કૅન્સરના દરદીઓમાં ડિપ્રેશન હોય તો?

24 November, 2021 04:56 PM IST  |  Mumbai | Dr. Kersi Chavda

કૅન્સર એક એવો રોગ છે જે માનસિક રીતે સ્ટ્રોન્ગ માણસોને પણ નબળા બનાવી દેતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

મારા ૬૮ વર્ષના ભાઈને ફેફસાંનું કૅન્સર છે. એનું નિદાન થયું એને ૪ મહિના થઈ ગયા. ઘરના લોકોએ ખૂબ કહ્યું, પરંતુ સિગારેટ છોડી નહીં અને આ ઉંમરે આ ભારે રોગ આવ્યો. એના નિદાન સાથે લાગેલો આઘાત, એના ઇલાજને લીધે થતી શારીરિક વેદના, બદલાઈ જતું શરીર અને એને કારણે આવતી શરમ, પોતાને લીધે પરિવારને પડતી મુશ્કેલીનો અપરાધભાવ, આર્થિક ચિંતા અને મોતનો ડર વગેરેને કારણે એ ખૂબ ડિપ્રેશનમાં ધકેલાઈ ગયા છે. શું આ ડિપ્રેશન એમની કૅન્સર ટ્રીટમેન્ટ પર અસર નહીં કરે? અમારે શું કરવું?

કૅન્સર એક એવો રોગ છે જે માનસિક રીતે સ્ટ્રોન્ગ માણસોને પણ નબળા બનાવી દેતો હોય છે. કૅન્સરની સાથે-સાથે ડિપ્રેશન પણ આવે તો ઘણા પ્રકારની તકલીફો ઊભી થઈ શકે છે. આ રોગ સામે લડવા માટે શારીરિક ઇલાજની સાથે મક્કમ મનોબળની પણ જરૂર પડે છે. કૅન્સર તો શું કોઈ પણ ઇલાજમાં જો વ્યક્તિ ખુદ જ ઠીક થવા ન ઇચ્છતી હોય તો કોઈ દવા એને ઠીક નથી કરી શકતી. ડિપ્રેશનમાં વ્યક્તિ એટલો હતાશ થઈ ગયો હોય છે કે એ પોતાના ઇલાજ પ્રત્યે બેદરકાર બની જાય છે. જો કૅન્સરનો દરદી ડિપ્રેસ હોય તો પહેલાં તો કાઉન્સલિંગથી જ એને એમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરવા જોઈએ. એનામાં આશ જગાવવી જોઈએ, પરંતુ જો એનાથી ફાયદો ન થાય તો જ દવાઓની જરૂરિયાત પડે છે. 
ડિપ્રેશન ધરાવતી વ્યક્તિ કૅન્સરનો કે ડિપ્રેશનનો પણ ઇલાજ કરાવવા તૈયાર હોતી નથી. આ સમયે એના ઘરના લોકોએ એમને ઇલાજ ચાલુ રાખવા માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ. જો ડિપ્રેશનની દવાઓથી બે અઠવાડિયાંમાં ફરક ન દેખાય તો ડૉક્ટરની સલાહ લઈને દવા બદલી શકાય. આ દરદીઓએ ફિઝિકલ ઍક્ટિવિટી ચાલુ રાખવી. વધુ ન થઈ શકે તો સામાન્ય વૉક લેવી, પરંતુ જેટલું બને એટલું શરીર પાસેથી કામ લેવું. દરદીને બને ત્યાં સુધી એકલા ન છોડવા. એની મનગમતી પ્રવૃત્તિ કે વાતચીતમાં એમને વ્યસ્ત રાખવા. હકીકત એ છે કે દુખી થવું નૉર્મલ છે. મનમાં જે દુઃખ હોય એ વ્યક્ત કરવું જરૂરી છે. એનાથી ભાગો નહીં. નકારાત્મક વિચારો અને કોઈ જ આશા ન હોય એ સ્ટેટ જ ડિપ્રેશનનું સૂચક છે. કાઉન્સલિંગ અને દવાઓ સાથે એ ઠીક થઈ શકે છે. બસ, હિંમત અને ધીરજ બન્નેની જરૂર રહે છે.

life and style health tips