29 April, 2025 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આંતરડાનું કૅન્સર પેટમાં થતા અલગ-અલગ અંગોમાંનાં કૅન્સરમાંથી એક છે જેનું જલદી નિદાન કરવું મુશ્કેલ છે, કારણ કે એનાં ચિહ્નો પહેલા સ્ટેજમાં બહાર દેખાતાં નથી. ખાસ કરીને આ રોગ વંશાનુગત હોઈ શકે છે એ યાદ રાખવું. જો વ્યક્તિનું અચાનક જ વજન ઊતરી જાય તો પણ તાત્કાલિક ડૉક્ટરને મળીને જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ. આ કૅન્સરમાં જ્યારે એ ખૂબ ઍડ્વાન્સ સ્ટેજમાં હોય ત્યારે જ એની જાણ થાય છે, જેને કારણે વ્યક્તિનું નિદાન સીધું ત્રીજા-ચોથા સ્ટેજ પર થતું જણાય છે. એમાં તેના બચાવની શક્યતા ઘટતી જાય છે પરંતુ અમુક ટેસ્ટ અને સર્જરી છે જેના વડે જો કૅન્સર જિનેટિક હોય તો પહેલેથી ખબર પડી શકે છે અને એનાથી બચવાનો પ્રયાસ કરી શકાય છે.
આ કૅન્સર જિનેટિક હોઈ શકે છે એ તો વિજ્ઞાન જાણતું જ હતું પરંતુ હવે આપણી પાસે એક જિનેટિક ટેસ્ટ છે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિને આ કૅન્સર આવવાની શક્યતા છે કે નહીં. આ ટેસ્ટને બકલ મ્યુકોસા ટેસ્ટ કહે છે જેમાં મોઢાની અંદરથી ગાલના ગલોફા પાસેથી કોષોનું એક સૅમ્પલ લેવામાં આવે છે અને આ કૅન્સરના જિન્સનું મ્યુટેશન એ વ્યક્તિમાં થઈ રહ્યું છે કે નહીં એ તપાસવામાં આવે છે. એના દ્વારા ખબર પડે છે કે આ વ્યક્તિ પર આંતરડાનું કૅન્સર થવાનું રિસ્ક કેટલું છે. જે વ્યક્તિના ઘરમાં આ કૅન્સર હોય, એક નહીં પરંતુ બે જણને આ કૅન્સર હોય તો તેમના ઘરમાં ખાસ કરીને તેમનાં ભાઈ, બહેન અને નેક્સ્ટ જનરેશન એટલે કે તેમના પુત્ર કે પુત્રીએ તો ખાસ આ ટેસ્ટ કરાવવી જ જોઈએ કારણ કે જો આ જીન્સ દ્વારા જાણી શકાય કે આ વ્યક્તિ પર આંતરડાના કૅન્સરનું રિસ્ક છે તો ચોક્કસપણે સાવધાની રાખીને તેને બચાવી શકાય છે.
બ્રેસ્ટ-કૅન્સરમાં એવું હોય છે કે જિનેટિક ટેસ્ટ દ્વારા પહેલેથી જ જાણી લેવામાં આવે કે વ્યક્તિને કૅન્સર થવાનું રિસ્ક છે કે નહીં અને જો રિસ્ક હોય તો સર્જરી વડે બ્રેસ્ટ અને ઓવરી કાઢી નાખવામાં આવે જેથી કૅન્સરનું રિસ્ક જતું રહે છે. આ પ્રકારની સર્જરીને પ્રિવેન્ટિવ સર્જરી કહે છે. આવી જ સર્જરી કોલોરેક્ટલ કૅન્સરમાં પણ થાય છે. જિનેટિક ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે કઈ વ્યક્તિ પર આ કૅન્સરનું રિસ્ક વધારે છે. જો રિસ્ક હોય તો કૅન્સર થયા પહેલાં જ વ્યક્તિનું સર્જરી દ્વારા મોટું આંતરડું લગભગ આખું જ કાઢી લેવામાં આવે છે અને નાના આંતરડાને સીધું ગુદા સાથે જોડી દેવામાં આવે છે. આ રીતે દરદી હેલ્ધી લાઇફ જીવી શકે છે અને તેને કોલોરેક્ટલ કૅન્સર આવતું નથી.