18 September, 2025 12:16 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
ઘણી પત્નીઓ ફરિયાદ કરતી હોય છે કે તેમના પતિને તે ન હોય તો ચાલે પરંતુ તેનો ફોન ન હોય તો ન ચાલે. એ જ રીતે પતિ અને બાળકોની ગેરહાજરીમાં ખાલી સમય વ્યતીત કરવા સોશ્યલ મીડિયાની આદત પાડનારી પત્નીઓને હવે ફોન પતિ અને બાળકોથી છુટકારો આપતો બેસ્ટ ઉપાય લાગવા માંડ્યો છે. ફોનનું મહત્ત્વ એ છે જીવનમાં કે એને બે મિનિટ પણ આપણે ખુદથી અળગો રાખવા માગતા નથી. ઘરેથી નીકળતી વખતે આપણી પાસે કંઈ હોય કે ન હોય, ફોન હોય એટલે ઘણું. એવી જ રીતે ઘરના કોઈ પણ ખૂણે તમે હો, કોઈ પણ કામમાં મશગૂલ હો પણ ફોન તો વ્યક્તિને પાસે જ જોઈતો હોય છે. એક મિનિટ પણ ફ્રી થયા નથી કે વ્યક્તિનો હાથ આપોઆપ ફોન તરફ જતો રહે છે. ફોન પાસે ન હોય તો લોકોને ગભરામણ થવા લાગે છે. એટલે જ ઘણા લોકો પોતાનો ફોન ટૉઇલેટમાં પણ લઈ જવા લાગ્યા છે. ફોન બધે સાથે જ રહેતો હોય તો ટૉઇલેટમાં પણ કેમ નહીં? કોઈ મેસેજ હોય કે ન હોય, ફોન ચેક થયા કરે છે અને બીજું કંઈ હોય કે ન હોય, સ્ક્રોલિંગ તો ચાલ્યા જ કરે છે. બીજું એ કે લોકોને લાગવા માંડ્યું છે કે તેઓ જ્યારે ફોન જોતા હોય ત્યારે તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે. ફોન પર એન્ડલેસ સ્ક્રોલિંગને લોકો મી-ટાઇમમાં ખપાવે છે અને એમાં તેમને કોઈ ડિસ્ટર્બન્સ જોઈતું નથી. ટૉઇલેટથી સારી જગ્યા આ માટે કઈ હોઈ શકે? આ કહેવાતી માનસિક શાંતિને કારણે લોકો ટૉઇલેટ-સીટ પર બેઠાં-બેઠાં સ્ક્રોલિંગ કર્યા કરે છે અને ૨૦ મિનિટથી લઈને પોણો કલાક જેવો સમય ત્યાં વિતાવવા લાગ્યા છે. જોકે તેમને કોઈ આઇડિયા નથી કે આ આદત તેમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે.
રિસર્ચ
PLOS (પબ્લિક લાઇબ્રેરી ઑફ સાયન્સ) ONE જર્નલમાં હાલમાં છપાયેલા બૉસ્ટનના એક રિસર્ચ અનુસાર જે લોકો ટૉઇલેટ-સીટ પર ફોન લઈને બેસી રહે છે અને એને કારણે વધુ સમય ત્યાં વિતાવે છે તેમને આ આદતને કારણે હરસ થવાની શક્યતા વધારે છે. ૧૨૫ વયસ્કો પર થયેલા રિસર્ચમાં દરેક વ્યક્તિની કોલોનોસ્કોપી કરવામાં આવી હતી. તેમની ટૉઇલેટની આદતો, સ્માર્ટફોનનો ઉપયોગ કેવો અને કેટલો કરે છે, ફાઇબર કેટલું લે છે, હાજતે જાય ત્યારે કેટલું જોર લગાડવું પડે છે જેવી ઘણી જાણકારી લેવામાં આવી હતી. આ રિસર્ચરે જાણ્યું કે જે લોકો ટૉઇલેટમાં સ્માર્ટફોન લઈ જાય છે તેમને જે લોકો ફોન અંદર લઈ નથી જતા તેમના કરતાં વધુ સમય લાગે છે જે પાંચ મિનિટથી ઘણો વધુ સમય હોય છે. રિસર્ચરે સાબિત કર્યું કે જે લોકો ફોન સાથે
ટૉઇલેટ-સીટ પર બેસી રહે છે એવા લોકોને પણ જે લોકો ફોન ટૉઇલેટમાં નથી લઈ જતા તેમની સરખામણીમાં હરસ થવાનું રિસ્ક ૪૬ ટકા જેટલું વધુ છે. આમ તો હરસ થવા પાછળનાં કારણો સ્પષ્ટ નથી, પરંતુ મેડિકલ સાયન્સ એટલું જાણી શક્યું છે કે કબજિયાત હોય કે હાજતે જતી વખતે જોર કરવું પડે તો એ પ્રક્રિયા હરસ પાછળ જવાબદાર બને છે. જોકે આ રિસર્ચરનું કહેવું છે કે હરસ પાછળ ટૉઇલેટ પર કેટલો વધુ સમય બેસી રહો છો એ વધુ મહત્ત્વનું બની જતું હોય છે, કારણ કે ટૉઇલેટ પર બેસીને શરીરનું જે પૉશ્ચર બને એ મળાશયની નસો પર નીચે તરફ આવતા પ્રેશરને વધારે છે. જ્યારે લોકો ટૉઇલેટમાં ફોન પર સમય પસાર કરે છે ત્યારે તેમની જેટલી ખૂંધ નીકળે છે એટલી સામાન્ય રીતે નીકળતી નથી જેને કારણે એ નસો પર સોજો આવી જાય છે. રિસર્ચરે લોકોને આગાહ કર્યા હતા અને ટૉઇલેટમાં ફોનને લઈ જવાની સદંતર મનાઈ કરી હતી.
હરસ
હરસને અંગ્રેજીમાં હેમેરોઇડ્સ અથવા પાઇલ્સ કહેવામાં આવે છે. એમાં મળાશયની નીચેના ભાગ અને પૂંઠના ભાગની નસોમાં સોજો આવી જાય છે અને એની સાઇઝ વધે છે. એના બે પ્રકાર છે. એક હરસ બહારની તરફ દેખાય છે જ્યાં બળતરા થાય, ખંજવાળ આવે અને બીજા પૂંઠની અંદર તરફ હોય છે જેમાં લોહી નીકળે છે. લાંબા સમયની કબજિયાત કે ડાયેરિયા, ઉંમર, અયોગ્ય ખોરાકની આદતો, પ્રેગ્નન્સી વગેરેને કારણે હરસ થવાનું રિસ્ક રહે છે એ વર્ષોથી લોકો જાણે છે, પરંતુ આજના યુગની ટૉઇલેટમાં ફોન લઈ જવાની આદતને કારણે લોકોને હરસ થઈ શકે છે એ કોઈ વિચારી શકે નહીં. આ બાબતે સમજાવતાં
ગૅસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ અને લૅપ્રોસ્કોપિક સર્જ્યન ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘વધારે સમય ટૉઇલેટ-સીટ પર બેસી રહેવાને કારણે મળાશય અને પૂંઠ તરફના સ્નાયુઓ નબળા પડે છે. એ જગ્યાની લોહીની નસો પણ નબળી પડતી જાય અને એને કારણે એ ઊપસે એટલે કે સોજા જેવું લાગે. હરસ એક એવી તકલીફ છે જે ધીમે-ધીમે વધતી જાય છે. ગ્રેડ-૧ એટલે કે જેમાં નસો પર સોજો આવે અને ગ્રેડ-૪ જેમાં પાઇલ્સ બહાર આવી જાય અને પૂંઠ બહાર આવીને અટકી જાય. આ પરિસ્થિતિમાં ઇલાજ સર્જરી સુધી લંબાઈ શકે છે. વળી એ અત્યંત પીડાદાયક રોગ છે.’
બીમારી
જ્યારે વ્યક્તિ ફોન લઈને ટૉઇલેટ-સીટ પર બેઠી હોય ત્યારે શું થાય છે એ સમજાવતાં ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘ટૉઇલેટ-સીટ પર માણસ ફક્ત બેઠો રહેતો નથી. તે જે અવસ્થામાં બેસે છે આપોઆપ તે ત્યાં જોર લગાવવા માંડે છે કે બળ આપે છે. જો સ્ટૂલ આ સમયે હાર્ડ હોય તો પૂંઠ પર કટ થઈ શકે છે જેને ફિશર કહેવાય છે. હરસ અને ફિશર એ બન્ને તકલીફ કૉમ્બિનેશનમાં વ્યક્તિને સાથે આવે છે. ૯૦ ટકા દરદીઓમાં આ બન્ને તકલીફો સાથે જ જોવા મળે છે. ઘણી વખત વ્યક્તિને બ્લીડિંગ થતું હોય પણ સમજાય નહીં અને હરસ થયાના ૬ મહિના પછી જ્યારે ખૂબ વધી જાય ત્યારે સમજ પડતી હોય કે નિદાન થયું હોય એવું બને. આમ ફોન ટૉઇલેટમાં ન લઈ જવો, કારણ કે સમસ્યા ક્યારે વિકરાળ સ્વરૂપ લઈને તમારી સામે આવશે એ તમે સમજી નહીં શકો. આ નજીવી દેખાતી આદતને કારણે ડાયર્ટિક્યુલોસિસ જેવી બીમારી જેમાં આંતરડાંમાં ફુગાવો થવાની તકલીફ કે ઍપેન્ડિસાઇટિસ જેવી બીમારી પણ થઈ શકે છે.’
ધ્યાન રાખો
ઘણી વાર એવું થતું હોય છે કે વ્યક્તિ ફોન લઈને જાય કે નહીં, સ્ટૂલ પાસ કરવામાં સમય તો લાગે જ છે, કારણ કે આ વ્યક્તિઓમાં STC એટલે કે સ્લો ટ્રાન્સિટ કૉન્સ્ટિપેશનની તકલીફ જોવા મળે છે. STC એટલે આંતરડાંની એવી સમસ્યા જેમાં સ્ટૂલ પાસ થવામાં વાર લાગે જેને કારણે સતત જોર કરવું પડે. જો તમને એકસાથે સ્ટૂલ પાસ ન થતું હોય, વારંવાર જવું પડતું હોય, વધુ વાર બેસવું પડતું હોય તો આ તકલીફ છે એમ સમજી શકાય. એને સહન કરવાને બદલે એનો ઇલાજ કરાવવો જરૂરી છે.
ફક્ત પાંચ મિનિટ
વિજ્ઞાન કહે છે કે તમને હાજતે જતાં ફક્ત પાંચ મિનિટ જ થવી જોઈએ. એનાથી વધુ સમય લાગવો જોઈએ નહીં, કારણ કે એટલા સમયમાં મળ બહાર આવી જાય છે. જો એનાથી વધુ સમય લાગે તો સમજવું કે આદતો બદલવાની જરૂર છે અને પાચન પર ધ્યાન આપવાની જરૂર છે. પાંચ મિનિટથી વધુ સમય જો પૉટીમાં જતો હોય તો તમે હેલ્ધી નથી. જો તમને પાંચ મિનિટમાં મોશન પાસ ન થાય તો બેસી ન રહો. ત્યાંથી ઊઠી જાઓ. બેસી રહેવાથી, જોર આપવાથી તકલીફમાં વધારો થશે.
શારીરિક નહીં, માનસિક પણ
ટૉઇલેટ-સીટ પર બેસી રહેતા લોકો વિશે જણાવતાં ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘જે લોકો ટૉઇલેટ-સીટ પર વધુ સમય વિતાવે છે તેમને કોઈ ને કોઈ સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ જરૂર જોવા મળે છે. પેટ સાફ નથી થયું એ શારીરક કરતાં માનસિક પ્રૉબ્લેમ છે. ઘણી વાર કાઉન્સેલિંગ કે મૂડ-એલિવેટર મેડિસિન આમાં ઘણી મદદ કરે છે. આવા દરદીઓ મોબાઇલ સાથે કે મોબાઇલ વગર બન્ને પરિસ્થિતિમાં વધુ સમય ટૉઇલેટ-સીટ પર વિતાવે છે, કારણ કે કોઈ મૂંઝવણ, કોઈ સ્ટ્રેસ કે એક પ્રકારનું ડિપ્રેશન તેમને સતાવતું હોય છે. કોઈ પણ તકલીફની જડ સુધી જઈએ તો દેખાય કે કારણો ઘણાં જુદાં પણ હોઈ શકે છે. કોઈ પણ રોગના મૂળમાં શરીર જ તકલીફનું કારણ નથી હોતું, મન પણ હોય છે એ સમજવું જરૂરી છે.’