બાળકને ફાંદ હોય તો શું કરવું?

24 September, 2021 05:10 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

શું આ ચિંતાજનક બાબત છે? મોટા લોકોમાં ફાંદ હોય તો આપણે એને અનહેલ્ધી માનીએ છીએ, શું એમ બાળકની પણ ફાંદ અનહેલ્ધી ગણાય?

પ્રતીકાત્મક તસવીર

મારું બાળક અઢી વર્ષનું છે. જન્મથી જ એ ૨.૭૫ ગ્રામનું હતું, પરંતુ એને ફાંદ હતી. જન્મથી જ એને ફાંદ છે. મારા સાસુ કહેતાં હતાં કે એમનાં બધાં જ બાળકોને જન્મથી ફાંદ હતી એટલે કદાચ મારા દીકરાને પણ વારસામાં ફાંદ મળી હોય. હવે એ મોટો થયો, પરંતુ તે ભયંકર ઍક્ટિવ છે. આખો દિવસ દોડ-ભાગ કરે છે છતાં એની ફાંદ એવી ને એવી છે. શું આ ચિંતાજનક બાબત છે? મોટા લોકોમાં ફાંદ હોય તો આપણે એને અનહેલ્ધી માનીએ છીએ, શું એમ બાળકની પણ ફાંદ અનહેલ્ધી ગણાય? જો એ અનહેલ્ધી ગણાય તો મારે એ વિશે શું કરવું જોઈએ?

 મોટા ભાગનાં બાળકો જન્મે ત્યારે ફાંદ લઈને જ જન્મે છે. જન્મથી લઈને ૧ વર્ષ સુધી એમને ફાંદ રહે એ નૉર્મલ છે, પરંતુ ૧ વર્ષ પછી એ ચાલતા શીખે છે અને એ પછી એનું ઍક્ટિવિટી લેવલ વધે છે. જેમ-જેમ એ વધુ ઍક્ટિવિટી કરે એમ-એમ એ ફાંદ જતી રહે છે, પરંતુ ૨-૩ વર્ષ પછી પણ જો એની ફાંદ છે જ તો સમજવું કે એ નૉર્મલ નથી જ. બાળકને ફાંદ હોય તો લોકો એ તરફ ખાસ ધ્યાન આપતા નથી, પરંતુ ધ્યાન દેવું જરૂરી છે. તમે ધ્યાન આપો છો એ સારી બાબત છે. 
ભારતીય બાળકોમાં આ ફાંદ હોવા પાછળનું કારણ જિનેટિક તો છે જ, એની સાથે-સાથે બીજું એક મહત્ત્વનું કારણ છે કુપોષણ. ક્યારેય ધ્યાનથી જોઈશું તો દેખાશે કે ગરીબ અને ખૂબ અછતમાં ઉછરેલા બાળકોના પેટ હંમેશાં મોટા હોય છે અને તેમના હાથ-પગ દોરી જેવા પાતળા હોય છે. એની પાછળ કુપોષણ જવાબદાર રહે છે. તમારા બાળકને કુપોષણ તો નથી એ બાબતે સભાનતા રાખવી જરૂરી છે. બેઠાડું જીવન, વધુ પડતો સ્ટ્રેસ, જંક ફૂડનો માર, વધુ કૅલેરીયુક્ત ખોરાક જેવા બીજાં ઘણાં કારણો છે જેને લીધે સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે ફાંદની સમસ્યા ઉદ્ભવતી હોય છે.
બાળકમાં કોઈ હોર્મોનલ પ્રૉબ્લેમ હોય તો પણ એને ફાંદ આવી જતી હોય છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, પ્રેડરવીલી સિન્ડ્રોમ કે કુશીન્ગ્સ સિન્ડ્રોમ જેવા રોગોમાં પણ બાળકની ફાંદ વધી જતી હોય છે. જોકે આવા કેસ અમુક જ હોય છે. જો પોષણયુક્ત ખોરાક અને ઍક્ટિવિટી વધાર્યા પછી પણ તમારા બાળકની ફાંદ જાય નહીં તો ચોક્કસ ડૉક્ટરને મળીને તપાસ કરાવો. શા માટે એને આ પ્રૉબ્લેમ છે એ જાણો અને ઇલાજ દ્વારા દૂર કરવાની કોશિશ કરો.

columnists health tips