24 November, 2025 09:46 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
હેલ્ધી લાઇફસ્ટાઇલ કેટલાક માટે હવે વળગણરૂપ બની રહી છે. દરરોજ આટલાં સ્ટેપ્સ તો ચાલવાનું જ કે પ્રાણ જાય તો ભલે જાય પણ ઘઉં તો નહીં જ ખાવાના કે ડાયટમાં ફ્રૂટ્સ અને કાચી શાકભાજી સિવાય કંઈ નહીં ખાવાનું કે દરરોજ નવા નુસખા સાથે શરીરને ડીટૉક્સ કરવાનું. નિષ્ણાતો માને છે કે વેલનેસ માટેનું આવું ઑબ્સેશન પણ એક સમસ્યા છે જે બગડેલી મેન્ટલ હેલ્થનું અથવા બગડી રહેલી મેન્ટલ હેલ્થનું પ્રમાણ હોઈ શકે છે. વેલનેસ ટ્રૅપ તરીકે પૉપ્યુલર થઈ રહેલો આ કન્સેપ્ટ શું છે, કઈ રીતે એ જોખમી છે અને એનો ઉકેલ શું એ વિશે એક્સપર્ટ સાથે વાત કરીએ...
મને તો દિવસનાં દસ હજાર સ્ટેપ્સ ન ચાલું ત્યાં સુધી ચેન જ ન પડે. ગયા અઠવાડિયે મને ૧૦૪ તાવ હતો અને ઊભા થવાની તાકાત નહોતી તો પણ હું ચાલવા તો ગઈ જ. માંદા પડવાથી રૂટીનને બ્રેક ન લાગવી જોઈએ. માંડ-માંડ ચાલવાનું શરૂ થયું છે એટલે હવે તો છેલ્લા શ્વાસ સુધી રોજનાં દસ હજાર સ્ટેપ્સમાં બ્રેક નહીં પડવા દઉં.
તમને ખબર છે કે છેલ્લા એક મહિનામાં હું વીસ મૅરથૉન દોડી આવ્યો છું. એમાંથી પાંચ તો આઉટ ઑફ ઇન્ડિયામાં હતી. અત્યારે મારો ટાર્ગેટ છે કે એક વર્ષમાં ૨૦૦ મૅરથૉન દોડવી.
છેલ્લા છ મહિનાથી બહારની એક વસ્તુ મેં મોઢામાં નથી નાખી. જ્યાં પણ જાઉં ત્યાં ખાવાનું અને પાણી મારી સાથે હોય. પ્લસ ફ્રાઇડ આઇટમ ટોટલી બંધ છે. દિવસમાં માત્ર એક વાર કાચી શાકભાજી અને ફળો ખાઉં છું. અઠવાડિયામાં ત્રણ દિવસ તો માત્ર લીંબુપાણી પર રહું છું એટલે ફુલ બૉડી ડીટૉક્સ થઈ જાય.
આજકાલ આવી વાતો કરીને કૉલર ટાઇટ કરનારા લોકો તમને સરળતાથી મળી જશે. વેલનેસ ટ્રેન્ડિંગ છે અને વેલનેસ માટે સક્રિય લોકો એ આખી વાતને અભિમાન સાથે દર્શાવતા હોય છે. હું તો દરરોજ યોગ કરું છું કે હું સંપૂર્ણ હેલ્ધી ખાઉં છું ને હું નિયમિત જિમમાં બે કલાક ટ્રેઇનિંગ લઉં છું વગેરે-વગેરે વાતોનો દેખાડો વધ્યો છે. સોશ્યલ મીડિયા પર આવા રૂટીન સાથે સંકળાયેલી પોસ્ટ મૂકવાનું ચલણ વધ્યું છે તો સાથે એને અનુસરનારા લોકોનું પ્રમાણ પણ વધ્યું છે. વર્ષો પહેલાંની કપડાં ધોવાના સાબુની ઍડનો ડાયલૉગ તમને યાદ છે, ‘ભલા ઉસકી સાડી મેરી સાડીને સફેદ કૈસે?’ જેવો ઘાટ હવે વેલનેસ અને ફિટનેસ ઍક્ટિવિટીમાં દેખાઈ રહ્યો છે. તે મારા કરતાં વધુ મૅરથૉન કેવી રીતે દોડી શકે? હેલ્ધી રહેવાની બાબતમાં પણ હવે સ્પર્ધા આવી છે, પરંતુ આ સ્પર્ધા હેલ્ધી નથી. એ માત્ર મેન્ટલ હેલ્થ જ નહીં પણ ફિઝિકલ હેલ્થ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.
હેલ્થનું ઑબ્સેશન અનહેલ્ધી
શું કામ દરરોજ કેટલાં સ્ટેપ્સ ચાલ્યા કે કેટલા સમય માટે મેડિટેશન કર્યું એ ગણતરી જોખમી છે એ વિશે અગ્રણી સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘લગભગ આઠ અબજ લોકોથી બનેલા આ વિશ્વમાં દરેકેદરેક વ્યક્તિ ડિફરન્ટ છે. તેમનું ફિઝિકલ અને મેન્ટલ બંધારણ જુદું છે એટલે તેમના શરીર અને મનની જરૂરિયાત પણ જુદી છે. એવા સમયે તમે અનક્વૉલિફાઇડ વ્યક્તિઓની સોશ્યલ મીડિયા પર વાતો સાંભળીને કે દેખાદેખીમાં તમારા શરીરની જરૂરિયાતને સમજ્યા વિના કંઈક કરવા મંડી પડો તો એની આડઅસર નિશ્ચિત છે. સંસ્કૃતમાં કહેવાય છેને કે અતિ સર્વત્ર વર્જયેત, એ વાત સાવ સાચી છે. ફિટનેસ ઍક્ટિવિટી કે ડાયટનો અતિરેક જોખમી છે અને એમાં અટકી જવામાં જ સાર છે. વેલનેસનો અર્થ છે જે તમારા તન અને મનની ખુશીને વધારે. એ પેઇનફુલ નહીં, જૉયફુલ ઍક્ટિવિટી હોવી જોઈએ.’
સ્વભાવ જવાબદાર
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘કાકા નહાય નહીં અને નહાય તો લોહી કાઢે.’ એટલે કાં તો હેલ્થને લઈને સાવ બેદરકાર રહેવું અથવા તો અતિશય દરકાર કરવી. ડૉ. હરીશ શેટ્ટીની દૃષ્ટિએ આ બન્ને બાબતો જોખમી છે. તેઓ કહે છે, ‘માનસશાસ્ત્રમાં આ પ્રકારની પર્સનાલિટીને બિન્જ પર્સનાલિટી કહેવાય છે. જેઓ અંતિમ પર હોય તેમનું બધું જ અતિરેકના સ્તરે હોય. જે કરે એ ઓવર જ કરે. ડ્રાયફ્રૂટ્સ ખાવા બેઠા હોય તો એક કિલો એકસામટાં ખાઈ જાય. દારૂ પીએ તો આખી બૉટલ ગટકાવી જાય. કંઈ પણ કરશે તો ઍક્સેસિવ કરશે. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો અતિરેક કરો છો ત્યારે એનાં જોખમો તો હોય જ છે. શરૂઆતમાં જ્યારે નવું-નવું કરતા હો ત્યારે એ દિશામાં ફોકસ હોય તો સમજાય, પરંતુ પછી એમાં સંતુલન આવવું જોઈએ. પેન્ડ્યુલમ છેડા પરથી પછી મધ્યમાં આવતું જ હોય છે. વેલનેસમાં પણ પેન્ડ્યુલમનું એ સંતુલન મહત્ત્વનું છે.’
કોનું સાંભળો છો તમે?
વેલનેસ મહત્ત્વની બાબત છે અને એમાં આંધળું અનુકરણ જોખમી છે. ડૉ. હરીશ કહે છે, ‘આપણા દેશમાં ક્રિકેટ, પૉલિટિક્સ અને મેન્ટલ હેલ્થની બાબતમાં બધા જ પોતાને એક્સપર્ટ માને છે. આજકાલ સોશ્યલ મીડિયા પર બની બેઠેલા વેલનેસ એક્સપર્ટ્સ દ્વારા દર થોડા દિવસે વેલનેસ ચૅલેન્જ, ડીટૉક્સ વીક કે વિવિધ વેલનેસ ડિવાઇસનો એટલો મારો ચાલ્યો છે કે દરેકને પોતે હેલ્થ માટે જે કરી રહ્યા છે એ ઓછું જ લાગે. એમાં જ જોઈ-જોઈને જાતે-જાતે ડાયટ શરૂ કરનારા, વિટામિન્સની ગોળીઓ શરૂ કરનારા ખરેખર ક્વૉલિફાઇડ લોકો પાસે જવાનું પણ મહત્ત્વપૂર્ણ નથી ગણતા. તમે સોશ્યલ મીડિયા પર જોઈને એક્સરસાઇઝ કરો કે એના આધારે કોઈ અણઘડ ટ્રેઇનર પાસે જઈને વજન ઘટાડવાની કે અમુક મસલ્સ બનાવવાની હોડમાં લાગો ત્યારે બહુ જ મોટું ફિઝિકલ રિસ્ક લેતા હો છો. તમે વિચારો, કેટલી મોટી માત્રામાં લોકો જિમમાં હાર્ટ-અટૅકનો ભોગ બને છે. આજકાલ મૅરથૉનનું એક જુદું વળગણ લાગ્યું છે. એનું પ્રમોશન વધ્યું છે અને એને જ કારણે ઘણા લોકો દેખાદેખીમાં કે પ્રેશરમાં આવીને દોડવાનું શરૂ કરી દે છે. કેટલાય લોકો મૅરથૉનમાં મૃત્યુ પામ્યા છે. એટલે અહીં બે વાત છે. એક તો તમે ફિઝિકલ રિસ્ક ઊભું કરો છો અને બીજી બાજુ મેન્ટલ પ્રેશર સાથે આગળ વધો છો. એટલે વેલનેસ, જે તમારા આનંદ અને બહેતર સ્વાસ્થ્યનો વિષય છે, એ ચિંતા અને નવા હેલ્થ-રિસ્કનો વિષય બની જાય છે.’
તો શું હોવું જોઈએ...
સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી એક મજાની વાત કરે છે કે તમારા અંતરમાં રહેલા વૅક્યુમને તમે માત્ર વેલનેસની દોડથી ભરી નહીં શકો. એના માટે તમારે દરેક ફ્રન્ટ પર કામ કરવું પડશે. વધુ સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, ‘ઘણા લોકો દુનિયા સામે પોતાની સેલ્ફ-વર્થ એટલે કે સ્વની ક્ષમતા વધારવા માટે વેલનેસ પાછળ આંધળી દોટ લગાવતા હોય છે. જોકે અંદરના ખાલીપાને માત્ર વેલનેસથી ભરી નહીં શકાય. તમારી વેલનેસ માત્ર સારી લાઇફસ્ટાઇલ કે એક્સરસાઇઝ સાથે નહીં પણ તમારા સંબંધો સાથે પણ જોડાયેલી છે. હેલ્ધી ડાયટ અને હેલ્ધી એક્સરસાઇઝની સાથે હેલ્ધી કનેક્શન મહત્ત્વનાં છે. તમારો તમારા પરિવારજનો સાથેનો વહેવાર, તમારા ઑફિસના કલીગ સાથેનો વ્યવહાર, તમારા આડોશીપાડોશી સાથેના તમારા ટર્મ્સ, તમારા ઘરમાં આવતી કામવાળી બાઈ કે ઈવન તમારી સોસાયટીના વૉચમૅન સાથે પણ સહજતા ને મધુરતા હોય કે તમે પ્રવાસ કરતા હો ત્યારે સહપ્રવાસી સાથે સૌહાર્દ હોય એ બધા સાથે તમારી વેલનેસ જોડાયેલી છે. પત્ની તાવમાં પડી હોય અને હસબન્ડ તેને પડતી મૂકીને પોતાના રનિંગના રૂટીનને પ્રાધાન્ય આપે તો એ તમારી વેલનેસને નહીં વધારે. એક દિવસ દોડવામાં બ્રેક લઈને તમે તેને સમય આપશો તો ડેફિનેટલી એનાથી તમારી વેલનેસ સુધરશે. યાદ રહે, અંદરથી તમે થાકેલા, ત્રાસેલા, બધી બાજુ ચાલતા પૉલિટિક્સથી ગિન્નાયેલા, હોપલેસ અને બધાથી અતડા થઈને રહેતા હશો અને પછી દુનિયાભરની એક્સરસાઇઝ અને ડાયટ કરતા હશો તો એ હેલ્પ નહીં કરે પણ એ સ્ટ્રેસ નુકસાન આપશે. આ વેલનેસ ટ્રૅપ જ બનશે અને તમારી અંદરનો ખાલીપો દૂર નહીં થાય.’