અર્લી પ્યુબર્ટી આવે ત્યારે દીકરીઓનું વિશેષરૂપે ધ્યાન રાખવું જરૂરી છે

18 April, 2025 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલનાં બાળકો પાસે અઢળક એક્સપોઝર છે અને એને કારણે તે માનસિક રીતે અને શારીરિક રીતે પણ તેઓ જલદી મૅચ્યોર થવા લાગ્યા છે. પ્યુબર્ટી આવવાની ઉંમર છોકરીઓમાં ૯ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીની હોય છે જ્યારે છોકરાઓમાં આ ઉંમર ૧૧ વર્ષથી લઈને ૧૬ વર્ષ સુધીની હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

આજકાલનાં બાળકો પાસે અઢળક એક્સપોઝર છે અને એને કારણે તે માનસિક રીતે અને શારીરિક રીતે પણ તેઓ જલદી મૅચ્યોર થવા લાગ્યા છે. પ્યુબર્ટી આવવાની ઉંમર છોકરીઓમાં ૯ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીની હોય છે જ્યારે છોકરાઓમાં આ ઉંમર ૧૧ વર્ષથી લઈને ૧૬ વર્ષ સુધીની હોઈ શકે છે. આજે ઍવરેજ ૧૦-૧૧ વર્ષ થઈ ગયાં છે. છોકરાઓમાં પણ ઉંમરનો આ ઘટાડો જોવા મળે છે. જો ૮ વર્ષે છોકરીઓને અને ૧૦ વર્ષે છોકરાઓમાં પ્યુબર્ટીનાં ચિહનો જોવા મળે તો એને અર્લી પ્યુબર્ટી કહે છે.

અર્લી પ્યુબર્ટી થવા પાછળનાં મુખ્ય કારણોમાંનું એક કારણ હૉર્મોન્સનું ઇમ્બૅલૅન્સ છે. વ્યક્તિની પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનાડોટ્રોફિન નામનો એક હૉર્મોન સ્રાવ થાય છે. જે ટેસ્ટિકલ કે ઓવરીને સ્ટિમ્યુલેટ કરે છે, જેને કારણે છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન નામના અને છોકરીઓમાં એસ્ટ્રોજન નામનાં હૉર્મોન્સનો સ્રાવ થાય છે. આ બન્ને સેક્સ હૉર્મોન્સ છે જે પ્યુબર્ટીને લગતા બદલાવ માટે જવાબદાર હોય છે. જ્યારે હૉર્મોન્સ ઇમ્બૅલૅન્સ થાય ત્યારે આ પ્રોસેસ નાની ઉંમરમાં બની જાય છે, જેને અર્લી પ્યુબર્ટી કહે છે. જો બાળકને ૮ વર્ષે પ્યુબર્ટીનાં લક્ષણો જોવા મળે તો એને અર્લી પ્યુબર્ટી કહે છે. આ કન્ડિશનમાં તેને ઇલાજની જરૂર પડતી નથી, પરંતુ એક વખત નિષ્ણાતને મળવું જરૂરી હોય છે.

જ્યારે બાળકનો પ્યુબર્ટી પિરિયડ શરૂ થાય ત્યારે થોડા સમય બાદ તેનો શારીરિક ગ્રોથ ખાસ કરીને હાઇટ વધવાનું અટકી જાય છે. હાઇટ વધવી એટલે હાડકાંનું બંધારણ અને સ્નાયુઓ મજબૂત થવાનું મુખ્ય કાર્ય. જો પ્યુબર્ટી સમય કરતાં જલદી આવી જાય તો બને કે બાળકનો વિકાસ અટકી જાય અથવા થવો જોઈએ એટલો થાય નહીં. ખાસ કરીને હાડકાં નબળાં રહી જાય અને સ્નાયુઓનું બંધારણ મજબૂત ન રહે એમ બની શકે. પ્યુબર્ટીની શરૂઆત હોય ત્યારે માસિક રેગ્યુલર થતાં ૧-૩ વર્ષ જેવો સમય લાગી શકે છે. અનિયમિતતાને કારણે ક્યારેક એકદમ હેવી બ્લીડિંગ પણ થઈ શકે છે. જો પ્યુબર્ટી નાની ઉંમરમાં આવે તો આ બધી કન્ડિશન ખૂબ નાની ઉંમરમાં સહન કરવી પડે. વળી વધુ બ્લીડિંગ થઈ જાય તો છોકરી એનીમિક પણ બની શકે છે. ખાસ કરીને આ બાળકોને કૅલ્શિયમ, વિટામિન D, હીમોગ્લોબિન, આયર્ન, ફોલિક ઍસિડ અને વિટામિન B12 યુક્ત ડાયટ આપવી. જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ પણ આપી શકાય. નહીંતર તેમના ગ્રોથને ખૂબ અસર થઈ શકે છે.

healthy living mental health health tips celeb health talk life and style