હાર્ટ અટૅક પછીની રિકવરીમાં શું કરવું?

07 June, 2021 11:27 AM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

પહેલાં તો સારી રિકવરી કોને કહેવાય એ સમજવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

મારો નાનો ભાઈ ૪૫ વર્ષનો છે અને તેને ૧૦ દિવસ પહેલાં હાર્ટ અટૅક આવ્યો હતો. તેને સર્જરીની જરૂર નથી, એવું ડૉક્ટરે કહ્યું અને મેડિકેશન ચાલુ છે. ચિંતા એ વાતની છે કે ખૂબ નાની ઉંમરમાં તેને હાર્ટ અટૅક આવ્યો. હવે એનું જીવન પહેલાં જેવું જ રહેશે કે બદલાઈ જશે? તે ખૂબ ઍક્ટિવ રહેતો હતો. આખો દિવસ કામ કરતો, ઊછળતો, હસતો. હવે તેને જોઈને લાગે છે કે ફરીથી પહેલાંની જેમ તે ઍક્ટિવ બની શકશે કે નહીં? એની રિકવરી સારી થાય એ માટે અમે શું કરી શકીએ?    

હાર્ટ અટૅક પછીની રિકવરી એ ખૂબ મહત્ત્વની બાબત છે. એ માટે અમુક ગાઇડલાઇન્સ ફૉલો કરવી જરૂરી છે. પહેલાં તો સારી રિકવરી કોને કહેવાય એ સમજવું જરૂરી છે. હાર્ટ અટૅક પહેલાં તમે કેટલા ઍક્ટિવ હતા એટલી જ ઍક્ટિવિટી હાર્ટ અટૅક પછી પણ ચાલુ રહે, તમે કોઈના પર નિર્ભર ન બનો, તમારાં દરેક કામ તમે જાતે કરી શકવા સક્ષમ બનો એને આપણે રિકવરી કહીશું. એના માટે સૌથી મહત્ત્વનું છે કે તમને જે દવાઓ આપી છે એ સમયસર અને નિયમિતપણે લેવી. બીજું, ધીમે-ધીમે વૉક કરવાનું શરૂ કરવાનું છે. એવું થશે કે શરૂઆતમાં તમે ચાલો એટલે શ્વાસ ફૂલે, પણ જરૂરી નથી કે એનાથી તમે ગભરાઈ જાવ. શ્વાસ ફૂલવો નૉર્મલ છે, કારણ કે તમારું હાર્ટ ડૅમેજ થયું છે અને ૧૦-૧૨ દિવસથી તમે પથારીવશ પણ રહ્યા છો, પરંતુ શરીરને ફરીથી ચાલતું -ફરતું કરવું પણ એટલું જ જરૂરી છે. પહેલા દિવસે પાંચ મિનિટ ચાલો, પછી ૧૦ મિનિટ, પછી ૧૫ મિનિટ. આમ, ધીમે-ધીમે ખુદની સ્ટ્રેંગ્થ ખુદે જ વધારવાની છે. બીજું છે પ્રાણાયામ. અત્યંત જરૂરી છે કે તમે તમારા શ્વાસની સ્ટ્રેંગ્થ વધારો. આ સિવાય હૉસ્પિટલમાંથી ડાયટ જે મળ્યું છે એ મુજબ જ રાખવું. તેલ અને ઘીનું પ્રમાણ ઓછું રાખવું, મીઠું અને ખાંડ પણ એકદમ ઓછાં રાખવાં. બહારનું તળેલું, બૅકરી ફૂડ, પૅકેટ ફૂડ વગેરે ન ખાવાં. રિકવરીમાં એક વસ્તુ અત્યંત મહત્ત્વની છે જેના વિશે ખૂબ ઓછા લોકો ધ્યાન રાખે છે એ છે મેન્ટલ રિકવરી. હાર્ટ અટૅક આવે ત્યારે વ્યક્તિ પડી ભાંગે છે. અમુક લોકોને માઇલ્ડ ડિપ્રેશન પણ આવી જાય છે. તેમને આમાંથી બહાર કાઢવા જરૂરી છે. ફૅમિલીનો એમાં મોટો પાર્ટ છે. આ બાબતો પર ધ્યાન રાખવાથી રિકવરી સારી આવશે. 

columnists