રેગ્યુલર હેલ્થ ચેક-અપ કોને કહેવાય?

17 November, 2021 07:35 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

લોકો કહે છે કે રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જરૂરી છે. મારી ઉંમરે કયા ટેસ્ટ કરાવવા? દર વર્ષનું ફુલ બૉડી ચેક-અપનું પૅકેજ શું મારે લઈ લેવું જોઈએ? ગયા વર્ષે મેં આ ટેસ્ટ કરાવેલી જેમાં કઈ ખાસ નીકળ્યું નહોતું. 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૫ વર્ષ છે. મને થોડું બ્લડ-પ્રેશર છે. હાડકાં નબળાં પડ્યાં છે. મગજની ક્ષમતા પણ ઉંમર પ્રમાણે ઓછી થતી જાય છે અને કાનમાં હું છેલ્લાં બે વર્ષથી હિયરિંગ એઇડ પહેરું છું, કારણ કે એક કાનમાં ૬૦ ટકા જેટલી બહેરાશ વાંશિક રીતે આવી ગઈ છે. બાકી કોઈ તકલીફ નથી. લોકો કહે છે કે રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જરૂરી છે. મારી ઉંમરે કયા ટેસ્ટ કરાવવા? દર વર્ષનું ફુલ બૉડી ચેક-અપનું પૅકેજ શું મારે લઈ લેવું જોઈએ? ગયા વર્ષે મેં આ ટેસ્ટ કરાવેલી જેમાં કઈ ખાસ નીકળ્યું નહોતું. 
   
આજકાલ રેગ્યુલર ચેક-અપ વિશે ઘણી અવેરનેસ આવી છે, પરંતુ સાચી સમજણ આ બાબતે હજી પણ લોકોમાં જોવા મળતી નથી. લોકો પોતાની રીતે લૅબોરેટરીના પૅકેજ મુજબ ટેસ્ટ કરાવતાં થઈ ગયાં છે. રેગ્યુલર ચેક-અપ જરૂરી જ છે, પરંતુ કોઈ પણ વ્યક્તિએ કઈ ટેસ્ટની જરૂર છે, કેટલા સમયમાં ફરી એ ટેસ્ટ કરાવવાની છે એ ફક્ત તમારો ડૉક્ટર જ સમજી શકે છે. 
કોઈ પણ પ્રકારની બ્લડ-ટેસ્ટ, એક્સરે કે બીજાં ટેસ્ટ કરાવવાનો અભિગમ લોકોમાં ધીમે-ધીમે કેળવાતો જાય છે, પરંતુ એ ફક્ત ટેસ્ટ છે એને રેગ્યુલર હેલ્થ ચેક-અપ ન કહેવાય. એક પ્રકારનું ચેક-અપ છે જે ખૂબ મહત્ત્વનું છે, એને ક્લિનિકલ ચેક-અપ કહે છે જેમાં ડૉક્ટર ખુદ તપાસે છે તમને. ફક્ત લૅબ ટેસ્ટ જ મહત્ત્વની નથી. ક્લિનિકલ ચેક-અપ પણ એટલું જ મહત્ત્વનું છે. લોકો જ્યારે બીમાર પડે છે ત્યારે જ ડૉક્ટર પાસે જાય છે. ક્યારેય કોઈ વ્યક્તિ એવી નથી હોતી જે ડૉક્ટર પાસે રેગ્યુલર હેલ્થ ચેક-અપ માટે જાય, કારણ કે ઘણા રોગો એવા હોય છે જે દરદીને જોઈને કે તપાસીને ખ્યાલમાં આવે છે. ખાસ કરીને જેમના પરિવારમાં અમુક બીમારીઓ છે જ એ લોકોએ પોતાને વંશાનુગત આ રોગ ન આવે એ માટેના બચાવ માટે ડૉક્ટરને મળવું ખૂબ જરૂરી છે. આ માટે ફૅમિલી ડૉક્ટર હોય તો એનાથી બેસ્ટ કઈ નથી, કારણ કે એમને તમારી ફૅમિલી હિસ્ટરી ખબર હોય છે. એમના સજેશન મુજબ કયાં બ્લડ-ટેસ્ટ કે બીજાં કોઈ ટેસ્ટ તમારા માટે જરૂરી છે એ તમે જાણી શકો છો. ડૉક્ટર સજેસ્ટ કરે એ જ ટેસ્ટ કરાવવી. ખોટા પૅકેજના ચક્કરમાં તમે ન પડો. બીજું એ કે એ ટેસ્ટ કરાવ્યાં પછી એમને એ ટેસ્ટ બતાવવી પણ એટલી જ જરૂરી છે. જાતે નક્કી ન કરો કે તમને કઈ છે કે નથી.

health tips columnists