એવામાં સેન્ટિવૅક્સ કંપનીના ફાઉન્ડર ડૉ. જેકબ ગ્લૅનવિલને ટિમના પ્રયોગો વિશે ખબર પડી અને તેમણે સામેથી ટિમનો કૉન્ટૅક્ટ કર્યો. ડૉ. જેકબ આ અભિયાનમાં જોડાયા એ પછી યુનિવર્સલ ઍન્ટિવેનમ બનાવવાનો માનવપ્રયોગ વધુ સાયન્ટિફિકલી અને સિસ્ટમૅટિકલી આકાર પામ્યો. હવે ટિમના દસ મિલીલીટર લોહીમાંથી અબજો ઍન્ટિબૉડીઝ છૂટા પાડીને એમાંથી લાખો ઍન્ટિવેનમ ડોઝ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.