બાળકને કરમિયાની તકલીફ વધી જાય ત્યારે શું કરવું?

15 October, 2021 07:01 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

બાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે અને ચોમાસામાં એ વધુ થાય છે. એ પણ મોટા ભાગે પાણીજન્ય છે

પ્રતીકાત્મક તસવીર

મારો દીકરો ૧૨ વર્ષનો છે. ચોમાસાની સીઝનમાં તે ખૂબ બીમાર પડે છે. કોઈ ને કોઈ ઇન્ફેક્શન એને થયું જ હોય આ સીઝનમાં.  ઝાડા-ઊલટી પણ સીઝનમાં બે વાર તો થઈ જ જાય. હું એના ખાવા-પીવાનું ખૂબ ધ્યાન રાખું છું, પણ આ સીઝનમાં એને બીમારીથી બચાવી શકતી નથી. હમણાં થોડા દિવસથી એ પૂંઠ ખૂબ ખંજવાળે છે. નાનો હતો ત્યારે કરમિયાનો કોર્સ કરાવતી હતી, પણ હમણાંથી એ નથી કરાવ્યો. શું એને હજી પણ કરમિયા જેવી તકલીફ હોય શકે? આવું દર સીઝનમાં થવાનું કારણ શું?

 

વરસાદ અને ભેજની ઋતુમાં રોગોથી બચવા ઘરની સફાઈ અને પર્સનલ હાઇજીન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ભેજવાળા વાતાવરણમાં ઘરમાં બધું જ સૂકું રાખવું જોઈએ. બાળકોને જમ્યા પહેલાં, રમીને આવે એ પછી, બહારથી ઘરે પાછાં આવ્યાં બાદ હાથ અને પગ સાબુથી ધોવાની આદત કેળવવી જોઈએ. જો એ વરસાદમાં પલળે તો એને તાત્કાલિક ડ્રાય  કરો અને શરીરને ગરમાવો મળે એવું કઈક ખવડાવો. કોઈ પણ પ્રકારની માંદગીને લઈને ગફલતમાં ન રહો. તરત જ એની દવા કરો. ઉકાળેલું પાણી અને ઘરનો બનાવેલો તાજો પકવેલો ખોરાક જ બાળકને આપો. ઘરમાં માખી-મચ્છર ન થાય એનું ધ્યાન રાખો. જે રોગોની રસી આપી શકાય છે એ રસી ચોક્કસ અપાવડાવો. આ બધી મૂળભૂત કાળજી છે જે ચોમાસામાં રાખવી જરૂરી છે.

બાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે અને ચોમાસામાં એ વધુ થાય છે. એ પણ મોટા ભાગે પાણીજન્ય છે. કોઈ પણ ઉંમરે એ થઈ શકે છે. પાણીમાં ફરતા કરમિયાનાં ઇંડાં પેટમાં જાય તો બાળકને કરમિયા થઈ શકે છે. બાળકોએ જ નહીં, પરંતુ સમગ્ર પરિવારે ચોમાસામાં કરમિયા માટેનો કોર્સ કરી લેવો જોઈએ, કારણ કે ઘરમાં એક જ ટૉઇલેટ યુઝ કરતા લોકોને એકબીજાને કારણે ચેપ લાગી શકે છે.

કરમિયાંની તકલીફ એવી છે જે થાય, એનાં લક્ષણો દેખાય અને પછી જ દવા લેવી એવી રાહ જોવાની જરૂર નથી. એની દવા ઘણી જ સેફ છે. શંકા થાય કે ન થાય, આ રોગ માટે પણ ચોમાસામાં તો એ દવા લઈ જ લેવી. તમારા ડૉક્ટરને મળીને કરમિયાનો એક ડોઝ લઈ જ લો. આ ડોઝ તમે દર ૪-૬ મહિને એક વાર લઈ શકો છો.

columnists