ઉનાળામાં જ્યારે પાચનશક્તિ મંદ પડે ત્યારે શું કરવું?

12 May, 2021 12:12 PM IST  |  Mumbai | Yogita Goradia

ભૂખ પણ ઠીક-ઠાક લાગે છે. ક્યારેક એવું પણ બને કે એકદમ ભૂખ લાગે પણ ખાવાનું ખાઈ ન શકાય. ક્યા પ્રકારનો ખોરાક મને રાહત આપી શકે?   

GMD Logo

હું ૬૦ વર્ષની છું. મારું જમવાનું એકદમ દેશી છે. ઘરે બનાવેલું જ હું જમું છું. છતાં મને ખૂબ ગૅસ થઈ જાય છે. ગૅસને કારણે આખો દિવસ બેચેની લાગ્યા કરે છે.  જાણે કંઈ પચતું જ નથી ખાવાનું. મને ખાઈને ગૅસ થાય છે કે ભૂખ્યા પેટે એ પણ સમજાતું નથી. ભૂખ પણ ઠીક-ઠાક લાગે છે. ક્યારેક એવું પણ બને કે એકદમ ભૂખ લાગે પણ ખાવાનું ખાઈ ન શકાય. ક્યા પ્રકારનો ખોરાક મને રાહત આપી શકે?   
 
મે મહિનો ચાલે છે અને ગરમીમાં આવા હાલ થાય એ સહજ છે. મુંબઈમાં ગરમી એકદમ હ્યુમિડિટીવાળી છે એટલે લાગે કે જાણે પરસેવે નીતર્યા જ કરીએ છીએ. પાચનશક્તિ આ સમયમાં નબળી પડી જ જાય છે. આ નબળી પાચનશક્તિને થોડું બળ આપવું જરૂરી છે. જેના માટે દહીં, શેકેલું જીરું પાચનશક્તિને સ્ટ્રૉન્ગ કરે છે. દરરોજ બપોરના સમયે તાજું જમાવેલું એક વાટકી દહીં શેકેલા જીરું સાથે ખાવું. એનાથી તમને સારું રહેશે. દહીં, ઘરે તાજું જ જમાવવું જરૂરી છે. પેકેટવાળા દહીં ન ખાવા. આ સિવાય અત્યારે બેસન એટલે કે ચણાનો લોટ, નાચણી, બાજરો, ચણા, ચોળા, રાજમા જેવા ધાન્ય કે કઠોળ ન ખાવા. દાળમાં પણ તુવર અને અડદની દાળ ન ખાવી. એના કરતાં મગ, મગની દાળ, મસુરની દાળ ખાઈ શકાય. એ પચવામાં હળવી અને પોષણયુક્ત છે. ધાન્યમાં જુવાર અને જવની રોટલી ખાવી. આ સિવાય જમ્યા પછી મુખવાસમાં વરિયાળી ચાવવી કે ધાણાદાળ પણ ખાઈ શકાય. આ બન્ને મુખવાસ પાચનને બળ આપે છે. એમાં તલને અળસી મિક્સ કરેલો મુખવાસ હમણાં ન ખાવો. આ સિવાય નાસ્તા અને જમ્યા પછી લીંબુ અને સંચળનું પાણી ચોક્કસ પીવું. જેટલું જમતા હો એના પ્રમાણમાં ૧૦ ટકા જેટલો ઘટાડો કરવો. ખોરાકનો અને ઊંઘવાનો સમય નિશ્ચિત કરી નાખો અને ખોરાકમાં મીઠાનો ઉપયોગ પણ ઘટાડો. 
ઘરમાં ને ઘરમાં બેઠાડું જીવન પણ તમારા ગૅસનું કારણ હોઈ શકે છે. આ માટે સવારે ઊઠીને હળવો વ્યાયામ અને આખો દિવસ ઍક્ટિવ રહેવું જરૂરી છે. વ્યાયામ અને આખો દિવસની ઍક્ટિવિટી બન્ને પર ધ્યાન આપવું જરૂરી છે. બન્નેમાંથી એક પણ વસ્તુ છોડવી નહીં. આ બાબતો પર ધ્યાન આપશો તો ગૅસની તકલીફ ધીરે-ધીરે જતી રહેશે અને પાચન પણ સક્રિય બનશે. 

columnists yogita goradia health tips