સાઇનસાઇટિસ થયું હોય તો શું કરવું?

13 September, 2021 12:27 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

મને ખબર નથી કે આ તકલીફ મને હમણાંથી થઈ છે કે પછી જૂની છે. મને ગોળીઓ ખાવામાં રસ નથી. આયુર્વેદમાં આનો કોઈ ખાસ ઇલાજ ખરો? મને માર્ગદર્શન આપવા વિનંતી.  

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૩૦ વર્ષ છે. મને અવારનવાર શરદી રહેતી હોય છે. નાક હંમેશાં ઠસેલું જ હોય. મને કદાચ શરદીની આદત થઈ ગઈ છે એટલે મોટા ભાગે તો હું શરદીનો ઇલાજ પણ કરાવતો નથી, પરંતુ હમણાં હું ડૉક્ટર પાસે ગયો હતો ત્યારે તેમણે મને કહ્યું કે મને સાઇનસાઇટિસ છે. મને ખબર નથી કે આ તકલીફ મને હમણાંથી થઈ છે કે પછી જૂની છે. મને ગોળીઓ ખાવામાં રસ નથી. આયુર્વેદમાં આનો કોઈ ખાસ ઇલાજ ખરો? મને માર્ગદર્શન આપવા વિનંતી.  

આયુર્વેદમાં સાઇનસાઇટિસનો ઇલાજ ઉપલબ્ધ છે. જોકે નિષ્ણાત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કોઈ પણ ઇલાજ કરવો, જાતે પ્રયોગ કરવા નહીં. તમને સાઇનસાઇટિસ ઘણા વખતથી છે કે હમણાં થયું છે એ ખબર નથી તો કઈ વાંધો નહીં. સમજો કે તમને નવું-નવું સાઇનસાઇટિસ થયું છે તો તમને પાણીમાં તુલસી, આદુ, તજ, કાળી મરી, લીલી ચા, લવિંગ નાખી એને ઉકાળીને બનાવેલો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થશે. સ્વાદ માટે એમાં મધ કે ખડી સાકર નાખી શકાય. આ સિવાય દવાઓમાં સુદર્શન અને સિતોપલાદી અસરકારક સાબિત થાય છે. એનો ડોઝ કે પ્રમાણ વૈદ્યને પૂછીને જ નક્કી કરવું. હળદર અને જેઠી મધને પાણીમાં ઉકાળીને એની સ્ટીમ એટલે કે નાસ લેવાથી પણ ઘણો ફરક પડે છે. આજ પાણીમાં મીઠું નાખીને કોગળા પણ કરી શકાય છે. હૂંફાળા પાણીમાં નીલગીરી કે કપૂર ઉમેરી સ્ટીમ લેવાથી ફાયદો થાય છે. તમારે ઠંડી હવાથી બચવું જોઈએ. 
જો આ બધું કરવા છતાં તકલીફ લાંબી ચાલે તો સમજવું કે તમને ક્રૉનિક સાઇનસાઇટિસ છે એટલે કે લાંબા સમયથી આ પ્રૉબ્લેમ છે. એમણે નસ્ય ચિકિત્સા લેવી પડે છે જેમાં અનુ તેલ કે ષડબિંદુ તેલનાં ટીપાં નાકમાં નાખવાથી ફાયદો થાય છે. જેમને સામાન્ય તકલીફ છે તેઓને ૨-૩ ટીપાંનો નાનો ડોઝ આપવામાં આવે છે, પરંતુ જેમને વધુ પ્રૉબ્લેમ છે એમને ૨૦-૩૦ ટીપાં એકસાથે લેવાનાં હોય છે જેને શોધન નસ્ય કહે છે. જે કોઈ પંચકર્મ ચિકિત્સક પાસે જ લેવા જરૂરી રહે છે. અમૃત્ધારાનો બાહ્ય પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. એક વખત સાઇનસાઇટિસ જતું રહે પછી પીપરી અને આમળાયુક્ત ચ્યવનપ્રાશ ખાઈને આવી વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરી શકે છે, જેને લીધે આ રોગ પાછો આવે નહીં.

health tips columnists