ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર સાથે સ્કીન પ્રૉબ્લેમ હોય તો શું કરવું?

25 January, 2022 05:03 PM IST  |  Mumbai | Yogita Goradia

મારે કેમિકલવાળા ક્રીમ કે ટ્રીટમેન્ટ નથી કરાવવી. શું મારો આ સ્કિન પ્રૉબ્લેમ ડાયટ વડે દૂર થઈ શકે? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૮ વર્ષ છે. મને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર બન્ને છે. જોકે બન્ને ઘણા કાબૂમાં છે. મારું વજન આદર્શ કરતાં ૧૫ કિલો વધુ છે. મારા મેટાબૉલિક સિન્ડ્રોમને કારણે જ કદાચ મને સ્કિનનો પ્રૉબ્લેમ શરૂ થયો છે. મને પિગ્મેન્ટેશન, ડ્રાય સ્કિન, ઍકનેની તકલીફ છે. મારે કેમિકલવાળા ક્રીમ કે ટ્રીટમેન્ટ નથી કરાવવી. શું મારો આ સ્કિન પ્રૉબ્લેમ ડાયટ વડે દૂર થઈ શકે? 

તમારી વાત સાંભળીને લાગે છે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. જોકે તમને મળ્યા વગર આ બાબતે કહી શકાય નહીં. કોઈ હોર્મોનલ ઊથલપાથલને કારણે આવું થાય છે કે નહીં એ સમજવું પણ જરૂરી બને છે. છતાં અમુક વસ્તુઓ છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જો તમને મેટાબૉલિક ડિસઑર્ડર હોય તો પહેલાં રેગ્યુલર ચેક-અપ દ્વારા અને જરૂરી ઈલાજ દ્વારા તમારું ડાયાબિટીઝ, કૉલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર જેવી તકલીફોને સંભાળવી અને એને કન્ટ્રોલમાં લાવવી. 
ઑબેસિટીને કારણે ત્વચા જે જાડી થઈ ગઈ છે અને કાળા ચાઠા પડી ગયા છે એ માટે વેઇટલોસ જરૂરી છે. મોટા ભાગના દરદીઓમાં ડાયટ કન્ટ્રોલ કરી જ્યારે વેઇટલોસ કરવામાં આવે છે ત્યારે આ સ્કિન પ્રૉબ્લેમ્સ એની મેળે જતા રહે છે. હૉર્મોન્સનું લેવલ જળવાઈ રહે એ માટે સંતુલિત અને પોષણયુક્ત ખોરાક ખૂબ જરૂરી છે. એ માટે ખોરાકમાં વિટામિન, મિનરલ્સ, કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન મળીને સંપૂર્ણ આહાર લેવો જરૂરી છે. પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. દરરોજ અઢીથી ત્રણ લીટર પાણી પીવું ફરજિયાત છે જેનાથી વ્યક્તિનું પાચનતંત્ર સ્ટ્રૉન્ગ રહે છે. પાચન સારું થાય છે અને મેટાબૉલિઝમ સ્ટ્રૉન્ગ બને છે.
દિવસમાં બે પ્રકારનાં ફળ અને એક ગ્લાસ વેજિટેબલ જ્યૂસ પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. એનાથી શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળે છે એટલું જ નહીં એનાથી શરીરનું પાચન ઘણું સારું થાય છે. શરીરમાંથી ટૉક્સિન્સ એટલે કે ઝેરી તત્ત્વ દૂર થાય છે. ડિટોક્સિફિકેશન માટે ફુદીનો, કોથમીર, લીલી ચા, સેલેરી, થાઇમ લાભદાયી થાય છે. જે જ્યૂસમાં નાખીને ઉપયોગ કરી શકાય છે. રોજ એક્સરસાઈઝ, યોગ, મેડિટેશન પણ ઉપયોગી થાય છે. શરીરમાં રહેલા ટોક્સિન્સ દૂર થાય એ માટે આ ડિસ્ટ્રેસિંગ પદ્ધતિઓ ફાયદાકારક છે.

health tips columnists