દાંત કચકચાવવાની આદતનું શું કરું?

28 December, 2021 09:13 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

આ આદત ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ફક્ત ગુસ્સાને લીધે જ નહીં, સ્ટ્રેસ કે ટેન્શનમાં પણ લોકો દાંત કચકચાવે છે.

ફાઇલ તસવીર

હું ૪૨ વર્ષની છું. ટીચર છું. સ્વભાવે ખૂબ કડક ટીચર છું. બાળકો ડિસિપ્લિનમાં રહે એ માટે તેમના પર ગુસ્સો કરવો જરૂરી બની જતો હોય છે અને નાનપણથી મને ગુસ્સો આવે ત્યારે મારાથી દાંત કચકચી જાય છે. મારી મમ્મી મને ટોકતી, પણ એ આદત મેં છોડી  નથી. હવે દાંત ખૂબ ઢીલા થઈ ગયા હોય એવું લાગે છે. પહેલાં થયું કે ઉંમરને કારણે હશે, પરંતુ મારી ફ્રેન્ડને દાંત કચકચાવવાની આદતને એ કારણે થયું છે. હું શું કરું?

આ આદત ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ફક્ત ગુસ્સાને લીધે જ નહીં, સ્ટ્રેસ કે ટેન્શનમાં પણ લોકો દાંત કચકચાવે છે. વ્યક્તિની માનસિકતા સાથે આ આદત જોડાયેલી છે જેને છોડવી દાંત માટે ખૂબ જ જરૂરી છે. તમને આ આદત ફક્ત દિવસના જ છે કે રાતના પણ તમે દાંત કચકચાવો છો? મહત્ત્વનું એ છે કે તમને આ વાતનું ભાન છે કે તમને આ આદત છે, કારણ કે ઘણા લોકોને તો એ સમજાતું જ નથી હોતું કે તેમને આ તકલીફ છે. હજી તમારી ઉંમર નાની છે. 
આ આદતને કારણે દાંત ઘસાતા જાય અને એની હાઇટ ઓછી થઈ જાય. એટલે કે દાંત વધુ પેઢાં તરફ ધસી જાય છે. આ રીતે એ ફક્ત દાંતનું નહીં, પેઢાંનું પણ નુકસાન કરે છે. એમાં ફ્રૅક્ચર પણ થઈ શકે છે એટલે કે દાંત ધીમે-ધીમે નબળા પડતા જાય છે અને એમાં તિરાડ પડી શકે છે અથવા તો એ તૂટીને હાથમાં આવી શકે છે. આ આદત દાંતને મૂળથી નબળા બનાવે છે. એક સમયે એવો પણ આવી શકે કે દાંત મૂળથી એટલો નબળો પડી જાય કે એ બહાર આવી જાય. નાનપણથી જ જેમને આ આદત હોય તેમનું ચોકઠું વ્યવસ્થિત બનતું નથી. જો દાંત વાંકાચૂંકા હોય તો બીજા અલગ પ્રૉબ્લેમ્સ હોય છે. આમ ફક્ત આ આદતને કારણે વ્યક્તિને ભવિષ્યમાં બ્રિજ, ક્રાઉન, રૂટ કૅનાલ, ઇમ્પ્લાન્ટ, અડધું ચોકઠું કે આખું ચોકઠું જેવી એની તકલીફો અનુસાર સારવાર લેવી પડે છે. 
આ માટે આ આદત વહેલી તકે છોડવી જ રહી. એના માટે તમારે તમારી અવેરનેસ વધારવી પડશે. જ્યારે દાંત ભીંસો છો ત્યારે વચ્ચે જીભનો સહારો લો. એને કારણે ધીમે-ધીમે દાંત ભીંસવાની આદત છૂટશે. તમે કહો છો કે દાંત નબળા થતા જાય છે તો એ માટે ડેન્ટિસ્ટને મળો અને જરૂરી ઇલાજ કરાવો. આ સિવાય જો તમને રાત્રે દાંત કચકચાવવાની આદત હોય તો ડેન્ટિસ્ટ તમને નાઇટ ગાર્ડ આપશે જેનાથી દાંત બચાવી શકાશે.

health tips life and style