દહીં અને છાસમાંથી પાચન માટે શું સારું?

01 June, 2021 12:18 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

હું ઘરનું જ દહીં ખાઉં છું. છતાં આજકાલ મને રાત્રે થોડું સોજા જેવું લાગી રહ્યું છે. દહીં વધારે ખાવાથી શું નુકસાન થાય? મારાં બાળકોને આજકાલ ફ્લેવરવાળા બજારના દહીં ભાવે છે. તો શું એ ખાઈ શકાય?

GMD Logo

હું ૪૦ વર્ષની છું. મને હમણાં પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું ત્યારે મેં શેકેલું જીરું નાખીને દરરોજ દહીં ખાધું. એક અઠવાડિયા પહેલાં જ આમ તો હું ઠીક થઈ ગઈ છું પરંતુ મારી આ દહીંની આદત જતી નથી. ઊલટું મને એ ખાવાની એટલી મજા પડે છે કે આજકાલ બે કે ત્રણવાર હું દહીં ખાવા લાગી છું. જોકે હું ઘરનું જ દહીં ખાઉં છું. છતાં આજકાલ મને રાત્રે થોડું સોજા જેવું લાગી રહ્યું છે. દહીં વધારે ખાવાથી શું નુકસાન થાય? મારાં બાળકોને આજકાલ ફ્લેવરવાળા બજારના દહીં ભાવે છે. તો શું એ ખાઈ શકાય?  
 
પેટ જ્યારે ખરાબ થાય, ખાસ કરીને ઝાડા-ઊલટી થયા હોય તો એ ઇન્ફેક્શનમાં રાહત આપવા માટે દહીં ગુણકારી છે. શેકેલું જીરું, ચપટી સૂંઠ નાખીને ખાધેલું દહીં એ પેટને ઠંડક આપે છે અને પાચન સારું કરે છે. તમે ઘરે જ જમાવેલું દહીં ખાઓ છો એ સારી વાત છે. પરંતુ દરરોજ દહીં ખાવું એ પણ ૨-૩ વખત એ સારું નથી. સાંજ પછી પણ દહીં ખાવું યોગ્ય નથી. મારી સલાહ છે કે દહીંની જગ્યાએ તમારે દરરોજ છાસ લેવી. દહીં શરીરમાં પાણીને જમા કરે છે એટલે જ રોજ દહીં ખાવાનું આયુર્વેદ પ્રમાણે ઠીક નથી પરંતુ છાસ દરરોજ જ પીવી જોઈએ, કારણકે એ પાણીને જમા નથી થવા દેતી અને શરીરમાં સોજાને ઓછા કરે છે. એ ખુદ ઉષ્ણ ગુણવાળી હોવા છતાં શરીર માટે શીતળ છે. દૂધ અને દહીં શરીરમાં વાયુને બંધ કરી દે છે જેને લીધે ઘણી વ્યક્તિઓને એનાથી ગૅસની તકલીફ થાય છે, પરંતુ છાસ વાયુને બંધ નથી કરતી એટલે ગૅસ થવાની શક્યતા જ નથી.
છાસ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે દહીં તાજું અને ઘરનું જમાવેલું હોવું જોઈએ. દહીં સારું નહીં હોય તો છાસ હેલ્ધી નહીં જ બને. છાસ બનાવવાની પણ એક રીત છે જે આયુર્વેદની દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવે છે. જેમાં એક ભાગ દહીં અને ચાર ભાગ પાણી ઉમેરી એને મથવી જરૂરી છે, પરંતુ એમાંથી માખણ કાઢી ન લેવું. આ પ્રકારે બનેલી છાસ શરીર માટે ઉત્તમ છે. બહારના ફ્લેવર્ડ દહીંમાં પ્રિઝર્વેટીવ્ઝ હોય જ છે. એ કોઈ રીતે હેલ્ધી ન જ કહી શકાય. બાળકોને પણ તમે ઘરના બનાવેલા દહીંની છાસ આપશો તો એમના માટે ગુણકારી છે. બહાર જે મળે એ સારું અને ઘરનું બધું ઠીક એ માન્યતા બાળકમાં ઘર ન કરે એનું ધ્યાન તમારે જ રાખવું પડશે. 

health tips columnists