બ્રેસ્ટ-કૅન્સરની દરદી નિરાશાનો શિકાર બને ત્યારે શું કરવું?

05 October, 2021 03:52 PM IST  |  Mumbai | Dr. Meghal Sanghavi

કૅન્સર સામે લડવા માટે શારીરિક ઇલાજની સાથે-સાથે મક્કમ મનોબળની પણ જરૂર પડે છે. કૅન્સર તો શું, કોઈ પણ ઇલાજમાં જો વ્યક્તિ ખુદ જ ઠીક થવા ન ઇચ્છતી હોય તો કોઈ દવા એને ઠીક નથી કરી શકતી.

પ્રતીકાત્મક તસવીર

મારી દીદીને ૩૨ વર્ષની નાની ઉંમરે બ્રેસ્ટ-કૅન્સર જેવા રોગનું નિદાન થયું ત્યારે એના માટે આ રોગને જીરવવો સહેલો ન હતો. અમે અમારી મમ્મીને આ રોગમાં મૃત્યુના દ્વાર સુધી જતી જોઈ છે અને મા વગરનું લાચાર જીવન પણ અમે જીવ્યું હતું. આજે દીદી પોતે આ રોગનો ભોગ બની હતી ત્યારે તેને લાગ્યું કે હવે મૃત્યુ નક્કી છે અને એનાં બાળકો પણ મા વગરનાં થઈ જવાનાં. હકીકત એ હતી કે તેનું કૅન્સર ફર્સ્ટ સ્ટેજમાં જ પકડાઈ ગયું હતું એટલે ડૉક્ટરોએ પૂરી બાતમી આપી કે તે આ રોગમાંથી બહાર આવી જશે, પરંતુ પોતાની અંદર ઘૂસી ગયેલા ડરને લીધે દીદી માનવા જ તૈયાર નથી. આ નિરાશામાંથી કઈ રીતે એને બહાર લાવવી?

કૅન્સર સામે લડવા માટે શારીરિક ઇલાજની સાથે-સાથે મક્કમ મનોબળની પણ જરૂર પડે છે. કૅન્સર તો શું, કોઈ પણ ઇલાજમાં જો વ્યક્તિ ખુદ જ ઠીક થવા ન ઇચ્છતી હોય તો કોઈ દવા એને ઠીક નથી કરી શકતી. ડિપ્રેશનમાં વ્યક્તિ એટલો હતાશ થઈ ગયો હોય છે કે તે પોતાના ઇલાજ પ્રત્યે બેદરકાર બની જાય છે. કૅન્સરનું નિદાન હંમેશાં આઘાત આપે છે. આ રોગ અને એનો ઇલાજ દરદી માટે જ નહીં, એના ઘરના લોકો માટે પણ એટલો જ ચૅલેન્જિંગ બની જાય છે. કૅન્સરના નિદાન પછી જ્યારે દરદી ઇલાજ માટે તૈયાર થાય ત્યારે એ ઇલાજ એની અંદર ઘણા ઉતાર-ચડાવ લાવે છે. તેમનું બદલાયેલું શરીર, સતત અનુભવાતી અસમર્થતા, પેઇન, દવાના સાઇડ-ઇફેક્ટ, અતિશય થાક અને મોતનો ડર એ દરદીમાં હતાશાના કારક બને છે. ઘણા દરદીઓ આમાંથી જાતે બહાર આવી શકતા હોય છે. ઘણાનો સપોર્ટ સિસ્ટમ એટલો સ્ટ્રોન્ગ હોય છે કે એને કારણે તેઓ બહાર આવી જતા હોય છે, પરંતુ અમુક લોકો બહાર આવી શકતા નથી. તેમના પર ઊંડી અસર થઈ હોય છે, જેને પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે છે. કૅન્સરના દરદીને ડિપ્રેશન છે કે બીજી કોઈ માનસિક તકલીફ છે એ બાબતે નિદાન અત્યંત મહત્ત્વનું છે. ૯૦ ટકા દરદીઓની હાલત ખરાબ થઈ જતી હોય છે, પરંતુ એ નૅચરલ છે. જ્યારે એમને પ્રૉપર કાઉન્સિલ કરવામાં આવે ત્યારે એ ઠીક થઈ જતા હોય છે. ભાગ્યે જ કોઈ કેસમાં દવાઓની મદદ લેવી પડે કે દરદીને સાઇકિયાટ્રિસ્ટ પાસે મોકલવા પડે.

health tips