26 January, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણી ગંભીર બીમારીઓ જો શરૂઆતના તબક્કામાં પકડાઈ જાય તો એમની સારવાર ઘણી સરળ બને છે. લોકો ઘણી વાર એવું વિચારીને તપાસ ટાળે છે કે એનાં લક્ષણો એટલાં ગંભીર નથી, પરંતુ આ ભૂલ ભારે પડી શકે છે. ૨૦૨૬માં સ્વસ્થ રહેવા માટે હેલ્થ-એક્સપર્ટ્સ દ્વારા શૅર થયેલા નીચે મુજબના પાંચ નિયમો વિશે જાણી લો અને તાત્કાલિક તમારા રૂટીનમાં એમને સામેલ કરો.
કૅન્સર જેવા ગંભીર રોગોને વહેલા ઓળખવા માટે ઘેરબેઠાં નિયમિત તપાસ કરવી જરૂરી છે. સ્તન અને અંડકોષની જાતે તપાસ, શરીરમાં અચાનક દેખાતી ગાંઠો, સતત રહેતો દુખાવો, મળત્યાગની ટેવમાં ફેરફાર અથવા અસામાન્ય રક્તસ્રાવ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. આ તપાસમાં માત્ર થોડી મિનિટો લાગે છે, પરંતુ એ સમસ્યા વધતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવામાં મદદરૂપ બને છે.
ઉંમર વધવાની સાથે હૃદય, લિવર, કિડની અને ફેફસાંની કાર્યક્ષમતા ઘટતી જાય છે. આ અંગોને સુરક્ષિત રાખવા માટે બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ અને બ્લડ-શુગરને નિયંત્રિત રાખવાં જરૂરી છે. આ સિવાય આલ્કોહૉલ મર્યાદિત કરવો, પૂરતું પાણી પીવું અને ધૂમ્રપાન છોડવું અત્યંત ફાયદાકારક છે. લોહીની નિયમિત તપાસ કરાવવાથી અંગો પર પડતા દબાણને લક્ષણો દેખાય એ પહેલાં જ જાણી શકાય છે.
ઊંઘ કોઈ મોજશોખની વસ્તુ નથી પરંતુ શારીરિક જરૂરિયાત છે. પૂરતી ઊંઘ ન લેવાથી હૃદયરોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે. સૂવાના સમયનું ચોક્કસ પાલન કરવું, સૂતા પહેલા મોબાઇલ કે ટીવી જેવી સ્ક્રીનથી દૂર રહેવું અને નસકોરાં જેવી સમસ્યાઓ પર ધ્યાન આપવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
શરીરના દરેક કાર્યમાં પાણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ કિડનીની કાર્યક્ષમતા, પાચન અને મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે. પાણીની અછતને કારણે થાક, માથાનો દુખાવો અને અંગો પર તાણ વધી શકે છે. પાણી પીવાનું યાદ રાખવા માટે નિશાનવાળી બૉટલનો ઉપયોગ કરી શકાય છે, જેથી ખ્યાલ આવે કે તમે દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણી પીધું છે કે નહીં.
ઘણી બીમારીઓ શરીરમાં કોઈ સંકેત આપ્યા વગર વિકસતી હોય છે. વાર્ષિક હેલ્થ ચેકઅપ, કૅન્સર સ્ક્રીનિંગ અને અન્ય મેટાબૉલિક ટેસ્ટ કરાવવાથી ગંભીર સમસ્યાઓ થાય એ પહેલાં જ એને અટકાવી શકાય છે. તબિયત સારી હોવી એનો અર્થ એ નથી કે શરીર અંદરથી પણ સંપૂર્ણ સ્વસ્થ છે. નિયમિત તપાસથી માનસિક શાંતિ પણ મળે છે.