શેરડીનો રસ ઉનાળાનું અમૃત પણ છે અને બેફામ પીતા હો તો ઝેર પણ

17 April, 2024 07:50 AM IST  |  Mumbai | Yogita Goradia

શેરડીનો રસ ઘરમાં કે ઑફિસમાં બેઠાડું જીવન જીવતા લોકો માટે નથી.

શેરડીનો રસ

શેરડીના રસનું મહત્ત્વ આપણે ત્યાં ઘણું છે. ધાર્મિક કહો કે સાંસ્કૃતિક, આ રસનું પાન શુભ મનાય છે, પરંતુ આજકાલ લોકો એ પીતા ડરવા લાગ્યા છે. આને તો પ્યૉર શુગર કહેવાય, એ પીએ એટલે એમ લાગે કે સીધી શુગર જ તમે પેટમાં પધરાવી. એટલે ઘણો ભાવતો હોવા છતાં લોકો અનહેલ્ધીના નામે શેરડીનો રસ પીતા નથી. વજન વધી જશે, શુગર વધી જશે જેવી ઘણી વાતો લોકો કરતા થઈ ગયા છે. આમ આજની તારીખે ઘણા લોકો માને છે કે શેરડીનો રસ એ પ્યૉર શુગર છે એટલે અનહેલ્ધી છે. આટલી બધી શુગર એકસાથે શરીરમાં જાય તો ઘણું જ નુકસાન કરે, પરંતુ લોકો એ ભૂલી જાય છે કે જયારે કમળો થાય ત્યારે ડૉક્ટર પણ શેરડીનો રસ પીવાની સલાહ આપે છે. એનું એકમાત્ર કારણ છે કે શેરડીનો રસ લિવર માટે ખૂબ ઉપયોગી છે. એટલે જ એ ડિટો​ક્સિફિકેશન પ્રોસેસમાં ઘણો ઉપયોગી થાય છે. એમાં જે શુગર છે એ પ્રાકૃતિક છે, જે તરત એનર્જી માટે પણ ઘણી જ ઉપયોગી છે અને માટે જ માંદા લોકોને શેરડીનો રસ આપવામાં આવે છે. એમાં જે પોષણ છે એ પ્રોસેસ્ડ થયા વગરનાં છે, ફ્રેશ છે. વિટામીન A, વિટામીન C, થોડું આર્યન અને બી કૉમ્પ્લેક્સ જેવાં પોષકતત્ત્વો એમાંથી મળે છે. હા, એ વાત સાચી કે શુગરનું પ્રમાણ ઘણું વધારે હોવાથી જેમને ડાયાબિટીઝ છે તેઓ ન પીવે એ તેમના હિતમાં છે. 

ઉનાળામાં શેરડીનો રસ પીવો હોય તો કઈ રીતે પિવાય એ સમજવું જોઈએ. શેરડીનો રસ ઘરમાં કે ઑફિસમાં બેઠાડું જીવન જીવતા લોકો માટે નથી. શેરડીનો રસ જે બાળકો ગરમીમાં કલાક રમ્યા હોય કે જે લોકોએ કલાક વ્યવસ્થિત વર્ક-આઉટ કર્યું હોય કે પછી ખૂબ તાપમાં ચાલ્યા હોય તેમના માટે છે. તેમને પાણીની કમી ન થાય અને સ્નાયુ ખેંચાય ન જાય એ માટે એ ઉપયોગી છે. અઠવાડિયામાં ૩ વાર શેરડીનો રસ લઈ શકાય છે. વળી શેરડીનો રસ સીધો પીવા કરતાં શેરડી ચાવીને રસ ચૂસવો વધુ સારો છે કારણ કે જયારે ચાવીને શેરડી ખાઓ છો ત્યારે દાંતને તો ઘણો ફાયદો થાય જ છે, સાથે-સાથે શુગર ધીમે-ધીમે પેટમાં જાય છે, એક સાથે નથી જતી, આમ એ વધુ ફાયદો કરે છે, એનાથી સંતોષ પણ વધુ થાય છે. વળી દરરોજ ભલે તમે તાપમાં નીકળો, પણ દરરોજ એ ન પિવાય. ૧૦૦-૨૦૦ મિલી જેટલો રસ ઘણો થઈ ગયો. એનાથી વધુ ન પીવો. વળી હાઇજીનનું ખાસ ધ્યાન રાખો. જ્યાં તમે એ પીવો છો એ ઠેલો સાફ છે કે નહીં એ ખાસ જુઓ. 

columnists health tips