07 August, 2026 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧ કપ કૉફી + ૨૦ મિનિટનો પાવર નૅપ = બહેતર પ્રોડક્ટિવિટી
કૉફી એક કપ પીઓ, આંખો બંધ કરીને ૨૦ મિનિટ માટે ઊંઘી જાઓ તો પહેલાં કરતાં વધુ તાજગી તથા એનર્જી અનુભવાશે. આજકાલ સોશ્યલ મીડિયામાં પ્રોડક્ટિવિટી માટે લોકપ્રિય થયેલો આ છે કૉફી નૅપ ટ્રેન્ડ. દાવો કરવામાં આવે છે કે કૉફી અને ટૂંકી ઊંઘનું કૉમ્બિનેશન સામાન્ય કૉફી અથવા સામાન્ય પાવર નૅપ કરતાં વધુ અસરકારક બની શકે છે.
અમેરિકાના જાણીતા ન્યુરોસાયન્ટિસ્ટ અને સ્લીપ રિસર્ચર ડૉ. મૅથ્યુ વૉકરે કૉફી અને ટૂંકી ઊંઘના કૉમ્બિનેશન પાછળનું વિજ્ઞાન સમજાવતાં કહ્યું છે કે કૉફીમાં રહેલું કૅફીન શરીરમાં અસર કરવાનું શરૂ કરે એ પહેલાં સામાન્ય રીતે વીસથી ૩૦ મિનિટનો સમય લાગે છે. એટલે કૉફી પીધા પછી તરત જ ટૂંકી ઊંઘ લેવામાં આવે તો વ્યક્તિ ઊંઘી શકે છે અને જાગ્યા બાદ કૅફીનની અસર શરૂ થાય છે. ટૂંકી ઊંઘ દરમ્યાન મગજમાં દિવસભર એકઠું થતું એડિનોસિન નામનું કેમિકલ થોડું ઓછું થાય છે, જે ઊંઘ અને થાકની લાગણી માટે જવાબદાર હોય છે. ત્યાર બાદ કૅફીન એડિનોસિન રિસેપ્ટર્સને બ્લૉક કરે છે જેને કારણે વ્યક્તિ વધુ સતર્ક અને ફ્રેશ અનુભવ કરી શકે છે. પરંતુ શું ખરેખર કૉફી નૅપ સામાન્ય કૉફી અથવા પાવર નૅપ કરતાં વધુ ફાયદાકારક છે અને શું દરેક વ્યક્તિ માટે આ ટેક્નિક યોગ્ય છે?
નિષ્ણાતોના મતે ‘કૉફી અને ટૂંકી ઊંઘ બન્ને અલગ-અલગ રીતે સતર્કતા વધારવામાં મદદ કરે છે. કૅફીન સ્ટિમ્યુલન્ટ તરીકે કામ કરે છે અને થોડા સમય માટે વ્યક્તિને વધુ એનર્જેટિક અને ફોકસ્ડ અનુભવ કરાવી શકે છે. ઘણા લોકો બપોર પછી આવતો થાક દૂર કરવા અથવા કામ દરમ્યાન ધ્યાન કેન્દ્રિત રાખવા માટે કૉફીનો ઉપયોગ કરે છે. જોકે એની અસર દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે, કારણ કે એ કૅફીનની સહનશક્તિ અને સંવેદનશીલતા પર આધાર રાખે છે. બીજી તરફ પાવર નૅપ મગજ અને શરીરને થોડા સમય માટે રિકવર થવાની તક આપે છે. દસથી ૨૦ મિનિટની ટૂંકી ઊંઘ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, સતર્કતા અને કાર્યક્ષમતા વધારી શકે છે. લાંબી ઊંઘ લેવાથી વ્યક્તિ ડીપ સ્લીપમાં પહોંચી શકે છે. આ તબક્કામાંથી અચાનક જાગવાથી ઘણા લોકોને ઊંઘ ઊતર્યા પછી પણ સુસ્તી અને ભારેપણું અનુભવાય છે.
કૉફી અને પાવર નૅપને સાથે કરવાથી દરેક વ્યક્તિને ચોક્કસ રીતે વધુ સારાં પરિણામો મળે એવું જરૂરી નથી. કેટલાક લોકો માટે કૉફી પીધા બાદ તરત ઊંઘવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને જે લોકો કૅફીન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, વધુ પ્રમાણમાં કૉફી પીતા હોય છે અથવા જેમની ઊંઘની ગુણવત્તા સારી ન હોય તેમના માટે આ ટેક્નિક અસરકારક ન
પણ બને.
કૉફી નૅપની ચર્ચા સામાન્ય રીતે મગજ અને ઊર્જા સુધી મર્યાદિત રહે છે, પરંતુ પાચનતંત્ર પર પણ એની અસર થઈ શકે છે. કૅફીન કેટલાક લોકોમાં પેટમાં ઍસિડનું ઉત્પાદન વધારી શકે છે, આંતરડાંની ગતિ ઝડપી કરી શકે છે અથવા ખાલી પેટ પીવામાં આવે તો ઍસિડિટી જેવી સમસ્યા ઊભી કરી શકે છે. કૉફી પીધા બાદ તરત જ સૂઈ જવું પણ દરેક માટે આરામદાયક ન હોઈ શકે. જે લોકોને ઍસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન અથવા GERD (ગૅસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ)ની સમસ્યા હોય છે તેમને આ ટેક્નિકથી તકલીફ વધી શકે છે, કારણ કે કૉફી લીધા બાદ તરત સૂવાથી પેટનું ઍસિડ ઉપરની તરફ જવાની શક્યતા વધી શકે છે.