૬ વર્ષનું બાળક રાત્રે પથારી ભીની કરતું હોય તો શું કરવું?

10 September, 2021 05:29 PM IST  |  Mumbai | Dr. Vivek Rege

ઊલટું હવે એ થોડો સમજણો થતો જાય છે તો એને વધુ શરમ આવતી જાય છે. એ વધુને વધુ મુંઝાયેલો જોવા મળે છે. શું આ આદત નોર્મલ છે? સમય જતા જતી રહેશે? કે પછી એનો કોઈ ઇલાજ છે

મિડ-ડે લોગો

મારું બાળક ૬ વર્ષનું છે, છતાં રાત્રે એની પથારી ભીની થઈ જાય છે. અમે એને ઘણી રીતે સમજાવ્યું પણ સમજાવવાથી કોઈ ફાયદો થતો નથી. ઊલટું હવે એ થોડો સમજણો થતો જાય છે તો એને વધુ શરમ આવતી જાય છે. એ વધુને વધુ મુંઝાયેલો જોવા મળે છે. શું આ આદત નોર્મલ છે? સમય જતા જતી રહેશે? કે પછી એનો કોઈ ઇલાજ છે? 

 પાંચ વર્ષથી મોટાં બાળકો જ્યારે પથારી ભીની કરે ત્યારે એ એક સમસ્યા છે. આ આદત ઘણાં બાળકોને હોય છે અને એની પાછળનું કારણ શું છે એ સમજવું અત્યંત આવશ્યક છે. કારણકે આ આદત પાછળ ઘણાંબધાં અલગ-અલગ કારણો જવાબદાર હોઈ શકે છે. મહત્ત્વનું એ છે કે તમે તમારા બાળકનું યોગ્ય નિદાન કરાવો જેથી આગળનો ઇલાજ સ્પષ્ટ થઈ શકે. આ આદત એની મેળે ક્યારે જશે એની રાહ ન જુવો. જો આ તકલીફ જિનેટિક એટલે કે વારસાગત મળી હોય ત્યારે ઇલાજ ખૂબ વધારે જરૂરી બને છે. જ્યારે તકલીફ સાયકોલૉજિકલ હોય એટલે કે બાળમન પર કોઈ અસરને કારણે હોય ત્યારે બાળકને કાઉન્સેલિંગની અને ક્યારેક દવાઓની પણ જરૂર પડી શકે છે. જ્યારે તકલીફ હોર્મોનલ હોય ત્યારે એ હોર્મોન બહારથી શરીરમાં આપી શકાય છે. થોડો સમય સતત એ હોર્મોન આપવાથી બાળકમાં સિસ્ટમ નોર્મલ બને છે પછી એ હોર્મોનના ડોઝ બંધ પણ કરી શકાય છે. 
જ્યારે મુત્રાશયને લગતો પ્રોબ્લેમ હોય ત્યારે એની કૅપેસિટી વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે, જે માટે અમુક ટેક્નિક છે અને અમુક દવાઓ પણ વાપરવામાં આવે છે. ઘણી વાર બાળકની મુખ્ય સમસ્યા એ પણ હોય છે કે એ સેન્સેશન ફિલ કરીને રાત્રે ઊંઘમાંથી ઊઠી શકતું નથી. આ માટે બાળકને રાત્રે નિશ્ચિત સમયે ઉઠાડીને એને બાથરૂમ લઈ જવામાં આવે છે. દરરોજ એક જ સમયે ઉઠાડવામાં આવતું હોવાથી એને એ સમયે ઊઠવાની આદત પડે છે અને એ રીતે ધીમે ધીમે પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. એક બાળકના આ પ્રોબ્લેમ પાછળ એક નહીં એકથી વધુ કારણો હોય તો દરેક કારણ પર પૂરતું ધ્યાન આપી એનો ઇલાજ કરવો જરૂરી બને છે. આ ઇલાજમાં ૧-૨ વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે. મા-બાપની ધીરજ અને બાળકનો સતત પ્રયત્ન આ સમયે ખૂબ જરૂરી છે.

health tips columnists