હાર્ટના દરદીઓએ ફ્લુ અને ન્યુમોનિયાની રસી શું કામ લેવી?

11 October, 2021 11:12 AM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

હાર્ટની તકલીફને અને ફ્લુ કે ન્યુમોનિયાની રસી સાથે શું લેવાદેવા? મારે જાણવું છે કે શું હાર્ટ પ્રૉબ્લેમને કારણે મને શરદી રહેતી હશે? આમાં શું મારે કઈ ચિંતા કરવા જેવું છે?  

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૫ વર્ષ છે. મને ચાર વર્ષ પહેલાં હાર્ટ-અટૅક આવી ચૂક્યો છે. એ પછી મારી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. જોકે એ પછી મારી રિકવરી સારી જ છે. હું મારું વ્યવસ્થિત ધ્યાન રાખું છું, પણ છેલ્લાં બે વર્ષથી મને સતત શરદી-ઉધરસ જેવા વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થયા જ કરે છે. હાલમાં જ્યારે હું ડૉક્ટર પાસે આવ્યો તો તેમણે મને કહ્યું કે તમે હાર્ટ પેશન્ટ છો તો તમારે ફ્લુની અને ન્યુમોનિયાની વૅક્સિન દર વર્ષે લેવી જ જોઈએ. હાર્ટની તકલીફને અને ફ્લુ કે ન્યુમોનિયાની રસી સાથે શું લેવાદેવા? મારે જાણવું છે કે શું હાર્ટ પ્રૉબ્લેમને કારણે મને શરદી રહેતી હશે? આમાં શું મારે કઈ ચિંતા કરવા જેવું છે?  

તમે બિલકુલ ચિંતા ન કરો. પહેલી વાત તો એ કે હાર્ટમાં પ્રૉબ્લેમને લીધે ક્યારેય ફેફસાનું ઇન્ફેક્શન થતું નથી પરંતુ આ દરદીઓને ફેફસાનું ઇન્ફેક્શન થાય ત્યારે એ ઘાતક પુરવાર થઈ શકે છે. 
જ્યારે હાર્ટના દરદીને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે ત્યારે આ ઇન્ફેક્શનની અસર ફેફસા પર થાય છે જેમ કે ન્યુમોનિયા. મહત્ત્વની વાત એ છે કે હાર્ટના દરદીઓમાં કાર્ડિઍક રિઝર્વ ઓછુ હોય છે એટલે કે તેમનું પૂરું-પૂરું હૃદય કામ કરતું નથી. થોડું કામ કરે છે અને થોડું નથી કરતું, જેને લીધે ફેફસામાં લોહીની સપ્લાય ઓછી છે. હવે જ્યારે ફેફસામાં ઇન્ફેક્શન થયું છે ત્યારે લોહીને શુદ્ધ કરવા માટે જરૂરી ઑક્સિજન ફેફસાં દ્વારા ન મળતો હોવાથી હૃદયને વધુ કામ કરવું પડે છે અને એ માટે એની ક્ષમતા ઘણી જ ઓછી છે જે મોટી તકલીફ સરજી શકે છે. આ સમયે દરદીને શ્વાસની ગંભીર તકલીફ સરજાય છે જેથી તેમને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવા પડે છે.
હાર્ટ-અટૅકના દરદીઓ માટે ન્યુમોનિયા ઘાતક સાબિત થઈ શકે છે એટલે આ દરદીઓને ન્યુમોનિયાની રસી અને ઇન્ફ્લુએન્ઝાની રસી આપવી ખૂબ જ જરૂરી છે. 
સમજવાની વાત એ છે કે આ રસી લેવાથી  તમને આ રોગ નહીં થાય એવું તો નથી પરંતુ એની સામે લડવાની શરીરની શક્તિ વધી જશે એમ કહી શકાય. એટલે તમારા ડૉક્ટરની સલાહ સાચી છે. તમે રસી મુકાવી જ લો જેથી ચિંતા ઓછી રહે.

health tips