રકુલ પ્રીત સિંહે ગળામાં લગાવેલો વેલનેસ પૅચ શું છે?

15 September, 2025 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રકારનો પૅચ વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં કામની પ્રોડક્ટ છે. એ લગાવવાથી આરોગ્ય તો સુધરે છે, દવા વિના હીલિંગ પ્રોસેસ ઝડપી બને છે અને શરીરમાં ઊર્જા વધે છે

રકુલ પ્રીત સિંહે ગળામાં લગાવેલો વેલનેસ પૅચ

થોડા સમય પહેલાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ મુંબઈ ઍરપોર્ટ પર દેખાઈ હતી ત્યારે તેની ગરદન પર લગાવેલા સફેદ કલરના નાના પૅચે ધ્યાન ખેંચ્યું હતું. આ પૅચ એક પ્રકારની વેલનેસ પ્રોડક્ટ છે, એને લગાવવાથી શરીરની અંદરના કુદરતી કોષોને ઍક્ટિવેટ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. કોઈ પીડા કે ઝંઝટ વપર વાપરી શકાય એવી આ વેલનેસ પ્રોડક્ટને લગાવવાથી આરોગ્ય સુધરે છે અને દવા કે શરીરમાં કોઈ પણ જાતની કાપકૂપ કર્યા વિના હીલિંગ પ્રોસેસ ઝડપી બને છે તથા શરીરમાં ઊર્જા વધે છે. વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં આવા પૅચને લાઇફવેવ X39 પૅચ કહેવાય છે જે અત્યારે એના ગુણોને કારણે હેલ્થ અને વેલનેસ ટ્રેન્ડ તરીકે લોકપ્રિય બની રહ્યો છે.

પૅચ વિશે જાણવા જેવું

આ પૅચમાં પેટન્ટ ફોટોથેરપી ટેક્નૉલૉજી વપરાય છે જે શરીરની હીલિંગ પ્રોસેસને નરમાઈથી સક્રિય કરે છે. એના કેટલાક ફાયદાઓ પણ છે. કસરત દરમિયાન પર્ફોર્મન્સ સુધારવામાં મદદરૂપ થાય છે. શરીરની તાકાત અને સ્ટૅમિના વધારવા માટે પણ આ નાનોઅમથો પૅચ કારગત નીવડે છે ત્યારે દવા કે કૅમિકલ્સ વગર આરોગ્ય માટે ઉપયોગી સાબિત થાય છે. આ પૅચ ગળાના પાછળના ભાગમાં ચોંટાડવો જરૂરી નથી. એને હાથના કાંડા, છાતી કે પીઠ પરની ત્વચા કે ખભાની પાછળના ભાગમાં ચોંટાડી શકાય. જો આમાંથી કોઈ એક જગ્યાએ ઈજા પહોંચી હોય કે ખંજવાળ અથવા ઇરિટેશન થતું હોય તો એ જગ્યાએ લગાવવું નહીં. ક્લીન અને ડ્રાય સ્કિન પર જ આ પૅચ લગાવવો. એક પૅચ ૨૪ કલાક સુધી જ રહે એટલે એક દિવસ પૂરો થાય એટલે એને રિપ્લેસ કરવો જોઈએ. દરરોજ એક જ સમયે પૅચ લગાવવો. સવારનો સમય સારો હોય છે કારણ કે આ સમયે લગાવવાથી આખો દિવસ એનર્જેટિક રહે છે. એનો ઉપયોગ પણ એકદમ સરળ છે. વજનમાં હલકો અને નજરે ન ચડે એવો હોવાથી એ કપડાંની અંદર સરળતાથી પહેરી શકાય. એક બૉક્સમાં ૩૦ પૅચ હોય છે અને ભારતમાં આ એક બૉક્સની કિંમત આશરે ૨૦,૦૦૦ જેટલી હોય છે.

healthy living health tips lifestyle news life and style columnists exclusive