આંગળીના સાંધામાં તકલીફ હોય ત્યારે શું કરવું?

16 November, 2021 12:39 PM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

જે લોકો અમુક પ્રકારની હૉર્મોનલ ટ્રીટમેન્ટ લેતા હોય છે એમનામાં પણ આ તકલીફ આવવાનું રિસ્ક રહેતું હોય છે

પ્રતીકાત્મક તસવીર

હું ૩૬ વર્ષની છું. બે બાળકોની મમ્મી છું. મને છેલ્લાં બે વર્ષથી થાઇરૉઇડની તકલીફ આવી છે. એની સાથે હમણાં કરાવેલા રિપોર્ટ્સમાં થોડું કૉલેસ્ટરોલ પણ આવ્યું છે. જોકે એ બૉર્ડરલાઇન પર છે, પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી મને હાથના, ખાસ કરીને આંગળીના સ્નાયુઓમાં તકલીફ થઈ રહી છે. ખાસ કરીને સવારે ઊઠ્યા પછી વધુ ખરાબ હોય છે જેમ કે હાથથી બ્રશ પકડવું કે લોટ બાંધવામાં મને તકલીફ થાય છે. આ તકલીફ કયા કારણસર હોઈ શકે છે?  

 

તમારાં ચિહ્નો જોતાં લાગે છે કે તમને રુમેટૉઇડ આર્થ્રાઇટિસ હોઈ શકે છે. આ રોગ કોઈ પણ ઉંમરની કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ મોટા ભાગે એ ૩૦-૫૦ વર્ષની સ્ત્રીઓમાં થતો વધુ જોવા મળે છે. સ્ત્રીઓમાં હૉર્મોન્સનો બદલાવ આવે છે, એ બદલાવ ક્યારેક આના માટે જવાબદાર હોઈ શકે છે. જે લોકો અમુક પ્રકારની હૉર્મોનલ ટ્રીટમેન્ટ લેતા હોય છે એમનામાં પણ આ તકલીફ આવવાનું રિસ્ક રહેતું હોય છે. રુમેટૉઇડ આર્થ્રાઇટિસ કોઈ પણ સાંધામાં થઈ શકે છે, પરંતુ મોટા ભાગે તે નાના સાંધાઓમાં વધુ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને હાથના નાના સાંધાઓમાં એ શરૂ થાય છે. ઑસ્ટિઓઆર્થ્રાઇટિસથી ઊંધું આ પ્રકારના આર્થ્રાઇટિસમાં જ્યારે વ્યક્તિ આરામ કરે ત્યારે એને તકલીફ વધે છે, પછી એ આરામ થોડા સમયનો કેમ ન હોય, તકલીફ તો થાય જ છે. રાત્રે ઊંઘી ગયા પછી આ દરદીઓને સવારે સૌથી વધુ તકલીફ થાય છે અને સાંધા પાસેથી પછી કામ લેવું મુશ્કેલ બની જાય છે.

થાઇરૉઇડની જેમ રુમેટૉઇડ આર્થરાઇટિસ એક ઑટોઇમ્યુન ડિસીઝ છે. રોગ-પ્રતિકારક ક્ષમતામાં આવતા ફેરફાર બંને રોગના કારક છે એટલે થાઇરૉઇડની સાથે-સાથે તમને આ રોગ હોય એ શક્ય છે. આ સિવાય આર્થ્રાઇટિસ શરીરમાં ઇન્ફ્લેશન લાવનારો રોગ છે. આ ઇન્ફ્લેશનથી લોહીની નળીઓને જે નુકસાન થાય એ પૂરવા માટે શરીર વધુ કૉલેસ્ટરોલ બનાવવા લાગે છે. આમ, તમારું જે કૉલેસ્ટરોલ છે એ પણ એ તરફ જ સંકેત કરે છે કે તમને આ રોગ હોઈ શકે છે. જે તમને ખાસ બ્લડ-ટેસ્ટ કરવાનું કહેશે. ઘણી વખત એવું પણ બને છે કે દરદીને હેપેટાઇટિસ-સી કે ટીબીને લીધે સાંધાની તકલીફ થઈ શકે છે.

columnists health tips