માઇન્ડસેટનો મોટો રોલ વેઇટલૉસ જર્નીમાં

17 November, 2025 03:20 PM IST  |  Mumbai | Heena Patel

વજન ઘટાડવાની શારીરિક પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં પોતાના દિમાગને તૈયાર કરવું ખૂબ જરૂરી છે. યોગ્ય માઇન્ડસેટ વિકસિત કરવું એટલું જ જરૂરી છે જેટલી ડાયટ અને એક્સરસાઇઝ, કારણ કે જો તમારા વિચારો નહીં બદલાય તો આદતો પણ બદલાશે નહીં

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકો માને છે કે વજન ઘટાડવું હોય તો મજબૂત ઇચ્છાશક્તિ જોઈએ, પરંતુ સર્જરી અને સેલ્ફ-ડિસિપ્લિનથી ૭૦ કિલો વજન ઘટાડનાર કેટ ડૅનિયલ નામની મહિલાનો અનુભવ કંઈક અલગ જ કહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં કહ્યું છે, ‘મને હંમેશાં એમ લાગતું હતું કે હું કન્સિસ્ટન્ટ એટલા માટે નથી રહી શકતી કારણ કે મારામાં પૂરતી ડિસિપ્લિન નથી. પછી મને સમજાયું કે ખરેખર સમસ્યા મારી વિચારસરણીમાં હતી. હું સતત પોતાની જાતને નકારાત્મક સંદેશ આપતી હતી : આ બધાનો શું ફાયદો છે? આવતી કાલે ફરી ભારેભરખમ શરીર સાથે જ ઊઠવાનું છે. આવા વિચારોને કારણે મારા મગજને એવો સંદેશ મળતો હતો કે જો તરત પરિણામ ન મળે તો મહેનત બેકાર છે. હું જ્યારે વૉક પર જતી, સ્વસ્થ ખોરાક લેતી કે ફરીથી નવી શરૂઆત કરતી ત્યારે અંદરથી એ જ વિશ્વાસ નહોતો કે કંઈ બદલાશે. દરેક કામમાં જેમ કે ઘર સાફ કરવું હોય, પ્રોજેક્ટ પૂરા કરવા હોય કે પ્રેશર હૅન્ડલ કરવું હોય તો દરેક કામમાં આ વિચારવાની પૅટર્ન દેખાતી કે જો તરત પરિણામ ન મળે તો પ્રયત્ન બંધ. એ વખતે મને સમજાયું કે આ વિલપાવરનો પ્રૉબ્લેમ નથી, પણ આઇડેન્ટિટીનો પ્રૉબ્લેમ છે. સાતત્ય મોટિવેશનથી નથી આવતું. મોટિવેશનમાં તો એક દિવસ ઉત્સાહ આવે અને બીજા દિવસે ઓસરી પણ જાય. કન્સિસ્ટન્સી એવિડન્સ પરથી બને છે. તમે સતત નાનાં-નાનાં પગલાં લો. જેમ કે રોજ થોડું ચાલવું, યોગ્ય ખોરાક લેવો, નિયમિતતા રાખવી તો તમારું મગજ એ જોઈને એમાં વિશ્વાસ કરે છે કે હા, હું પ્રયત્નશીલ વ્યક્તિ છું. તમારું મગજ એ જ માનવા લાગે છે જે તમે એને વારંવાર તમારા વર્તનથી બતાવો છો.’

નાનાથી શરૂઆત કરો

૧. થાકેલા હો ત્યારે પણ ૧૦ મિનિટ ચાલો.

૨. સૂતાં પહેલાં તમારું પ્રોટીન-સ્નૅક તૈયાર કરો. ભલે એ કામ નિરર્થક લાગે.

૩. થોડું રોકાઈને વિચારો કે જે વાત તમે મનમાં રિપીટ કરી એ તમને આગળ વધારી રહી છે કે પાછળ ખેંચી રહી છે?

આ નાનાં-નાનાં પગલાંઓ અને જાગરૂકતા સાબિત કરે છે કે તમે એવી વ્યક્તિ છો જે પોતાનું કામ પૂરેપૂરું કરે છે અને એ જ રીતે કન્સિસ્ટન્સી ડેવલપ થાય છે.

માઇન્ડસેટ કેમ જરૂરી?

વેઇટલૉસમાં માઇન્ડસેટ કેટલું મહત્ત્વનું છે એ વિશે ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર વિગતવાર માહિતી આપતાં કહે છે, ‘વેઇટલૉસ ફક્ત કૅલરી, વર્કઆઉટ અને વિલપાવરનો ખેલ નથી. એ બધાથી ઉપર તમારું માઇન્ડસેટ છે જે તમને લૉન્ગ-ટર્મ રિઝલ્ટ સુધી પહોંચાડે છે. આપણે જ્યારે વેઇટલૉસની વાત કરીએ છીએ ત્યારે ફક્ત વજન ઘટાડવાની જ નહીં, વેઇટલૉસ મૅનેજમેન્ટ પર વાત કરવી પણ જરૂરી છે. વજન ઘટાડવું ઈઝી છે, પણ એને મેઇન્ટેઇન કરવું એ જ અસલી પડકાર છે. આ પૂરી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તમારું માઇન્ડસેટ. જો તમારું દિમાગ કોઈ પણ બદલાવને અપનાવવા માટે તૈયાર છે તો પૂરી પ્રક્રિયા સરળ લાગવા લાગે છે, પણ જો તમારું માઇન્ડસેટ જ તૈયાર નથી તો તમને વેઇટ-મૅનેજમેન્ટ જર્નીમાં અનેક અડચણોનો અનુભવ થશે. કદાચ શરૂઆતમાં તમે કેટલાક કિલો વજન ઓછું કરી લો, પણ આગળ જઈને વજનને સ્થિર રાખવાનું મુશ્કેલ થઈ જશે. ઘણા લોકો એવા હોય છે જેઓ અચાનક એક દિવસ એવું નક્કી કરે લે કે આજથી હું વજન ઘટાડવાની શરૂઆત કરીશ, પણ તેમણે તેમના દિમાગને એ બદલાવ માટે તૈયાર થવાનો સમય જ નથી આપ્યો. માઇન્ડને તક જ નથી આપી કે તે એ બદલાવને ઈવૅલ્યુએટ, ઍનલાઇઝ અને ઍક્સેપ્ટ કરી શકે. જ્યારે તમે વગર માનસિક તૈયારીએ કોઈ સ્ટ્રિક્ટ ડાયટ કે મોટા બદલાવની શરૂઆત કરો તો તમારું બ્રેઇન એને થ્રેટ એટલે કે ખતરાની જેમ જુએ છે. બૉડીને લાગે છે કે એના પર કોઈ પ્રકારનો દબાવ કે રિસ્ટ્રિક્શન નાખવામાં આવી રહ્યું છે. એનાથી શરીર સ્ટ્રેસ-મોડ પર ચાલ્યું જાય છે. એવામાં ન તો તમે લાંબા સમય સુધી ડાયટ પર ટકી શકો છો અને ન તમને એ ફાયદો મળે જે મળી શક્યો હોત. એટલે વેઇટલૉસની શરૂઆત શરીરથી નહીં, દિમાગથી કરો. પહેલાં તમારા બ્રેઇનને વિશ્વાસમાં લો કે આ બદલાવ તમારા માટે સુરક્ષિત, સકારાત્મક અને જરૂરી છે. જ્યારે તમારું માઇન્ડ તૈયાર થશે ત્યારે તમારું બૉડી પણ એ દિશામાં સાથ આપશે.’

બ્રેઇન રેડી ન હોય તો શું થાય?

જ્યારે આપણે માનસિક તૈયારી વગર સ્ટ્રિક્ટ ડાયટ કે અચાનક રિસ્ટ્રિક્શન શરૂ કરીએ ત્યારે આપણું દિમાગ એને ખતરાની જેમ અનુભવે છે, માઇન્ડ સ્ટ્રેસ-મોડમાં ચાલ્યું જાય છે અને શરીરને સિગ્નલ આપે છે કે હવે એને ઊર્જાની બચત કરવાની છે એમ જણાવતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘આ સ્થિતિમાં શરીર સર્વાઇવલ મોડ પર ચાલ્યું જાય છે, જેનાથી મેટોબોલિઝમ ધીરે-ધીરે સ્લો થઈ જાય છે. મેટાબોલિઝમના સ્લો થવાનો મતલબ એ છે કે શરીર હવે દિવસભર જેટલી કૅલરી સામાન્ય રીતે બર્ન કરે છે એને ખર્ચ કરવાની જગ્યાએ કન્ઝર્વ કરવા લાગે છે. દરેક વ્યક્તિનું એક BMR (Basal Metabolic Rate) હોય છે એટલે કે શરીરને ન્યુનતમ કાર્યો માટે આવશ્યક કૅલરીની માત્રા. જ્યારે શરીર થ્રેટ-મોડમાં જાય છે ત્યારે એ ઊર્જાને બચાવવા લાગે છે જેથી એ ભૂખ અથવા સ્ટ્રેસની સ્થિતિમાં પોતાને સુર​િક્ષત રાખી શકે. આ જ સમયે હૉર્મોનનું અસંતુલન પણ શરૂ થાય છે. ઘ્રેલિન જેને હંગર હૉર્મોન કહેવાય એ વધી જાય છે, જેનાથી ભૂખ અને ખાવાની ઇચ્છા વધી જાય છે - ખાસ કરીને હાઈ શુગર અને ફૅટવાળું કમ્ફર્ટ ફૂડ ખાવાની. સાથે જ લેપ્ટિન એટલે કે સટાયટી હૉર્મોન ઘટી જાય છે, જેનાથી પેટ ભરાયા પછી પણ સંતુષ્ટિ નથી મળતી. એને કારણે વ્યક્તિ ઓવરઈટિંગ કરવા લાગે છે અને વજન ફરીથી વધવા લાગે છે. એટલે જ્યારે પણ કોઈ નવો લાઇફસ્ટાઇલ ચેન્જ લાવવાનો હોય ત્યારે દિમાગને એ અપનાવવા માટે સમય લાગે. બ્રેઇન તરત એ બદલાવને ઍક્સેપ્ટ નથી કરતું. એને સમજવા, પ્રોસેસ કરવા અને નવી આદતોને અપનાવવામાં થોડો સમય લાગે છે. એટલે તમારો અપ્રોચ જબરદસ્તીવાળો નહીં પણ સંતુલિત અને ક્રમશ: હોવો જોઈએ. જો તમે ધીરે-ધીરે નાના પણ સ્થાયી બદલાવ કરો છો તો તમારું દિમાગ એને નિયંત્રણ કે વંચિતતાના રૂપમાં નથી લેતું. એ અનુભવે છે કે આ એક નૅચરલ અને પૉઝિટિવ બદલાવ છે. જ્યારે માઇન્ડને આ સુરક્ષાનો અનુભવ થાય છે કે એની પાસેથી કંઈ છીનવાઈ નથી રહ્યું, પરંતુ એને સારી દિશામાં લઈ જવામાં આવી રહ્યું છે તો એ સ્ટ્રેસ મોડમાં નથી જતું. આવી સ્થિતિમાં તમે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલને માઇન્ડફુલી એન્જૉય કરી શકો છો. તમે નવી હેલ્ધી આદતોને અપનાવીને ખુશી અનુભવો છે, ત્યાગનો ભાવ નહીં. આ રીતે જ્યારે તમારું દિમાગ અને શરીર બન્ને એકસાથે સંતુલનમાં કામ કરે ત્યારે બદલાવ ટકાઉ બને છે અને વેઇટલૉસ કે હેલ્ધી લાઇફસ્ટાઇલ ફક્ત એક ટેમ્પરરી ટાર્ગેટ નહીં પણ નવી સહજ જીવનશૈલી બની જાય છે.`

આ રીતે કરો માઇન્ડને પ્રિપેર

રિયલિસ્ટિક ગોલ સેટ કરો. જેમ કે મહિનામાં બે કિલો વજન ઘટાડીશ. આ ગોલ તમારા દિમાગને ભરોસો અપાવશે કે આ બદલાવ સંભવ છે.

બદલાવને ઇનામ સમજો, સજા નહીં. ડાયટ શરૂ કરવી કે કેટલીક વસ્તુઓ ખાવાનું અવૉઇડ કરવું સજા નથી, પણ શરીર અને સ્વાસ્થ્ય માટે ગિફ્ટ છે. જ્યારે માઇન્ડ એને પૉઝિટિવ રીતે જુએ છે તો એને ડર નથી લાગતો

સેલ્ફ-ટૉક કરો : હું મારા શરીરને જાળવી રહ્યો છું; મને ઝડપી નહીં, પણ સ્થાયી બદલાવ જોઈએ છે. આવી વાતો દિમાગને સકારાત્મકતાનો અનુભવ કરાવે છે.

એકસાથે બધા જ બદલાવ લાવવાનો પ્રયત્ન ન કરો. નાની-નાની વસ્તુઓથી શરૂઆત કરો જેથી માઇન્ડ અને બૉડી
ધીરે-ધીરે એને અનુકૂળ થઈ શકે.

સ્ટ્રેસ-મૅનેજમેન્ટ કરતાં શીખો, કારણ કે સ્ટ્રેસફુલ દિમાગ હંમેશાં કમ્ફર્ટ ફૂડની તરફ દોડે છે.

પ્રોસેસ પર ભરોસો રાખો. પોતાની જાતને યાદ અપાવો કે વેઇટલૉસ એક રિઝલ્ટ નથી, એક જર્ની છે. જ્યારે તમારું માઇન્ડ આ સફરને એન્જૉય કરવાનું શીખી જાય છે ત્યારે કન્સિસ્ટન્સી આપોઆપ આવી જાય છે.

healthy living health tips columnists exclusive