ઉપવાસને કારણે શુગર એકદમ ઘટી જાય તો શું કરવું?

21 September, 2021 05:10 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

ડાયાબિટીઝના દરદીઓ જ્યારે પણ ઉપવાસ કરે ત્યારે જરૂરી બાબત એ છે કે એક વખત એના ડૉક્ટરને પૂછે અને એ મુજબ દવાઓમાં ફેરફાર કરાવી લે

પ્રતીકાત્મક તસવીર

હું ૫૮ વર્ષની છું અને મને છેલ્લાં ૨ વર્ષથી ડાયાબિટીઝ છે. હમણાં પર્યુષણ દરમ્યાન મેં એકટાણા કર્યા હતા. એ દરમ્યાન મેં એક સમય ખાધું હતું અને બાકી કંઈ લીધું નહોતું. એટલે મેં દવા પણ ક્યારેક લીધી અને ક્યારેક નહોતી લીધી. પર્યુષણ પતી ગયા પછી ધીમે-ધીમે ખાવાનું શરૂ કર્યું પરંતુ બે દિવસ પહેલાં મને સવારે ખૂબ પરસેવો વળી ગયો અને ઠીક લાગતું નહોતું. મેં સવારે શુગર માપી તો ફક્ત ૫૦ આવી. હું ગભરાઈ ગઈ. તરત મેં સાકર ખાધી, વ્યવસ્થિત નાસ્તો કર્યો અને એના એક કલાક પછી શુગર ૯૫ આવી. હમણાં હું દવા તો લેતી નથી, પરંતુ આ બાબતે હવે આગળ મારે શું કરવું એ જણાવવા વિનંતી.

 

ડાયાબિટીઝના દરદીઓ જ્યારે પણ ઉપવાસ કરે ત્યારે જરૂરી બાબત એ છે કે એક વખત એના ડૉક્ટરને પૂછે અને એ મુજબ દવાઓમાં ફેરફાર કરાવી લે. અમે એ સલાહ નથી આપતા કે તમે ઉપવાસ જ ન કરો, કારણ કે ઘણા લોકોની લાગણીઓ એની સાથે જોડાયેલી હોય છે, પરંતુ અહીં એ સમજવાનું છે કે દવાઓ તમારા નોર્મલ મિલ્સ મુજબ આપવામાં આવેલી હોય છે. જો તમે ખોરાક ન લો અને દવાઓ લો તો આ તકલીફ તો થવાની જ છે. બીજું એ કે ક્યારે અને કેટલી દવા લેવી એના નિર્ણયો જાતે ન કરો. ડૉક્ટરની સલાહ મુજબ જ ફેરફાર કરો. તમારી શુગર એકદમ ઘટી ગઈ ત્યારે તમે કરેલા ઉપાય બરાબર છે પરંતુ હવે તમારે રેગ્યુલર દરરોજ જુદા-જુદા સમયે શુગર માપતા રહેવું જરૂરી છે જેથી શરીરની પ્રક્રિયાને અમે સમજી શકીએ. એવું તમે કરશો તો તમારા ડૉક્ટર આગળ કઈ દવા આપવી, કઈ દવા ચાલુ રાખવી, કઈ બંધ કરવી એ વિશે સમજી શકશે, માટે રેગ્યુલર મોનિટરિંગ અત્યંત મહત્ત્વનું છે.

એ ખાસ યાદ રાખવું જરૂરી છે કે શુગર વધી જાય એના કરતાં શુગર ઘટી જાય એ વધુ અઘરી બાબત છે. ખાસ કરીને જો રાત્રે ઊંઘમાં વ્યક્તિની શુગર ઘટી જાય તો કોઈ અંદાજ આવતો નથી અને એ કૉમામાં સરી પડી શકે છે. વળી બીજી મહત્ત્વની બાબત એ છે કે હાયપોગ્લાયસેમિયા એક એવો રોગ છે જે એમ જ થતો નથી, એ ત્યારે જ થાય છે જ્યારે તમે કોઈ દવાઓ લેતા હો. હાલમાં તમે દવા ન લો અને રેગ્યુલર શુગર માપીને રીડિંગ લઈને તમારા ડૉક્ટર પાસે જજો.

columnists