✕

મોટી ઉંમરે હીમોગ્લોબિન ઓછું થઈ જાય તો એનાં જોખમો અને કારણો શું?

25 November, 2026 07:28 AM IST  |  Mumbai | Dr. Sushil Shah

આ ઉંમરે હીમોગ્લોબિન ઘટવું એ માત્ર ઉંમરની અસર નથી, પરંતુ શરીરની અંદર ચાલી રહેલી કોઈ અન્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

૬૦-૬૫ વર્ષની ઉંમરે હીમોગ્લોબિન ઓછું થવું કે એનીમિયા થવો એ એક સામાન્ય, પરંતુ ગંભીરતાથી લેવા જેવી બાબત છે. આ ઉંમરે હીમોગ્લોબિન ઘટવું એ માત્ર ઉંમરની અસર નથી, પરંતુ શરીરની અંદર ચાલી રહેલી કોઈ અન્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. જો હીમોગ્લોબિનનું પ્રમાણ થોડું ઓછું હોય (જેમ કે ૧૦-૧૧ g/dLની આસપાસ), તો વ્યક્તિને માત્ર થાક કે નબળાઈ લાગે છે, પરંતુ જો એ વધુ ઘટી જાય (૮ કે ૯ g/dLથી નીચે) તો જોખમો ઊભાં થઈ શકે છે :

શરીરનાં અંગો સુધી ઑક્સિજન પહોંચાડવા માટે હૃદયને વધુ ઝડપથી પમ્પ કરવું પડે છે, જેનાથી હૃદયના ધબકારા અનિયમિત થવા કે હાર્ટ ફેલ્યરનું જોખમ વધી શકે છે. આ ઉંમરે ચક્કર આવવાં, નબળાઈ લાગવી અને સંતુલન ગુમાવવાને કારણે પડી જવાની અને હાડકાં તૂટવાની શક્યતા વધી જાય છે. 

મગજને પૂરતો ઑક્સિજન ન મળવાથી ભ્રમ થવો, યાદશક્તિ નબળી પડવી કે ડિપ્રેશન જેવાં લક્ષણો દેખાઈ શકે છે. શરીર જલદીથી ઇન્ફેક્શનનો શિકાર બને છે અને કોઈ પણ બીમારીમાંથી સાજા થવામાં વધુ સમય લાગે છે.

૬૦-૬૫ વર્ષની ઉંમરે એનીમિયા થવા પાછળનાં કારણોમાં પહેલું કારણ છે પોષક તત્ત્વોની ઊણપ. ખોરાકમાં પૂરતું આયર્ન ન મળવું અથવા ઉંમર વધવાની સાથે આંતરડા દ્વારા આયર્ન શોષવાની ક્ષમતા ઘટી જવાથી થતી આયર્નની કમી. ખાસ કરીને શાકાહારી ખોરાક લેતા લોકોમાં અથવા પેટમાં ઍસિડ ઓછો બનવાને કારણે વિટામિન B12નું શોષણ બરાબર ન થવાથી રક્તકણો બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેને લીધે થતી B12ની ઊણપ જવાબદાર હોઈ શકે છે. 

આ સિવાય શરીરની અંદર ધીમો રક્તસ્રાવ પણ જવાબદાર હોઈ શકે છે. પેટ કે આંતરડામાં ચાંદાં અથવા સોજાને કારણે પાઇલ્સ એટલે કે હરસ કે ફિશરને કારણે શરીરમાંથી લોહી વહેતું હોય એમ બને. આ સિવાય આંતરડાની ગાંઠ જે કૅન્સરની ગાંઠ હોય તો પણ આવું થઈ શકે છે. મોટી ઉંમરે જો કોઈ સ્પષ્ટ કારણ વગર આયર્નની ઊણપથી હીમોગ્લોબિન ઘટે તો અમે આંતરડાની તપાસ કરાવવાની સલાહ આપીએ છીએ, જેથી કોઈ ગંભીર ગાંઠ હોય તો શરૂઆતના તબક્કે જ પકડી શકાય.

આ સિવાય કિડનીની બીમારી હોઈ શકે. કિડની ‘એરિથ્રોપોએટિન’ નામનું હૉર્મોન બનાવે છે, જે નવા રક્તકણો બનાવવા માટે જરૂરી છે. જો કિડનીની કાર્યક્ષમતા ઘટી હોય તો હીમોગ્લોબિન ઓછું થઈ જાય છે. ક્રૉનિક સોજો કે ઇન્ફેક્શન હોય; જેમ કે સંધિવા, ડાયાબિટીઝ, થાઇરૉઇડ અથવા શરીરમાં લાંબા સમયથી ચાલતી તકલીફ રક્તકણોના ઉત્પાદનને અટકાવે છે. બોન મેરોની કોઈ સમસ્યા હોય એટલે કે હાડકાંના પોલાણમાં આવેલા માવામાં જ્યાં લોહી બને છે ત્યાં કોઈ ખામી સર્જાય, જે ઉંમર વધવાની સાથે ક્યારેક જોવા મળે છે તો હીમોગ્લોબિન ઓછું થઈ શકે છે.

healthy living health tips lifestyle news life and style exclusive gujarati mid day