પાનીની સુંદરતા માટે શું બેસ્ટ? પેડિક્યૉર કે ફૂટ પીલ માસ્ક?

25 May, 2021 12:42 PM IST  |  Mumbai | Varsha Chitaliya

લેટેસ્ટ બ્યુટી-ટ્રેન્ડમાં અત્યારે ધૂમ મચાવી રહેલી પગને બેબી જેવાં સુંવાળા અને સુંદર બનાવવાનો દાવો કરતી આ નવી પ્રોડક્ટ પગની કાળજી માટે કેટલી ઉપયોગી છે એ જાણી લો

પાનીની સુંદરતા માટે શું બેસ્ટ? પેડિક્યૉર કે ફૂટ પીલ માસ્ક?

ચહેરાની અને વાળની સુંદરતાને પ્રાધાન્ય આપતી મહિલાઓને અત્યાર સુધી ફૂટ પીલ માસ્ક લક્ઝુરિયસ પ્રોડક્ટ લાગતી હતી, પરંતુ એના ઘણાબધા બ્યુટી ઍન્ડ હેલ્થ બેનિફિટ્સ જાણ્યા બાદ આ પ્રોડક્ટ લેટેસ્ટ બ્યુટી-ટ્રેન્ડ બની છે. જેલ અને રબરની જેમ પગનાં તળિયાંમાં ચોંટી જતા ફૂટ માસ્કમાં લેમન, ચૉકલેટ, સ્ટ્રૉબેરી, અલોવેરા જેવી અનેકવિધ વરાઇટી આવે છે. 
ફૂટ પીલ માસ્ક વાપરવો ઈઝી છે. એમ છતાં ફૂટ પીલ માસ્કનો ઉપયોગ ઓછો છે એનું કારણ છે કૉસ્ટ. જોકે ૩૦૦થી ૧૨૦૦ રૂપિયાની રેન્જમાં મળતી આ યુનિક પ્રોડક્ટના બેનિફિટ્સ જાણ્યા પછી પગનાં તળિયાં માટે આટલો ખર્ચ કરવામાં વાંધો નથી એવું તમે માની જશો. ડર્મેટોલૉજિસ્ટ ડૉ. બતુલ પટેલ કહે છે, ‘શરીરના અન્ય ભાગની ત્વચાની તુલનામાં આપણા પગનાં તળિયાંની ત્વચા જાડી અને ખરબચડી હોય છે તેથી માત્ર ક્રીમ લગાવવાથી વધુ ફાયદો થતો નથી. ફૂટ માસ્ક એકસાથે અનેકવિધ કામ કરી શકે છે. પગનાં તળિયાંની હાર્ડ સ્કિનને મૉઇશ્ચરાઇઝિંગ કરવાની સાથે ક્રૅક હિલ્સમાં રાહત આપે છે તેમ જ મૃત ત્વચાને દૂર કરી સ્કિનને એક્સફોલિયેટ કરે છે. સામાન્ય રીતે તમામ પ્રકારના ફૂટ માસ્કમાં ૨૫ ટકા યુરિયાબેઝ્ડ ક્રીમ ઍડ કરવામાં આવે છે. યુરિયા પાવરફુલ રસાયણ છે જે સ્કિન એક્સફોલિએશનમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે.’ 
ફૂટ માસ્કનો યુઝ પેડિક્યૉર કરતાં બેટર છે એવી સલાહ આપતાં ડૉ. બતુલ કહે છે, ‘બ્યુટીપાર્લરમાં આપવામાં આવતી પેડિક્યૉર ટ્રીટમેન્ટમાં પગનાં તળિયાંમાં બ્રશ અથવા સ્ટોન વડે રબિંગ અને સ્ક્રબિંગ કરવામાં આવે છે. એનાથી ત્વચા વધુ હાર્ડ, રફ અને ડ્રાય બને છે. સાધન વડે નખના ક્યુટિકલ્સ દૂર કરતી વખતે ત્વચા ડૅમેજ થવાનો ભય રહે છે. જો સાધનોને પ્રૉપર ટેક્નિકથી સ્ટરિલાઇઝ્ડ કરવામાં ન આવ્યાં હોય તો ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે. ફૂટ માસ્ક બેટર અને સ્માર્ટ ચૉઇસ કહી શકાય.’

ઘરે બનાવો ફૂટ માસ્ક

હોમમેડ માસ્કની મેથડ શૅર કરતાં ડૉ. બતુલ કહે છે, ‘તમારે ઝાઝી માથાકૂટ કરવાની નથી. બજારમાંથી યુરિયા ક્રીમ, શીઆ બટર અને ગ્લિસરીન લઈ આવો. ચોથા ભાગનું યુરિયા ક્રીમ અને બાકીની વસ્તુ સપ્રમાણ માત્રામાં લેવી. ત્રણેયને મિક્સ કરીને બૉટલમાં ભરી દો. અઠવાડિયે એક વાર આ માસ્કને પગના તળિયે અપ્લાય કરવો. એને ઓવરનાઇટ રાખવામાં પણ વાંધો નથી.’

 ફૂટ માસ્ક પગનાં તળિયાંની હાર્ડ સ્કિનને હાઇડ્રેટ  કરવાની સાથે ક્રૅક હિલ્સમાં રાહત આપે છે તેમ જ મૃત ત્વચાને દૂર કરી સ્કિનને એક્સફોલિયેટ કરે છે.
ડૉ. બતુલ પટેલ, ડર્મેટોલૉજિસ્ટ

Varsha Chitaliya columnists health tips