ની-રિપ્લેસમેન્ટની રિકવરી દરમ્યાન શું સાવધાની રાખવી?

26 January, 2022 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડું-થોડું અંતર ચાલવાની શરૂઆત કરવી અને ધીમે-ધીમે અંતર વધારવું. સર્જરી પછીના ૩ મહિના સુધી સોફા કે ખૂબ નીચી ખુરશી હોય તો એના પર ન બેસવું. જમીન પર તો બેસવાનું જ નહીં.

પ્રતીકાત્મક તસવીર

 મારી ઉંમર ૭૦ વર્ષ છે અને મેં હાલમાં જ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે. એના પછી રિકવરી સારી આવે એ માટે પણ પ્રયત્નો જરૂરી છે. આ રિકવરી ફાસ્ટ આવે એ માટે મારે શું કરવું એની મને ખાસ સમજણ નથી.  
   
કોઈ પણ સર્જરીમાં રિકવરી મહત્ત્વની હોય છે. પહેલાં તો ફિઝિયોથેરપિસ્ટ કહે એ મુજબની એક્સરસાઇઝ કરવી જ. થોડા-થોડા સમયે ચાલવું. થોડું-થોડું અંતર ચાલવાની શરૂઆત કરવી અને ધીમે-ધીમે અંતર વધારવું. સર્જરી પછીના ૩ મહિના સુધી સોફા કે ખૂબ નીચી ખુરશી હોય તો એના પર ન બેસવું. જમીન પર તો બેસવાનું જ નહીં. ઊંચી ખુરશી કે બેડ પર બેસતી વખતે ધ્યાન રાખવું કે પગ વધુ સમય લટકતા ન રહે. સામે બીજી ખુરશી કે બેડ પર પગ લાંબો કરી દો. જો તમને લાકડી કે વૉકર વાપરવાનું કહ્યું હોય તો એનો ઉપયોગ કરો. એ ક્યાં સુધી વાપરવાના છે એ તમારા ડૉક્ટરને પૂછી લો. જેમ એનો ટેકો લેવો જરૂરી છે એમ સાચા સમયે એ ટેકો છોડી દેવો પણ એટલો જ જરૂરી છે. ટૉઇલેટમાં ૬-૮ અઠવાડિયાં માટે કમોડ એક્સટેન્શન વાપરો અને એની બાજુમાં પકડીને ઊભા થવા માટે સુવિધા હોવી જરૂરી છે. બેસવા માટે આરામ ખુરશી નહીં, પરંતુ એકદમ સ્ટેબલ રહે એવી ખુરશી પસંદ કરો. એના પર એકદમ સખત તકિયો વાપરો નહીં કે એકદમ સૉફ્ટ. કોઈ ટેબલ પર કે ઊંચે ન ચડો. દાદરા ચડવાનું પણ એકદમ શરૂઆતમાં ટાળો. ટાંકા તૂટે નહીં ત્યાં સુધી નહાવાનું નથી. ઘૂંટણને વાળવાની ઉતાવળ ન કરો. એના માટે કોઈ પ્રેશર પણ ન આપો, જે પણ કરો એ ધીમે-ધીમે અને સમજીને કરો. સર્જરી પછી ફક્ત પેઇન-કિલર્સ આપવામાં આવે છે જેથી દરદી એ પેઇનને સહન કરી શકે. જો આ પેઇન-કિલર માફક ન આવે તો ડૉક્ટરની સલાહ લો. સતત ઍક્ટિવ રહો. ની-સર્જરીમાં સોજો થોડા મહિના સુધી રહે એ સામાન્ય છે. સૂતા હો ત્યારે પગની નીચે તકિયા ગોઠવીને થોડા ઉપર રાખવાથી આ સોજામાં ફરક પડે છે. આ સિવાય તમારા ઘૂંટણની આજુબાજુ દિવસમાં ૨-૩ વાર બરફનો શેક ૨૦ મિનિટ માટે કરવો. જો એ જગ્યાએ અતિશય દુખાવો કે લાલાશ હોય તો ડૉક્ટરને મળવું જરૂરી છે. સખત દુખાવો થતો હોય, સોજામાં વધારો થયો હોય કે ૧૦૦ ડિગ્રીથી વધુ તાવ આવે તો  ડૉક્ટરને જાણ કરવી.

health tips columnists