કોરોનામાં શુગર વધી જશે તો?

09 February, 2022 07:48 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

કોવિડ ગયા બાદ અઠવાડિયા પછી શુગર કન્ટ્રોલમાં આવી અને ઇન્સ્યુલિન બંધ કરી ફરીથી હું દવાઓ પર આવી શક્યો. હાલમાં મને પાછો કોવિડ થયો છે. આજે જ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૬૪ વર્ષનો છું. છેલ્લાં ૫ વર્ષથી મને ડાયાબિટીઝ છે. મને ગયા વર્ષે કોવિડ થયો હતો. મારી હાલત નાજુક હતી. સ્ટેરૉઇડ પણ લેવા પડેલાં, જેને લીધે મારું ડાયાબિટીઝ વધી ગયું હતું. એક સમયે એ ૪૨૫ જેટલું ઉપર ગયેલું અને એ સમયે મને ઇન્સ્યુલિન પણ ચાલુ કરવું પડ્યું હતું. કોવિડ ગયા બાદ અઠવાડિયા પછી શુગર કન્ટ્રોલમાં આવી અને ઇન્સ્યુલિન બંધ કરી ફરીથી હું દવાઓ પર આવી શક્યો. હાલમાં મને પાછો કોવિડ થયો છે. આજે જ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મને ડર છે કે ફરી શુગર વધી ન જાય. હું શું કરું? 
 
કોવિડ અને શુગરને સંબંધ છે જ. એટલે જ ઇન્ફેક્શન થાય એ સમયે શુગર વધી જ જાય. એમાં પણ તમને પહેલી વારમાં તો સ્ટેરૉઇડની જરૂર પડી હતી. સ્ટેરૉઇડ પણ શુગરને વધારે છે. હકીકતમાં થાય છે એવું કે ઇન્ફેક્શનને કારણે શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન ઓછું થઈ જાય છે. શરીરમાં જ એ ઓછું બનતું હોય તો જરૂરી છે કે તમે એને બહારથી આપો. એટલા માટે આ સમયે દવાના ડોઝ વધારવા પડે છે, પરંતુ તમારી શુગર તો ૪૦૦થી પણ વધી ગઈ હતી એટલે તમને ઇન્સ્યુલિન આપવું જ પડ્યું. ૩૦૦-૪૦૦થી શુગર વધી જાય તો જરૂરી છે કે વ્યક્તિને ઇન્સ્યુલિન આપવું જ પડે, પરંતુ આની એક સારી બાબત એ પણ છે કે કોવિડ ઇન્ફેક્શન જતું રહે એ પછી વધેલા ડોઝ કે ઇન્સ્યુલિન જતું રહે છે. 
સારું છે આ બાબતે તમે પહેલેથી સતર્ક છો. પહેલી વાત તો એ કે તમને કોવિડ થયો છે તો સતત ઑક્સિજન લેવલ જોતા રહો. ઘરમાં ક્વૉરન્ટીન થઈને રહો અને તમારા ડૉક્ટરના સતત સંપર્કમાં રહો. ડાયાબિટીઝ માટે દિવસમાં બે વખત શુગર ચેક કરતા રહો. જે પણ રીડિંગ્સ આવે એ તમારા ડૉક્ટરને જણાવતા રહો, જેથી તમારા ડોઝ નક્કી થઈ શકે. ચિંતા નહીં કરો. જો ડોઝ હાઈ લેવા પડે કે ઇન્સ્યુલિન પણ લેવું પડે તો આ સમય દરમિયાન લેવાથી તમારી મદદ જ થશે. જો તમારી શુગર આ સમયે કન્ટ્રોલમાં હશે તો ચોક્કસ કોરોના ઇન્ફેક્શન સામે લડવામાં પણ તમને મદદ મળી રહેશે, પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે જે ડોઝ વધારો એ સમય જતાં ઘટાડવો પણ જરૂરી છે. કોરોના પછી પણ શુગર માપતા રહેજો અને જેમ ઓછી થાય એ પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ ડોઝ ઘટાડતા રહેજો.

health tips columnists