માઇગ્રેન થતું હોય તો સિગારેટની જગ્યાએ શું લઈ શકાય?

03 October, 2022 05:06 PM IST  |  Mumbai | Dr. Yogita Goradia

ઇમ્બૅલૅન્સ શરીરમાં સર્જાય ત્યારે માઇગ્રેન પ્રકારની તકલીફ આવતી હોય છે એને બૅલૅન્સ કરવા માટે યોગ અત્યંત જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૬ વર્ષનો છું અને મને માઇગ્રેનની સમસ્યા છે. સવારે ઑફિસ જતી વખતે જેવો હું ઘરની બહાર નીકળું અને થોડો તડકો લાગે કે તરત જ માથું દુખવા લાગે છે. પિત્ત ચડી જાય છે કદાચ. પછીના બે કલાક મારા ખૂબ ખરાબ જાય છે. પહેલાં માથું દુખે તો હું સિગારેટ પી લેતો. સિગારેટ એક સમયે હું પીતો હતો, પરંતુ છેલ્લાં ૨-૩ વર્ષથી મેં એ છોડી દીધી છે. મને દવાઓ નથી લેવી. હોમ રેમેડી જણાવજો. 

માઇગ્રેન હંમેશાં કોઈ ને કોઈ ટ્રીગર સાથે આવતું હોય છે. કોઈ ખાદ્ય પદાર્થ કે રોશની કે તડકો કે કોઈ અલગ સાઉન્ડને કારણે માઇગ્રેન થઈ શકે છે. તમારા કહેવા મુજબ સવારે ઑફિસે જતી વખતે એકદમ તાપ લાગે કે રોશની આવે એને કારણે માઇગ્રેન ટ્રીગર થાય છે. તમે ઑફિસે જવાનું તો છોડી નહી શકો. અમુક પ્રકારનું ઇમ્બૅલૅન્સ શરીરમાં સર્જાય ત્યારે માઇગ્રેન પ્રકારની તકલીફ આવતી હોય છે એને બૅલૅન્સ કરવા માટે યોગ અત્યંત જરૂરી છે. દરરોજ જો ન કરી શકો તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર તો ચોક્કસ કરો. આદુંવાળી ચા પણ આ પ્રકારના માઇગ્રેનમાં ઘણી ફાયદાકારક રહે છે, જે દૂધ વગરની પીઓ તો વધુ સારું.

બાકી માઇગ્રેનનું એક સૌથી મોટું કારણ ડીહાઇડ્રેશન હોય છે. પાણી ખૂબ પીઓ એ જરૂરી છે. જો તમે પાણી વધુ પીશો તો માઇગ્રેનની સમસ્યા ઘણી રીતે દૂર કરવામાં મદદ મળશે. જ્યારે ઍસિડ કે પિત્ત શરીરમાં વધે ત્યારે માઇગ્રેનની અસર જણાય છે. એને દૂર કરવા કાળી દ્રાક્ષ એક અદ્ભુત હોમ રેમેડી છે. રાતે કાળી સૂકી દ્રાક્ષ કે કિસમિસને પલાળી દેવી અને સવારે ઊઠતાવેંત એ ખાવી. દરરોજના આ ૭-૧૦ દાણા કિસમિસ તમારા જીવનમાં ઘણા મોટા પરિવર્તન લાવશે. અગ્નિને એ શાંત કરશે અને એ રીતે માઇગ્રેનમાં એ મદદરૂપ બનશે. આ સિવાય રાતની ઊંઘ અત્યંત જરૂરી છે. દિવસે પણ એક નાની નેપ લઈ લો તો સારું પડે. આ સિવાય જ્યારે એકદમ જ માથું દુખતું હોય ત્યારે ઠંડો શેક કરવો. એ શેકને કારણે તરત જ માથાના દુખાવામાં ફરક પડશે. તમે સિગારેટ છોડી દીધી એ બેસ્ટ કર્યું. હવે એના તરફ ફરી જવાની જરૂર પણ નથી. તમને એની અવેજીમાં જો ખૂબ જરૂર લાગતી હોય તો કૅફીનયુક્ત કૉફી પીઓ. કૅફીન હંમેશાં ખરાબ જ હોય એવું નથી. એ માઇગ્રેનમાં રેમેડીનું કામ કરે છે. માટે એ લઈ શકાય, છતાં પણ ફરક ન પડે તો ડૉક્ટરને મળી લો અને એની પાછળનાં કારણો જાણી યોગ્ય નિદાન કરાવો.

columnists health tips life and style