મોટી ઉંમરે સાંભળવાની ક્ષમતા સાવ જતી રહે ત્યારે શું કરવું?

06 October, 2021 06:12 PM IST  |  Mumbai | Dr. Hetal Marfatia

મારો હિયરિંગ પ્રોબ્લેમ વધી રહ્યો છે. મને ખબર છે કે હવે હિયરિંગ એઇડ પણ મારો સાથ છોડી દેશે. આમ તો મારો પરિવાર ઘણો પ્રેમાળ છે, પણ હું એમના પર બોજ બનવા નથી માગતો. કોઈ ઉપાય ખરો?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૫ વર્ષ છે અને બન્ને કાનમાં સંભળાતું નથી. હું લગભગ ૫૨ વર્ષની ઉંમરથી હિયરિંગ એઇડ પર જ છું. મારા પિતાને પણ આ તકલીફ હતી. મને પણ છે. મારા પિતાએ તો કોઈ હિયરિંગ એઇડ પહેર્યા નહોતા. છેલ્લા સમય સુધી અમે એમની કાળજી રાખી. મારો હિયરિંગ પ્રોબ્લેમ વધી રહ્યો છે. મને ખબર છે કે હવે હિયરિંગ એઇડ પણ મારો સાથ છોડી દેશે. આમ તો મારો પરિવાર ઘણો પ્રેમાળ છે, પણ હું એમના પર બોજ બનવા નથી માગતો. કોઈ ઉપાય ખરો?
   
હિયરિંગ એઇડ જ્યારે કામ કરતા બંધ થઈ જાય એટલે કે બહેરાશની માત્રા ખૂબ વધી જાય ત્યારે એકમાત્ર ઉપાય બચે છે અને એ છે કોક્લિયર ઇમ્પ્લાન્ટ. આ એક સર્જિકલ પ્રોસિજર છે. થોડી ખર્ચાળ પણ કહી શકાય પરંતુ એના રિઝલ્ટ ઘણા સારા છે. ભારતમાં આ પ્રકારની સર્જરી વડીલો વધુ કરાવતા નથી, કારણકે એમને લાગે છે કે પરિવારનો સપોર્ટ છે એટલે નહીં વાંધો આવે, પણ હકીકત એ છે કે જ્યારે તમે આ સર્જરી નથી કરાવતા ત્યારે તમે પરાવલંબી બની જાવ છો. એમાં પણ જે વડીલો એકલા રહેતા હોય છે એમના માટે જીવન દુર્ભર બની જતું હોય છે, કારણકે જો સંભળાય નહીં તો ડેઈલી કામ બધાં અટકી જતાં હોય છે. જન્મથી બહેરુ માણસ તકલીફ વગર પોતાના બધાં કામ કરી શકે છે, પરંતુ ધીમે-ધીમે જે માણસ બહેરું બનતું જાય છે એ પરાવલંબી જીવન જીવતું થઈ જાય છે. એનાથી વધુ એ એકાકી બની જાય છે. લોકો સાથે વાતચીતનો વહેવાર એનો ખતમ થતો જાય છે. આ પરિસ્થિતિ વૃદ્ધાવસ્થામાં જીરવવી એના કરતાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવું વધુ સારું છે. એમાં એક ઇલેક્ટ્રોનિક મશીનને કાનની અંદર કોકલિયામાં પ્લાન્ટ કરવામાં આવે છે જે સાંભળવાની નસને સ્ટિમ્યુલેટ કરે છે. આમ તો એ બન્ને કાનમાં કરવું જરૂરી છે, પરંતુ ઘણા દરદીઓને બન્ને કાનના ઑપરેશન સાથે કરાવવા હોતા નથી. તો એ પહેલાં એક કાનનું ઑપરેશન કરાવીને અનુભવ લે છે અને પછી જ બીજા કાન વિશે વિચારે છે. બહારના દેશોમાં તો વડીલો એકલા જ રહેતા હોય છે એટલે આ સર્જરી ત્યાં ખૂબ સામાન્ય છે, પરંતુ વૃદ્ધાવસ્થા આત્મવિશ્વાસ સાથે સ્વાવલંબી બનીને જીવવી હોય તો આ ઇમ્પ્લાન્ટ જરૂરી છે.

health tips columnists