ડિલિવરી નજીક છે ત્યારે કોરોના થાય તો?

25 May, 2021 12:12 PM IST  |  Mumbai | Dr. Jayesh Sheth

છેલ્લી ઘડીએ ડૉક્ટર બદલાવવા પડશે? શું બહેનને કોરોના થયો છે તો એના બાળકને પણ કોરોના થશે જ? 

GMD Logo

મારી મોટી બહેન ૩૧ વર્ષની છે અને પ્રેગ્નન્ટ છે. એનો નવમો મહિનો ચાલે છે. એક્ઝેટ ૩૫ અઠવાડિયાં થયાં છે. ૧૦ દિવસ પછી એની ડ્યુ-ડેટ આવે છે અને બે દિવસ પહેલાં જ એનો આરટી-પીસીઆર રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે એને કોઈ ખાસ લક્ષણો છે નહીં, છતાં અમે ભયંકર ચિંતામાં છીએ. એના ડૉક્ટરના નર્સિંગ હોમમાં તો ડિલિવરી નહીં થાય. છેલ્લી ઘડીએ ડૉક્ટર બદલાવવા પડશે? શું બહેનને કોરોના થયો છે તો એના બાળકને પણ કોરોના થશે જ? 
 
છેલ્લા એક વર્ષમાં કોવિડ પૉઝિટિવ હજારો માતાઓની ડિલિવરી થઈ છે અને તે અને તેમનાં બાળકોને સુરક્ષિત રાખી શકાયાં જ છે, માટે તમે ચિંતા ન કરો. ખાસ કરીને તમારી બહેનને કોઈ પણ પ્રકારની ચિંતામાં ન રહેવા દો, કારણ કે ચિંતા કરવાથી બીજાં કૉમ્પ્લીકેશન શરૂ થઈ શકે છે. હવે પહેલી વાત એ કે હમણાં કોવિડ પૉઝિટિવ આવ્યો છે તો તમારે લગભગ દર અઠવાડિયે રિપોર્ટ કરાવવો પડશે. જો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો જ તમે નૉર્મલ નર્સિંગ હોમમાં ડિલિવરી કરી શકશો. જો ડિલિવરીની આસપાસનો રિપોર્ટ પૉઝિટિવ જ હશે તો તમારે સરકાર માન્ય કોવિડ સ્પેશ્યલ હૉસ્પિટલ્સમાં જ તેમની ડિલિવરી કરવી પડશે. એ જ માતા અને બાળક બન્ને માટે સેફ રહેશે. 
બીજી ચિંતા તમને એ હશે કે બાળકને તો કોરોના નહીં થયો હોય. તો સારી વાત એ છે કે માતાને કોરોના થાય એના ૭-૮ દિવસમાં તેના શરીરમાં ઍન્ટિબૉડીઝ બને છે જે પ્લાસેન્ટા થકી બાળકને મળવાની શક્યતા છે. આમ, નવજાત બાળક સીધું જ એના શરીરમાં ઍન્ટિબૉડીઝ લઈને જ જન્મશે, જે પોતાનામાં એક બેસ્ટ બાબત થઈ. ડિલિવરી વખતે કે પછી પણ જો માતા પૉઝિટિવ હોય તો તે પોતે ડબલ માસ્ક લગાડીને બાળકને સ્તનપાન કરાવી શકે છે. પોતાની પાસે સુવડાવી પણ શકે છે. એનાથી બાળકને કોઈ રિસ્ક રહેતું નથી. એક બાબત છે કે કોરોના પૉઝિટિવ માતા હોય તો એની ડિલિવરી નૉર્મલ થાય એટલું વધુ સારું. સિઝેરિયન ડિલિવરીમાં બ્લડ કલોટ જો ન થાય તો લોહી વધુ વહી જવાને કારણે કદાચ કૉમ્પ્લીકેશન આવી શકે છે. તમારી બહેનને ધારો કે લક્ષણો ઉદ્ભવે તો એની જરૂરી દવાઓ લઈ લેવી. બાકી ચિંતા કરીને તબિયત વધુ બગાડવાની જરૂર નથી.

health tips columnists dr. jayesh sheth