બાળકને કબજિયાતથી બચાવવા શું કરવું?

26 May, 2023 05:45 PM IST  |  Mumbai | Dr. Vivek Rege

આજકાલ આપણે ત્યાં વેસ્ટર્ન ટૉઇલેટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં બાળકના પગ નીચે લટકતા રહી જાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારો દીકરો અઢી વર્ષનો છે. અત્યારે તેની પૉટી ટ્રેઇનિંગ લગભગ શરૂ થઈ ગઈ છે. મારા મોટા દીકરાને અરસા સુધી કબજિયાતની તકલીફ હતી. મારો નાનો દીકરો પણ સાવ નવજાત શિશુ હતો ત્યારે પણ તેનું પેટ એકદમ કડક થઈ જતું, ગૅસને કારણે તે રડતો અને પૉટી ૪ દિવસે એક વાર જતો. આ તકલીફ યોગ્ય ખાન-પાન સાથે મેં માંડ દૂર કરી. અત્યારે તો એ ઠીક છે, પરંતુ મેં સાંભળ્યું છે કે પૉટી ટ્રેઇનિંગ જો વ્યવસ્થિત ન થાય તો પણ બાળકોને કબજિયાત રહે છે. પૉટી ટ્રેઇનિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જેનાથી બાળકને કબજિયાત ન રહે એ જણાવવા વિનંતી. 

તમારી ચિંતા એકદમ યોગ્ય છે. જે માતા-પિતા બાળકને વ્યવસ્થિત પૉટી ટ્રેઇન કરતાં નથી એ બાળકોમાં લાંબા ગાળે કબજિયાતની તકલીફ રહે છે. વળી, કબજિયાત એ કુપોષણની જનની છે. માટે શું ખાવું એ બાબતની સાથે કઈ રીતે પૉટી ટ્રેઇન કરવી એ પણ સમજવું જરૂરી છે. બૉટલથી દૂધ પીવડાવવું, વધુ માત્રામાં દૂધ પીવડાવવું, ફાઇબર વગરનો ખોરાક એટલે કે શાકભાજી અને ફળોની ખોરાકમાં કમી, પાણી ઓછું પીવડાવવું કે એનાથી ઊલટું ફક્ત લિક્વિડ જ વધુ દેતા રહેવું જેવી નાની આદતોને કારણે બાળકને કબજિયાત જેવા રોગ અને એની તકલીફોનો સામનો કરવો પડે છે માટે આ આદતોથી બચવું. 

ખાસ કરીને બાળક ૪ વર્ષનું થાય ત્યાં સુધીમાં તે પૉટી ટ્રેઇન થઈ ચૂક્યું હોય છે એટલે કે પૉટી આવે ત્યારે તે કહી શકે છે કે તેને પૉટી જવું છે અને તે બાથરૂમમાં બેસીને પૉટી કરે છે, પથારીમાં નહીં, પરંતુ પૉટી ટ્રેઇનિંગમાં બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. આજકાલ આપણે ત્યાં વેસ્ટર્ન ટૉઇલેટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં બાળકના પગ નીચે લટકતા રહી જાય છે. આ પરિસ્થિતિમાં વધુ વાર તે બેસી શકતું નથી માટે પૉટી અધૂરી કરે એવું બની શકે છે, જેને લીધે આગળ જતાં કબજિયાત થાય. આ સિવાય નિયમિતતાનો આગ્રહ પેરન્ટ્સ રાખતા નથી. સવારે ઊઠે, બ્રશ કરે પછી બાળકને ફરજિયાત પૉટી પર બેસાડી જ દેવું. બને કે શરૂઆતમાં બાળક પૉટી ન કરે તો કઈ વાંધો નહીં, પણ આ એક આદત છે જે પાળવી જરૂરી છે. આ સિવાય ઘણાં બાળકો રમતચાળા કરી કલાકો પૉટી સીટ પર બેઠાં રહે છે તો ઘણાં બહાર રમવાની જલદીમાં પૉટી કરી ન કરી, બસ ભાગે છે. 

columnists health tips life and style